Connect Gujarat
Featured

દિલ્લી: ઉત્તર-પૂર્વ દિલ્હીમાં તણાવનો માહોલ, અત્યાર સુધી સાત લોકોના મોત

દિલ્લી: ઉત્તર-પૂર્વ દિલ્હીમાં તણાવનો માહોલ, અત્યાર સુધી સાત લોકોના મોત
X

રાજધાની દિલ્લીમાં નાગરિકતા સુધારો કાયદા અને એનઆરસી મુદ્દે થઈ રહેલા વિરોધમાં હિંસાએ જન્મ લીધો છે. એક તરફ કાયદાના વિરોધી તો બીજી તરફ કાયદાના સમર્થનમાં નીકળેલ ભીડ આમને સામને આવી જતાં બે જુથ વચ્ચેની અથડામણે સાંપ્રદાયિક તણાવની સ્થિતિ ઊભી કરી છે. હિંસાનો પ્રભાવ શહેરના અનેક વિસ્તારોમાં પ્રસર્યો છે.

દેશની રાજધાની દિલ્લીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તદ્દન કથળી રહી છે. એક તરફ વિશ્વની મહાસત્તાના વડા દિલ્લીની મુલાકાતે છે ત્યાં બીજી તરફ સંપ્રદાયિક હિંસા કાનૂની વ્યવસ્થાને પડકાર ફેંકી રહી છે. નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને કાયદાના સમર્થનમાં નીકળેલા સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાતા શહેરમાં અફરતફરીનો માહોલ સર્જાયો છે.

દિલ્હીમાં સતત ત્રીજા દિવસે હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર હિંસામાં અત્યાર સુધી સાત લોકોના મૃત્યુ થયા છે. ઉત્તર પૂર્વ દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસામાં એક કોન્સ્ટેબલ અને 6 સ્થાનિક લોકોનાં મોત નીપજ્યાં છે. આજે વહેલી સવારે મૌજપુર વિસ્તારમાં ફરી થી હિંસા ઉભરાઈ છે. બદમાશોએ બે વાહનોને આગ ચાંપી અને પથ્થરમારો કર્યો હતો.

આ સિવાય બ્રહ્મપુરી વિસ્તારમાં હિંસા અને પથ્થરમારો થયાના સમાચાર છે. ઉત્તર-પૂર્વ દિલ્હીના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. તેમજ હિંસા પ્રભાવિત વિસ્તારોમાં ભારે સુરક્ષા દળ ગોઠવવામાં આવ્યા છે. હિંસાને કારણે ઝાફરાબાદ, મૌજપુર-બાબરપુર, ગોકુલપુરી, જોહરી એન્ક્લેવ અને શિવવિહાર મેટ્રો સ્ટેશનોના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા પણ બંધ કરવામાં આવ્યાં છે.

હિંસાને લઈને દિલ્લી પોલીસ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિની સુરક્ષામાં સજ્જ સુરક્ષા વ્યવસ્થા દેશના નાગરિકોને સુરક્ષા પૂરી પાડવામાં તદ્દન નિષ્ફળ નીવડી રહેલી જણાઈ રહી છે. 7 લોકો હિંસક અથડામણમાં મોત થઈ ચૂક્યા છે.

હિંસા મામલે ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક બેઠક બોલાવી છે. અનેક નેતાઓએ હિંસા ન ફેલાવવા અને સંયમ રાખવા સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરી છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ યોજી હતી. કેજરીવાલે આક્ષેપ કરતાં કહ્યું હતું પોલીસને ઉપરથી કાર્યવાહી ન કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

Next Story