Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ગુમાનદેવ નજીક મૃત હાલતમાં દિપડો મળી આવ્યો, વન વિભાગે શરૂ કરી તપાસ

ભરૂચ : ગુમાનદેવ નજીક મૃત હાલતમાં દિપડો મળી આવ્યો, વન વિભાગે શરૂ કરી તપાસ
X

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ નજીક આવેલ આત્મીય સ્કૂલના પાછળના વિસ્તારમાંથી મૃત હાલતમાં એક દીપડો મળી આવ્યો હતો. હાલ તો વન વિભાગના જણાવ્યા અનુસાર કોઈ ઝેરી ખાધ્ય પદાર્થ આરોગવાના કારણે દીપડાનું મોત થયું હોવાનું અનુમાન છે.

મળતી માહિતી અનુસાર, છેલ્લા ઘણા સમયથી ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તાર તેમજ ધોરીમાર્ગ નજીકના વિસ્તારોમાં દીપડાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. રાત્રિ દરમિયાન ખેતરોમાં પાણી વાળવા જતા ખેડૂતો અને ખેતમજૂરોમાં ભયનો માહોલ વધુ પ્રમાણમાં જણાઈ રહ્યો છે, ત્યારે અગાઉ વન વિભાગ દ્વારા કેટલાક સ્થળોએ પાંજરા મૂકી દીપડાઓને પકડીને સલામત સ્થળે છોડવામાં પણ આવ્યા છે.

ઝઘડિયા તાલુકામાં હજી ઘણીવાર દિપડા દેખાતા તેનો ભય લોકોમાં યથાવત રહ્યો છે. ખેડૂતોની ફરિયાદના આધારે ઝઘડિયા વન વિભાગ દ્વારા ગુમાનદેવ નજીક આવેલ આત્મીય સ્કૂલના પાછળના વિસ્તારમાં દીપડાને પકડવા માટે પાંજરું મુકવામાં આવ્યું હતું, ત્યારે વહેલી સવારે વન વિભાગને માહિતી મળી હતી કે, તે પીંજરાની નજીક એક દીપડો મૃત હાલતમાં પડ્યો છે. બનાવની જાણ થતાં જ ઝઘડિયા વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં પિંજરાથી થોડે દૂર દીપડો મૃત હાલતમાં પડ્યો હતો. મૃત દીપડાની ઉંમર આશરે અઢી વર્ષ હોવાનું અનુમાન છે, જ્યારે તેની લંબાઈ 5 ફૂટ જેટલી છે. ઉપરાંત કોઈ ઝેરી પદાર્થ આરોગવાના કારણે દીપડાનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ છે. હાલ વધુ સ્પષ્ટતા તેના પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ જ જાણી શકાશે.

Next Story