Connect Gujarat
ધર્મ દર્શન 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઐતિહાસિક તીર્થ કુંડળધામની લીધી મુલાકાત; સીએમએ કહ્યું- પ્રજાની સુખાકારી માટે અમે કામ કરવા કટિબદ્ધ

કુંડળધામના પ્રણેતા પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મુખ્યમંત્રીએ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઐતિહાસિક તીર્થ કુંડળધામની લીધી મુલાકાત; સીએમએ કહ્યું- પ્રજાની સુખાકારી માટે અમે કામ કરવા કટિબદ્ધ
X

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઐતિહાસિક તીર્થ કુંડળધામની શુભેચ્છા મુલાકાત લીધી હતી. કુંડળધામના પ્રણેતા પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મુખ્યમંત્રીએ તેમના પ્રવચનમાં પ્રજાની સુખાકારી માટે કામ કરવાનો કોલ આપી જણાવ્યું હતું કે, ખૂબ સારા કાર્યો કરી અમારી ટીમ ગુજરાતમાં આગળ વધવા માંગે છે. તેમાં પૂજ્ય ‌જ્ઞાનજીવનદાસજી સ્વામી જેવા સંતોના આશીર્વાદ મળી રહ્યા છે તે અમારા અહોભાગ્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના કોલને સાર્થક કરવા ગુજરાતને પણ આત્મનિર્ભર બનાવી વડાપ્રધાન સાથે ખભેખભો મિલાવી કામ કરીશું તેમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રજાને જંતુનાશક દવા અને યુરિયાના ઝેરથી બચાવવા અનુરોધ કર્યો હતો અને કુંડળધામ દ્વારા કરવામાં આવતા પ્રાકૃતિક ખેતીના કાર્યને બીરદાવતા પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે કુંડળધામના પ્રણેતા પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીએ મુખ્યમંત્રી અને તેમની ટીમને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે સારા કાર્યો જોઈને અમ સૌ સંતોના દિલમાં ખુબ રાજીપો થાય છે. ભુપેન્દ્ર પટેલ અને તેમની ટીમને સંગઠને નિમ્યા છે અને જે વિશ્વાસ મૂક્યો છે તેમાં કાંકરી જેટલી પણ ઉણપ ના આવે તેવી હજારો સંતો ભક્તો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આપના દ્વારા થતા સારા કાર્યોથી લોકો તમને વર્ષો સુધી યાદ કરે તેવી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના.

કુંડળધામની શુભેચ્છા મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ સૌપ્રથમ નિજ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણનાં દર્શન કર્યા હતા ત્યારબાદ તેમણે ભગવાન સ્વામિનારાયણ દ્વારા પધરાવેલા કુંડલેશ્વર મહાદેવની દૂધ-જળથી અભિષેક દ્વારા પૂજા કરી હતી ત્યાર પછી ઐતિહાસિક દરબારગઢની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે વડતાલ ટેમ્પલબોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા નાર ગોકુલધામના પ્રણેતા શુકદેવસ્વરૂપ સ્વામી તથા શહેરી વિકાસ મંત્રી વિનુભાઈ મોરડિયા, ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખ ભીખુભાઈ વાઘેલા, બોટાદ જીલ્લા કલેક્ટર, બોટાદ જીલ્લા એસ.પી. સાહેબ સહિત અન્ય મહાનુભાવો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Story