Connect Gujarat
Featured

ડાંગ : વન મહોત્સવ દરમ્યાન 6 લાખ રોપાઓના વાવેતર સાથે માલિકી યોજનાના ખાતેદારોને રૂ. 51 લાખથી વધુના ચેક અર્પણ કરાયા

ડાંગ : વન મહોત્સવ દરમ્યાન 6 લાખ રોપાઓના વાવેતર સાથે માલિકી યોજનાના ખાતેદારોને રૂ. 51 લાખથી વધુના ચેક અર્પણ કરાયા
X

ભારતભરમાં વન મહોત્સવનો પ્રારંભ કરનારા ગુજરાતના સપુત એવા તત્કાલીન કૃષિ પ્રધાન કનૈયાલાલ મુનશીને યાદ કરી વનમંત્રી ગણપતસિંહ વસાવાએ ડાંગ જિલ્લાના આહવા ખાતે 71માં વન મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. વૈશ્વિક પર્યાવરણની જાળવણી એ સામુહિક ચિંતનનો વિષય છે, તેમ જણાવતા રાજ્યના વનમંત્રી ગણપતસિંહ વસાવાએ સમગ્ર સૃષ્ટી અને માનવજાતના અસ્તિત્વ માટે વૃક્ષ, અને વન જ એકમાત્ર તરણોપાય છે, તેવું ડાંગ જિલ્લાના આહવા ખાતે 71માં વન મહોત્સવ કાર્યક્રમમાં જણાવ્યું હતું.

ડાંગ જિલ્લાના 71માં વન મહોત્સવનો પ્રારંભ કરાવતા વનમંત્રીએ આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે, ત્યારે પ્રકૃતિને કોઈ પણ પ્રકારનું નુકશાન ન થાય તે જોવાની આપની જવાબદારી છે તેમ જણાવતા, ડાંગ જિલ્લો ગુજરાતનું કાશ્મીર છે, અને તેની ગરિમા જાળવી તેના જતન અને સંવર્ધન બાબતે જાગૃત રહેવાની અપીલ કરી હતી. ડાંગ જિલ્લના વન વિસ્તારમાં 31 જેટલા માર્ગો માટે તાજેતરમાં જ રાજ્ય સરકારે 30 કરોડની રાશી મંજુર કરી છે, જેનો લાભ 150થી વધુ ગામોના લોકોને થશે તેમ જણાવતા આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાએ ડાંગ જિલ્લાના જાગૃત પદાધિકારીઓના પ્રયાસને કારણે ડાંગ જીલ્લાનો સર્વાંગીણ વિકાસ થઇ રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં બોર્ડર વિલેજ અને કોટવાળીયા વિકાસ માટે આદિજાતિ વિકાસ વિભાગમાંથી બીજા 10 કરોડ કાર્યોની મંજુરી મળી રહી છે તેમ જણાવ્યું હતું. તો સાથે જ ડાંગ જિલ્લામાં 71માં વન મહોત્સવ દરમ્યાન 6 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું, તેમજ માલિકી યોજનાના ખાતેદારોને રૂ. 51 લાખથી વધુના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

આહવાના સનસેટ પોઈન્ટ ઉપર આયોજિત કાર્યક્રમમાં પ્રજાજોગ સંદેશો આપતા વન અને આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાએ સહભાગી વન વ્યવસ્થાને કારણે રાજ્યમાં વન અને વન વિસ્તારમાં વધારો નોંધાયો છે, તેમ જણાવી આ વ્યવસ્થામાં 6.50 લાખથી વધુ આદિવાસી પ્રજાજનોનો સહયોગ સાંપડ્યો છે તેમ જણાવ્યું હતું. અંબાજીથી ઉમરગામ સુધીના વન વિસ્તારમાં વસતા આદિવાસી પ્રજાજનોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે વિષેશ લક્ષ કેન્દ્રિત કર્યું છે તેમ જણાવતા તેમણે 33 જિલ્લાઓ, 8 મહાનગરપાલિકાઓ, 250 તાલુકાઓ, અને 5000 ગામડાઓમાં વન મહોત્સવ આયોજિત કરીને, રાજ્ય સરકારે વન, વન વિસ્તાર અને વનવાસી બાંધવોના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આદિવાસી સમાજની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ અને વનૌષધિને કારણે “કોરોના”ના કાળમાં પ્રજાજનોનું જાહેર સ્વાસ્થ્ય જાળવવામાં મહ્દઅંશે સફળતા મળી છે, જેની નોંધ વૈશ્વિક સ્તરે લેવાઈ રહી છે તેમ જણાવતા વનમંત્રીએ, ગુજરાતના સમૃદ્ધ વનોમાં વધતી વનીલ પશુપક્ષીઓ અને સરીસૃપોની વસ્તીનું જતન સંવર્ધન એ પણ આપણી સહિયારી જવાબદારી છે તેમ જણાવ્યું હતું. 500 વર્ષ જુના રામ જન્મભૂમિના વિવાદનો હલ થતા આ ક્ષણને યાદગાર બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ વરસના સાંસ્કૃતિક વન નિર્માણની થીમ હેઠળ રાજકોટ ખાતે “રામ વન”નું નિર્માણ કરીને આસ્થા કેન્દ્ર એવા અયોધ્યાના આ ઈતિહાસને અમરત્વ પ્રદાન કર્યું છે તેમ જણાવ્યું હતું.

Next Story