Connect Gujarat
મનોરંજન 

વિકી કૌશલ-કેટરીના કૈફની દિવાળીના દિવસે યોજાઈ રોકા સેરેમની; માત્ર પરિવારના જ સભ્યો રહ્યાં હાજર

વિકી કૌશલ-કેટરીના કૈફની દિવાળીના દિવસે યોજાઈ રોકા સેરેમની; માત્ર પરિવારના જ સભ્યો રહ્યાં હાજર
X

વિકી કૌશલ તથા કેટરીના કૈફના લગ્ન ડિસેમ્બરમાં હોવાની ચર્ચા છે. લગ્ન પહેલાં હાલમાં જ કેટરીના તથા વિકીની રોકા સેરેમની યોજવામાં આવ્યો હતો. રોકા સેરેમની વિકી કે કેટરીનાના ઘરે નહીં, પરંતુ એક્ટ્રેસના રાખી ભાઈ કબીર ખાનના ઘરે યોજાઈ હતી. આ રોકા સેરેમની દિવાળીના દિવસે યોજવામાં આવી હતી.

એક ન્યૂઝ એંજન્સીના અહેવાલ પ્રમાણે, રોકા સેરેમનીમાં માત્ર પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. કેટરીનાની મોમ સુઝાન, બહેન ઈઝાબેલ, વિકીના પેરેન્ટ્સ શ્યામ કૌશલ, વીણા કૌશલ, ભાઈ સની હાજર રહ્યા હતા. આ પહેલાં કેટરીનાએ સગાઈ તથા લગ્નની વાતો માત્ર અફવા હોવાનું કહ્યું હતું.

કેટરીના કૈફની રોકા સેરેમની 'એક થા ટાઇગર' ફેમ ડિરેક્ટર કબીર ખાન તથા મીની માથુરના ઘરે યોજાઈ હતી. કેટરીનાએ કબીર ખાનની ફિલ્મ 'ન્યૂ યોર્ક' તથા 'એક થા ટાઇગર'માં કામ કર્યું હતું. બંને વચ્ચે ઘણું જ સારું બોન્ડિંગ છે. આટલું જ નહીં કેટરીના, કબીર ખાનને પોતાનો ધર્મનો ભાઈ માને છે અને રાખડી પણ બાંધે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રોકા સેરેમની ઘણી જ સારી રીતે યોજાઈ હતી. કબીર ખાને લાઇટ્સથી આખું ઘર ડેકોરેટ કર્યું હતું. કેટરીના કૈફ લહેંગામાં ઘણી જ સુંદર લાગતી હતી. દિવાળી હોવાથી ખાસ મુહૂર્ત હતું. આથી જ પરિવારે રોકા સેરેમની યોજવાનું નક્કી કર્યું હતું. કબીર તથા મીનીએ ભાવપૂર્વક મહેમાનોને સત્કાર્યા હતા. ઉલ્લેખનીય છે કે આરતી શેટ્ટીની દિવાળીની પાર્ટીમાં કેટ તથા વિકી સામેલ થયા હતા.

લગ્ન પહેલાં રોકા સેરેમની કરવામાં આવે છે. વિકી કૌશલ તથા કેટરીના કૈફ મુંબઈમાં નહીં, પરંતુ રાજસ્થાનમાં બાદશાહી ઠાઠ સાથે લગ્ન કરવાનાં છે. આ લગ્ન સવાઈ માધોપુરના 700 વર્ષ જૂના એક કિલ્લામાં યોજાશે. આ ફોર્ટનું નામ સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા છે. 7થી 11 ડિસેમ્બરની વચ્ચે લગ્ન કરે એવી ચર્ચા છે. માનવામાં આવે છે કે વર્ક કમિટમેન્ટ્સને કારણે કેટરીના-વિકી હાલમાં હનિમૂન પર જશે નહીં. લગ્ન બાદ કેટરીના 'ટાઇગર 3'ના શૂટિંગમાં વ્યસ્ત થઈ જશે અને વિકી કૌશલ 'સામ બહાદુર'માં બિઝી રહેશે.

અલબત્ત, કેટરીના તથા વિકીના નિકટના મિત્રોને લગ્નની ખબર છે. વિકી તથા કેટરીના બંને લગ્નના સવાલો તથા એકબીજા સાથેના રિલેશનશિપ પરના સવાલોના જવાબો આપવાનું ટાળતા હોય છે. કેટ તથા વિકીના નિકટના મિત્રોએ એવો પણ દાવો કર્યો છે કે લગ્નનું વેન્યૂ મીડિયામાં લીક થવાથી બની શકે કે બંને છેલ્લી ઘડીએ અલગ જ જગ્યાએ લગ્ન કરવાનું ફાઇનલ કરે.

કેટ-વિકીએ હજી સુધી મિત્રોને આમંત્રણ આપ્યું નથી, પરંતુ તેમણે મિત્રોને એમ જરૂરથી કહ્યું છે કે તેઓ ડિસેમ્બર મહિનામાં પોતાનું શિડ્યૂઅલ ફ્રી રાખે. હાલમાં કેટરીના તથા વિકી કોઈના પણ ફોન રિસીવ કરતાં નથી અને ઇન્ડસ્ટ્રીના મિત્રો પણ લગ્ન અંગે કોઈ વાત કરવા તૈયાર નથી.

Next Story