Connect Gujarat
બ્લોગ

જસ્ટ ટુ મિનીટ, પ્લીઝ

જસ્ટ ટુ મિનીટ, પ્લીઝ
X

"સુંદર કાંડ : મેનેજમેન્ટના તમામ લેશન શીખવતું નોવેલાઇઝેશનની ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ "

નોવેલાઇઝેશનની મૂળે અમેરિકામાં 1970માં શરૂઆત થઈ હતી. એ સમયે જે ફિલ્મ આવે તે એકવાર જોવા મળે. આ ફિલ્મ વિષે વધુ માહિતી મેળવવી હોય તો તેને લગતી રેફરન્સ બૂકનો અભ્યાસ કરવો પડે. આનાથી ઉલટું, ફિલ્મનો પ્રચાર કરવા માટે પણ ફિલ્મની અંતના ઉત્સુકતા જગાડે તે રીતે લખવામાં આવતી વાર્તા કે શુટીંગ દરમિયાન બનેલી ઘટનાઓ વગેરે પર પુસ્તકો લખાતા હતાં. ઘણી ફિલ્મોમાં અસંખ્ય પાત્રો હોય પણ દરેકને સમાન મહત્વ મળ્યું ન હોય એ સંજોગોમાં એ પાત્રને અલગથી લખવામાં આવતું અને નવી વાર્તા તૈયાર કરવામાં આવતી. જો કે યોગાનુયોગ એ પણ છે કે જ્યારે અમેરિકામાં પ્રથમવાર ફિલ્મ પરથી નોવેલ લખવામાં આવી, આ જ સમયે ગુજરાતમાં પન્નાલાલ પટેલની કંકુ નામની વાર્તા પર આધારિત ફિલ્મ બની. ફિલ્મ અત્યંત સફળ થતાં પન્નાલાલ પટેલે એ જ પ્લોટ પર કંકુ નામની નવલકથા લખી, જે ગુજરાતી સાહિત્યમાં માઇલસ્ટોન નીવડી હતી.

શોલે ફિલ્મ જોતાં હોઇએ ત્યારે ફિલ્મ મુખ્ય પાત્રો આસપાસ ફરે છે, પણ તેમાં આવતા અસંખ્ય નાના નાના કેરેક્ટર પર ખાસ વાત રજૂ કરવામાં આવી નથી. માની લો કે તમને કાલિયા કે શાંબા કેરેક્ટરમાં રસ પડ્યો. ફિલ્મમાં કાલિયા કે શાંબા એકાદ મિનીટ માટે આવે એટલું કામ છે. આ પાત્રોને તમને માઇક્રોસ્કોપમાં જોવાનું મન થાય, સાંબા કે કાલિયા શા માટે ડાકુ બન્યા, તેમના પરિવાર પર કોઈ અન્યાય થયો હતો અને જો અન્યાય હોય તો કેવો અન્યાય હતો....વગેરે લખવામાં આવે તો તે પણ નોવેલાઇઝેશનનો એક પ્રકાર છે. મૂળ વાર્તામાં જે પાત્ર ખાસ મહત્વ ન ધરાવતું હોય પણ તેના વિશે એક અલગ પુસ્તક લખવામાં આવે, આ પાત્રો પર અલગ જ માહિતી આપવામાં આવે. જેમ કે શોલેના કાલિયાના માતાપિતા બચપણમા અનાથ મૂકીને મરી ગયાં. કાલિયા મોસાળમાં મોટો થયો. મોસાળમાં ખૂબ ત્રાસ આપવામાં આવ્યો. કાલિયા બદલો લેવા માટે ડાકુ બની ગયો અથવા શાંબા અંતરિયાળ ગામમાં શિક્ષક હતો. ગામના લોકોની જાગૃતિ માટે કામ કરતો હતો. કેટલાક તત્વોને આ પ્રવૃત્તિ પસંદ ન આવી. શાંબાને ખોટા કેસમાં ફસાવી દીધો. તેની પત્નીએ આત્મહત્યા કરી. શાંબા આ અન્યાય જોઈ ન શક્યો અને હથિયાર ઉપાડ્યા. એક બે હત્યા કરી અને ગબ્બરની ટોળીમાં જોડાઇ ગયો. અનેક કથાકનોમાં આવા હજારો પાત્રો છે. આવા પાત્રો પર અસંખ્ય રીતે વાર્તા લખી શકાય. નોવેલાઇઝેશનનો એક હેતુ કેટલાક પાત્રો પર વધુ પ્રકાશ પાડવાનો છે.

એની વે, આપણું નોવેલાઇઝેશન રામાયણ છે, અને તેમાં પણ સુંદર કાંડ છે. રામાયણ ભગવાન રામની કથા રજૂ કરે છે. દશરથ પરિવાર, ભગવાન રામનો જન્મ, રામના બાળપણની લીલાઓ, રામનો પ્રારંભિક અભ્યાસ, રામનું પ્રથમવાર જંગલ જવું, ત્રાટકાને મારવી, અહલ્યા ઉધ્ધાર અને સીતા સ્વયંવર.... બધા ભાઇઓ ના જનક પુત્રીઓ સાથે લગ્ન થવા. ભગવાન રામનો રાજ્યાભિષેક, મંથરાની દખલ, કૈકયીના વરદાન, રામનો વનવાસ.... રામ, સીતા અને લક્ષ્મણ નું ચૌદ વર્ષ માટે વનમાં પ્રસ્થાન. અનેક રાક્ષસોનો સંહાર, ધીમે ધીમે ભગવાન અને વાચકોની વન સાથે આત્મિયતા કેળવાતી જાય અને કહાનીમાં ટ્વિસ્ટ આવે. સૂપર્ણખા નામનું એક પાત્ર આવે છે, તેના નાક કાન કાપવામાં આવે છે. એક રીતે જોવા જઈએ તો રાવણને ચેલેન્જ આપવામાં આવી. સીતાહરણ, ભગવાન રામનું જંગલમાં ભટકવું. રામને અચાનક સુગ્રીવ મળે છે, તેમાં વાલીનો વધ...વાલી વધ પછી સીતાની શોધ...છેક દક્ષિણમાં દરિયાકિનારે પહોંચેલી ટીમમાં એક કન્ફ્યુઝન આવે છે કે દરિયો કુદીને સીતાની શોધ કોણ કરશે? એક પાત્ર ઉપસે છે, જે દરિયો કુદીને સામે જાય છે...આખું કાંડ એટલે કે સુંદર કાંડ નામનું આખું પ્રકરણ આ પાત્ર એટલે કે હનુમાનજી માટે પ્રથમવાર લખવામાં આવ્યું.

રામાયણના તમામ કાંડ ભગવાન રામની લીલાઓ આધારિત છે. બાલકાંડમાં ભગવાન સહિત ચાર ભાઇઓના જન્મથી લગ્ન સુધી ઘટનાઓ આવરી લેવામાં આવી છે. અયોધ્યા કાંડમાં રાજ્યાભિષેક અને વનવાસની વાત રજૂ કરવામાં આવી છે. અરણ્ય કાંડમાં પંચવટી નિવાસથી માંડીને સીતાહરણ લખવામાં આવ્યું છે. કિષ્કીન્ધા કાંડમાં રામ અને સુગ્રીવ મૈત્રીથી વાયા સુંદર કાંડ થઇને લંકાકાંડમાં રામ રાવણ યુદ્ધ તથા ઉત્તર કાંડમાં સીતા ત્યાગ થઈ ભગવાન રામનું પરલોક પ્રયાણ..... હા, બધાં જ કાંડ નામ પરથી ઘટના સાથે અનુરૂપ છે. બાલકાંડમાં બાળ રામ તો લંકા કાંડ યુદ્ધ વિષે છે. વાત રહી, સુંદર કાંડની. આ એક જ કાંડ એવો છે, જે નામ સીધો ભગવાન રામ સાથે નથી. સુંદરકાંડમાં હનુમાનજીનો લંકા પ્રવેશ, સીતાજી સાથે મળવું, લંકાદહન અને ભગવાન રામને સીતાજીનો સંદેશો આપવો. સુંદરકાંડ એકમાત્ર એવો કાંડ છે, જેમાં રામચરિત માનસમાં આવેલું નવું જ પાત્ર હનુમાનજીની ગાથા છે. ભગવાન રામ લગભગ અદ્રશ્ય છે. ફિર સે યાદ કરો, નોવેલાઇઝેશનનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે હનુમાનજીનો પ્રવેશ અને તેમની વાતો. હનુમાનજી રામાયણના પ્રારંભમાં ક્યાંય પણ ન હતાં, આમ પણ રામાયણ અને મહાભારતની વિશેષતા જ આ જ છે કે રામાયણમાં હનુમાન પ્રવેશ અને મહાભારતમાં કૃષ્ણ પ્રવેશ ઘણા વિલંબ પછી છે. મહાભારતમાં ભગવાન કૃષ્ણ પૌત્ર સાથે છેક દ્રૌપદી સ્વયંવરમાં એન્ટ્રી મારે છે. આ જ રીતે હનુમાનજી સીતાહરણ પછી એન્ટ્રી મારે છે. પ્રારંભમાં તો હનુમાનજી સરળ પાત્ર ભજવે છે. સુગ્રીવ રામ દોસ્તી વખતે પણ સહજસ્વરૂપ હતાં, પણ વિશાળસ્વરૂપ તો લંકાગમનમાં દેખાય છે.

લાઇફ મેનેજમેન્ટ માટે સૌથી મોટું લેશન એ જ છે કે જિંદગીમાં એકાદ સિનિયર જાંબુવાન હોવા જોઈએ, જે માત્ર શક્તિ અને સામર્થ્ય સાથે ઉત્સાહ આપી શકે. જરૂર પડે ત્યારે જાંબુવાનો દ્વારા સમય પર આપવામાં આવેલી પ્રેરણાના દમ પર સમુદ્ર ઓળંગી શકાય. માર્ગમાં આવતા રાક્ષસો હોય કે આરામ કરવા મળતો પર્વત હોય પણ થાક્યા વગર ધ્યેય પર પહોચવાની પ્રેરણા એટલે સુંદરકાંડ. સુંદર કાંડની વિશેષતા એ છે ખાલી ધ્યેય પર પહોંચવાનું નથી, પણ અનુભવના આધારે પરત પણ ફરવાનું છે. સલામત પાછું પણ ફરવાનું છે. એક તરફ તો જવા માટે પ્રેરણા મળી, વળતી વેળાનું શું? જીવનનું આ જ તો લેશન છે, રોજેરોજ કોઈ મદદ કરવા આવતું નથી. માણસે એક વાર મદદ મળે તો મદદની આદત પડવી જોઈએ નહીં. મદદ ન મળે તો સહાનુભૂતિ તો જોઈએ જ, આ આદતોમાંથી બહાર કાઢવાનો માર્ગ એટલે સુંદરકાંડ... એકલા ધ્યેય પર જાવ, શક્ય હોય તો જીતો અને મૂળ સ્થાન પર પરત આવવાનું છે. જે સ્થળ પરથી ઉડ્યા તે જ સ્થાન પાછું પચાવવું બહુ મુશ્કેલ છે. નાની સફળતા માણસને આસમાને મૂકી દે છે. સુંદર કાંડમાં સહજ રીતે કહ્યું છે કે યાત્રા પરથી પાછું પણ આવવાનું છે. સમજદાર કો ઇશારા કાફી હૈ....

સુંદરકાંડનો આ સુંદર એટલે શું એ સહજ થતો પ્રશ્ન છે. સુંદર એટલે જે ઘટનાની યાદો જીવનભર સ્મરણમાં રહે,તેના પર કદી ભૂલવાનો પ્રયત્ન જ ન થાય. એ સુંદર દ્રશ્ય કે ઘટના પર વિસ્મૃતિનો પડદો આવે જ નહીં. જીવનમાં સુંદરકાંડ એટલે એકવાર જાણ્યો કે સમજ્યા એટલે આજીવન યાદ રહી જાય.... નજરમાં રહી જાય. રામનો વિરહ હોય કે સીતાનો પ્રેમ, ભલે સુંદર કાંડમાં બંને સાથે નથી પણ અલગ હોય એવો ભાવ પણ થતો નથી. હનુમાનજી સીતાને મળે તો ભગવાન રામ નજર સામે લાગે અને રામની એકલતા એટલે સીતાજીની યાદ.. પ્રેમની પૂર્ણતા એટલે સુંદર કાંડ. હનુમાનભક્તિની વિશ્વસનીયતા અને પૂર્ણતા સુંદર કાંડમાં પ્રતિપળ સાથે જીવંત રહે છે. હનુમાનજી પાસે શક્તિ છે કે સીતાજીને લંકાથી લઇ જઇને રામ પાસે હાજર કરી શકે છે...આ જ સુંદરકાંડમાં વિશ્વાસ પણ છે કે રામ યુદ્ધ કરીને સીતાજી મુક્ત પણ કરી શક્શે. સુંદરકાંડ એ માત્ર અને માત્ર પરસ્પર વિશ્વાસનો કાંડ છે. દુનિયા આજે પણ ભરોસાની ભેંસ પર ચાલે છે. તો આ તો સુંદર કાંડ છે, જેમાં હનુમાનજીનો વિશ્વાસ રાવણ માટે વોર્નિંગનો મેસેજ છે. આ વોર્નિંગ વિભિષણને સમજણ આપે છે, પણ રાવણ સુંદર કાંડનો મંગલમય સંદેશો સમજતો નથી. એક આગ લાગે તો ચેતવણી સમજાવી જોઈએ. માણસનો મદ હોય તો આખી લંકા સળગે તો ય કશું સમજાતું નથી. સુંદરકાંડ પ્રેમમાર્ગમાં આવતા તમામ અસુરી તત્વોનો નાશ કરે છે અથવા તૈયાર રહોની સુચના આપે છે. જે સુંદરતા સમજે છે, એ જ મંગલમય જીવન પામે છે.....સુંદર કાંડ બીજું કશું નથી, જીવનમાં આવતી મંગલકારી કામનાઓ છે.

Next Story