Connect Gujarat
Featured

ડાંગ : લાંચ રુશ્વત વિરોધી અને તકેદારી સમિતિની બેઠકમાં તકેદારી આયુક્ત દ્વારા અપાયું પ્રેરક માર્ગદર્શન

ડાંગ : લાંચ રુશ્વત વિરોધી અને તકેદારી સમિતિની બેઠકમાં તકેદારી આયુક્ત દ્વારા અપાયું પ્રેરક માર્ગદર્શન
X

ગત તા. 27 ઓક્ટોબરથી 2 ઓક્ટોબર 2020 સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં યોજાયેલા “સતર્કતા સપ્તાહ”ની ઉજવણી અને તેના હેતુનો ખ્યાલ આપતા ગુજરાત તકેદારી આયુક્ત સંગીતા સિંઘે સાંપ્રત સ્થિતિમાં આયોજિત જિલ્લા સતર્કતા સમિતિની ભૂમિકા ઉપર ભાર મુક્યો હતો.

આ અંગે તકેદારી આયુક્ત સંગીતા સિંઘે સમિતિના કાર્યો અને જવાબદારી સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરતા સમિતિના ગઠન, તેની ભૂમિકા, સમિતિના સભ્યોની જવાબદારીઓ, સંમિલિત વિભાગોના પ્રતિનિધિઓ, સમિતિના સભ્યોની નિમણુક જેવી બાબતે વિસ્તૃત છણાવટ કરી ઝીણવટભર્યું માર્ગદર્શન આપ્યું હતું. લોકાભિમુખ વહીવટ અને સત્તાના વિકેન્દ્રીકરણ જેવી બાબતે સમજ આપતા આયુકતશ્રીએ ડીજીટલ ઇન્ડીયાના ભાગરૂપે મોટાભાગની સેવાઓ જયારે ડીજીટલ સ્વરૂપે પૂરી પાડવામાં આવી રહી છે, ત્યારે દરેક ક્ષેત્રની કામગીરી ઉપર ચોક્કસ નિરીક્ષણ એ પ્રિવેન્ટીવ વિજીલન્સ માટે ખુબ જરૂરી છે, તેમ જણાવ્યુ હતું. જિલ્લા કક્ષાએ વિજીલન્સ ક્ષેત્રે થઇ રહેલી શ્રેષ્ઠ કામગીરીનો સમાવેશ કરીને ન્યુઝ લેટર્સ, અને બુકલેટ માટે માહિતીનું આદાનપ્રદાન થાય તે જરૂરી છે, તેમ જણાવતા તકેદારી આયુક્ત સંગીતા સિંઘે લોકાભિમુખ વહીવટ માટે પ્રિવેન્ટીવ વિજીલન્સ સંદર્ભે જરૂરી ટ્રેનીંગ મોડ્યુલ અંગે પણ માર્ગદર્શન આપ્યુ હતું.

ગુજરાત તકેદારી આયુક્ત દ્વારા આગામી દિવસોમાં હાથ ધરાનારા નવીન અભિગમનો ખ્યાલ આપી તકેદારી આયુક્ત સંગીતા સિંઘે જિલ્લાની “કોરોના”ની સ્થિતિ બાબતે જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોને બિરદાવી, જિલ્લા લાંચ રુશ્વત અને વિરોધી અને તકેદારી સમિતિના નિયમિત મુદ્દાઓની સમીક્ષા હાથ ધરી હતી. જિલ્લા અને તાલુકા સહીત ગ્રામ્ય સ્તરે પૂરી પડાતી સેવાઓની વિગતો પણ આ વેળા મેળવી હતી. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કાયદામાં થયેલા સુધારા-વધારા બાબતે તૈયાર કરાયેલા સાહિત્ય, બુકલેટ વ્યાપક જનસમુદાય સુધી પહોંચે તેવી પણ તેમને આ બેઠકમાં અપીલ કરી હતી. તકેદારી આયુક્તએ જિલ્લાના મુખ્ય વિભાગો દ્વારા પ્રિવેન્ટીવ વિજીલન્સ માટે હાથ ધરાયેલા પગલાઓની પણ વિગતો મેળવી હતી.

આ દરમિયાન તકેદારી આયોગના નાયબ સચિવ બી.એમ.પટેલે આયોગની કામગીરી સહીત જિલ્લા તકેદારી સમિતિ પાસેથી આયોગની અપેક્ષાઓ બાબતે વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો. આયોગની સ્થાયી સુચનાઓનો ખ્યાલ આપતા પ્રત્યેક ત્રિમાસિક સમયગાળામાં જિલ્લા કક્ષાની બેઠકો યોજાઈ તે સુનિશ્ચિત કરવા, અને આ બાબતે નિભાવવાના થતા રજીસ્ટરો, આયોગને મોકલવાના અહેવાલો, તપાસ માટેના કેસો સંદર્ભે હાથ ધરવાની કાર્યવાહી જેવા મુદ્દે વિસ્તૃત વિગતો આપી હતી. આયુક્ત દ્વારા નવી પહેલના ભાગરૂપે ઈ-ન્યુઝ લેટર્સ તૈયાર કરવાનો અભિગમ અપનાવ્યો છે, જે અંગેની જિલ્લાની વિગતો સમયસર મોકલી આપવાનો અનુરોધ કરતા નાયબ સચીવએ આયોગ તરફથી મળતી વખતો વખતની સુચનાઓ બાબતે વિશેષ તકેદારી દાખવવાની પણ અપીલ કરી હતી.

રાજ્યના તકેદારી આયુક્ત તરીકે સંગીતા સિંઘની નિયુક્તિ બાદ જિલ્લાની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન ડાંગ કલેકટર એન.કે.ડામોરે જિલ્લા વહીવટી તંત્ર વતી તેમનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. કલેકટરએ જિલ્લાની પ્રાથમિક માહિતીથી પણ આયુક્તને અવગત કરાવ્યા હતા. જિલ્લામાં હાથ ધરાતા વિવિધ વિકાસ કામો અને જનસમુદાય માટેની જુદી જુદી સેવાઓ બાબતે જિલ્લાના અધિકારીઓ માટે સમય મર્યાદામાં અને ગુણવત્તાલક્ષી કામગીરી માટેનો સિદ્ધાંત અમલી બનાવ્યો છે, તેમ જણાવતા કલેકટરએ જુદા જુદા સર્વિસ પ્રોવાઇડર વિભાગોની સેવાઓ માટે જિલ્લા/તાલુકા કક્ષાની ટીમનું ગઠન કરવામા આવ્યુ છે, તેમ જણાવ્યુ હતું.

ડાંગ જિલ્લા સેવા સદન, આહવા ખાતે યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાત રાજ્ય તકેદારી આયોગના નાયબ સચિવ બી.એમ.પટેલ, એન્ટી કરપ્શન બ્યુરો-સુરતના નાયબ નિયામક સરવૈયા, ડાંગના નાયબ વન સંવરક્ષકો સર્વ અગ્નીશ્વર વ્યાસ અને નીલેશ પંડ્યા, પ્રાયોજના વહીવટદાર કે.જી.ભગોરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.બી.ચૌધરી, પ્રાંત અધિકારી કાજલ ગામીત સહિતના જિલ્લા કક્ષાના ઉચ્ચાધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો. તો બેઠકની કાર્યવાહી નોંધ નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોરે સંભાળી હતી.

Next Story