Connect Gujarat
મનોરંજન 

ભારતરત્ન ગાયિકા લતા મંગેશકરનું નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર...

ભારતરત્ન ગાયિકા 92 વર્ષીય લતા મંગેશકરની તબિયત અત્યંત નાજુક હોવાથી તેઓને મુંબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ભારતરત્ન ગાયિકા લતા મંગેશકરનું નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર...
X

ભારતરત્ન ગાયિકા 92 વર્ષીય લતા મંગેશકરની તબિયત અત્યંત નાજુક હોવાથી તેઓને મુંબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ગત રોજ તેઓની તબિયત અત્યંત નાજુક હોવાથી તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા, ત્યારે આજરોજ લતા મંગેશકરનું દુ:ખદ નિધન થયું હોવાના સમાચાર મળતા જ સમગ્ર દેશ શોકમય બન્યો છે.

સ્વર કોકિલા અને ભારતરત્ન ગાયિકા લતા મંગેશકરને કોરોના થયા બાદ ગત તા. 10 જાન્યુઆરીના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને નિમોનિયા થયા બાદ સુર સામ્રાજ્ઞીને ભરતી કરવામાં આવ્યા હતા. મુંબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. બ્રીચ કૈંડી હોસ્પિટલના ડોક્ટર પ્રતીત સમદાનીએ જણાવ્યું હતું કે, લતા મંગેશકરની તબિયત ફરી એકવાર ખરાબ થઈ ગઈ હતી. તેથી નાજુક હાલત હોવાથી તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.

ગતરોજ બહેન આશા ભોસલે અને ભાઈ હૃદયનાથ મંગેશકર પણ લતા તાઈની તબિયત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. બગડતી તબિયતના સમાચાર મળતા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરે, શરદ પવારની પુત્રી, NCP નેતા સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે પણ લતા તાઈના ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોચ્યા હતા. આ સાથે જ સમગ્ર દેશના લોકો તેઓના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા હતા. જોકે, આજે ભારતરત્ન ગાયિકા લતા મંગેશકરનું નિધન થતાં સમગ્ર દેશ શોકમય બન્યો છે.

Next Story