Connect Gujarat
Featured

દિલ્હી : નિઝામુદ્દીન મરકજના છેડા ગુજરાત સુધી અડયાં ….

દિલ્હી : નિઝામુદ્દીન મરકજના છેડા ગુજરાત સુધી અડયાં ….
X

દિલ્હીના નિઝામુદ્દીનની મરકજ બિલ્ડીંગમાં એકત્ર થયેલાં જમાતીઓમાંથી 120 જેટલા લોકોને કોરોના પોઝીટીવ હોવાનું બહાર આવ્યા બાદ દેશભરમાં દોડધામ મચી ગઇ છે. ગુજરાતના અનેક શહેરોમાંથી પણ લોકો દીલ્હી ગયા હોવાની વિગતો બહાર આવ્યાં બાદ સ્થાનિક સ્તરે પણ તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છેે.

કોરોના વાયરસના કારણે ગત સપ્તાહથી દેશભરમાં લોક ડાઉન અમલી બનાવી દેવાયું છે અને કલમ -144 લાગુ કરી દેવામાં આવી છે. પાંચ કરતાં વધારે લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે. દિલ્હીના નિઝામુદ્દીનમાં આવેલી મરકજમાં હજારો લોકો ભેગા થયા હોવાની માહિતી મળતા પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાંથી 120 જેટલા લોકોને કોરોના પોઝીટીવ આવતાં દોડધામ મચી ગઇ છે. પોલીસે મરકજમાંથી 1,000 કરતાં વધારે લોકોને બહાર કાઢયાં છે જયારે અનેક લોકો હજી મરકજમાં છે. બીજી તરફ દિલ્હી પોલીસે એક વિડીયો જાહેર કર્યો છે જેમાં મરકજના સંચાલકોને કોરોના વાયરસના કારણે મરકજ તાત્કાલિક અસરથી ખાલી કરાવી દેવા સુચના આપી હોવાનું જણાવાયું છે..

સમગ્ર ઘટનાક્રમ વચ્ચે મરકજના સંચાલકોએ દાવો કર્યો છે કે તેમણે મરકજમાં રહેલા લોકોને તેમના ગંતવ્ય સ્થાને મોકલવા માટે સરકારને જાણ કરતો પત્ર લખ્યો હતો પણ કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. પોલીસ અને મરકજના સંચાલકોના દાવાઓ અને પ્રતિદાવાઓ વચ્ચે હાલ દેશભરમાં ચિંતાનો માહોલ જોવા મળી રહયો છે. મળતી માહિતી મુજબ અજિત દોવાલે પણ મરકજના સંચાલકો સાથે બેઠક કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

મરકજમાં યોજાયેલા કાર્યક્રમના છેડા ગુજરાતને અડયાં છે. અમદાવાદ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, વલસાડ, સુરત સહિતના શહેરોમાંથી પણ લોકોએ ભાગ લીધો હોવાની વિગતો સપાટી પર આવી છે. ભરૂચના પણ લોકો હોવાની માહિતીના પગલે ભરૂચમાં પણ એલસીબી અને એસઓજીએ તપાસ શરૂ કરી દીધી છે. હાલ તો વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દીલ્હીથી પરત આવેલાં લોકોને શોધી રહયું છે. દીલ્હીના મરકજમાંથી આવેલાં લોકોને તંત્ર સમક્ષ હાજર થઇ પોતાના આરોગ્યની તપાસ કરાવી લેવા માટે અપીલ કરવામાં આવી છે. વલસાડમાંથી 12 લોકોની માહિતી મળતાં તેમની તપાસ કરી તેમને કવોરોન્ટાઇન કરાયા હોવાની માહિતી મળી રહી છે.

Next Story