Connect Gujarat
ગુજરાત

ઝંઘાર ગામના ગૌચરમાં માટી ખોદકામ પ્રકરણમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી

ઝંઘાર ગામના ગૌચરમાં માટી ખોદકામ પ્રકરણમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી
X

ભરૂચ તાલુકાના ઝંઘાર ગામના ગૌચરમાં કથિત માટી ખોદકામનો મુદ્દો ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ઝંઘાર ગામના ગૌચરમાંથી હજારો મેટ્રિક ટન પીળી માટીનું ખોદકામ કરાવી સરપંચે બારોબાર વેચી મારવાના આક્ષેપોએ સમગ્ર ભરૂચ પંથકમાં ભારે ચકચાર જગાવી છે. સમગ્ર માટી ખોદકામ સંદર્ભે જિલ્લા સમાહર્તા સુધી રજૂઆતો થતાં ગતરોજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ ઝંઘાર ગામમાં પહોંચી જઇ અરજદાર નુરમહમ્મદ અબ્દુલ્લા પટેલને સાથે રાખી જ્યાં જ્યાં માટીનું ખોદકામ કરવામાં આવ્યું હતું તે જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત સાથે નિરીક્ષણ તેમજ માપણી કરી જરૂરી તપાસ હાથ ધરી હતી.

લગભગ ત્રણેક કલાક સુધી નિરીક્ષણ તથા માપણીની કામગીરી ચાલી હતી અને જ્યાં જ્યાં માટીનું ખોદકામ થયું હતું. ત્યાં ખાણ ખનીજના અધિકારીઓએ ઝીણવટભરી તલસ્પર્શી તપાસ કરી હતી. સમગ્ર માટી ખોદકામ મામલે અરજદાર નૂરમહંમદે પોતાને કોઈક વ્યક્તિ દ્વારા ફોન પર જોઈ લેવાની અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનું પણ નિવેદનમાં જણાવ્યું હતું. જ્યારે ગ્રામ પંચાયતના સદસ્ય વિનોદભાઇએ પણ પોતના નિવેદનમાં સરપંચ તથા તલાટી પર માટી ખોદકામ બાબતે ગંભીર આક્ષેપો કર્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે બહુચર્ચિત ઝંઘાર ગામના માટી ખોદકામ પ્રકરણમાં ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ દ્વારા થયેલી તપાસમાં શું બહાર આવે છે ? તે તો અહેવાલ અાવ્યા પછી જાણવા મળશે.

Next Story