Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : શૈક્ષણિક સંસ્થાઓ નજીક ખુલ્લેઆમ વેચાય છે માદક પદાર્થ !

ગાંધીનગર : શૈક્ષણિક સંસ્થાઓ નજીક ખુલ્લેઆમ વેચાય છે માદક પદાર્થ !
X

વિદ્યાર્થીઓને માદક પદાર્થો તેમની હોસ્ટેલના રૂમ સુધી પહોંચાડવા સુધીનું નેટવર્ક કાર્યરત

પાટનગરની શૈક્ષણિક હબ તરીકે ગણતરી થઇ રહી છે. પરંતુ આ શૈક્ષણિક હબના બિરૂદને બટ્ટો લાગે તેવી પ્રવૃત્તિ પણ છેલ્લા કેટલાક સમયથી ફુલીફાલી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, અહિના કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ નજીક માદક પદાર્થોનુ વેચાણ થઇ રહ્યુ છે. આ મામલો સ્થાનિક લોકોમાં તો ઘણા સમયથી ચર્ચાઇ રહ્યો છે. પરંતુ હવે, પોલીસે પણ આ મામલે ગંભીરતા દાખવી છે અને ખાનગી ડ્રેસમાં પોલીસ જવાનોને વોચમાં ગોઠવ્યા છે.

જોકે, આ પ્રવૃત્તિ છેલ્લા પાંચેક વર્ષથી શરૂ હોવાનું વિદ્યાર્થીવર્તુળ સાથે જોડાયેલા આગેવાનો જણાવી રહ્યા છે. વિદ્યાર્થીઓને માદક પદાર્થો તેમની હોસ્ટેલના રૂમ સુધી પહોંચાડવા સુધીનું નેટવર્ક કાર્યરત છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ નેટવર્ક અમદાવાદથી ઓપરેટ થઇ રહ્યુ છે. માત્ર માદકપદાર્થો જ નહી પરંતુ દારૂની બોટલોની પણ હોમ ડીલીવરી થઇ રહી છે.

ખાસ કરીને કુડાસણ, પીડીપીયુ, ઇન્ફોસિટી વિસ્તારમા આ પ્રવૃત્તિએ છેલ્લા કેટલાક સમયથી માઝા મુકી છે. ગાંજો, ચરસ ઉપરાંત વિદેશી દારૂનું અહિ છુટથી વેચાણ થઇ રહ્યુ છે. માદક પદાર્થોના સેવન માટે વપરાતા ગોગો રેપર આ વિસ્તારના પાનપાર્લરો પર છુટથી મળી રહ્યા છે. આ રેપરના વેચાણ મામલે કોઇ ગુનો બનતો નથી. આ ઉપરાંત તે સસ્તા પણ છે.

આકર્ષક પેકીંગમાં મળતા આ ગોગો રેપર મામલે એક પાન પાર્લરના સંચાલકે નામ નહી આપવાની શરતે જણાવ્યુ કે, આ રેપરનો ઉપયોગ ગાંજો, ચરસ, જેવા માદકપદાર્થોના સેવન માટે ઉપયોગ લેવામાં આવે છે. તેની દુકાને દૈનિક ૧૦ થી ૧૫ જેટલા ગોગો રેપરના પેકેટ વેચાણ થઇ રહ્યા છે. સીગારેટની આકારના આ ગોગો રેપર માદકપદાર્થોના વ્યસનીઓમાં હોટ ફેવરીટ છે.

ગાંજો, ચરસના સપ્લાય પાછળ એક સુવ્યવસ્થિત નેટવર્ક કામ કરી રહ્યુ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે નેટવર્ક અમદાવાદથી ઓપરેટ થાય છે. આ નેટવર્ક સાથે સંકળાયેલા તત્વોનો ટાર્ગેટ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. ખાસ કરીને બહારના રાજ્યોમાંથી અહીં અભ્યાસ કરવા આવતા અને હોસ્ટેલમાં રહેતા વ્યસની વિદ્યાર્થીઓ તેમના મુખ્ય ગ્રાહક છે. તેઓને ગાંજો, ચરસ જેવા માદકપદાર્થો હોમડીલીવરી સ્વરૂપે છેક હોસ્ટેલના રૂમ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

નેટવર્ક સુધી પોલીસ પહોંચી શકે નહી તે માટે વચેટિયાઓ પણ ભુમિકા ભજવી રહ્યા છે. જોકે, અત્યાર સુધી આ મામલે પોલીસ ચુપ હતી.. સુત્રોનું માનીએ તો શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ આવેલી હોટલો, પાનપાર્લરોના સંચાલકો અને કેટલીક જગ્યાએ સ્થાનિક રહીશો પણ આ દુષણથી વાકેફ છે. પરંતુ હવે આ દુષણનું પ્રમાણ વધતા પોલીસ સતર્ક બની છે.

આ મામલે એસપી મયુર ચાવડાએ જણાવ્યુકે, આ નેટવર્કનો પર્દાફાશ કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ અને પાનપાર્લરો નજીક ખાનગી ડ્રેસમાં પોલીસ જવાનોની વોચ ગોઠવવામાં આવી છે. યુવાધનને બરબાદ કરતી આ પ્રવૃત્તિ કોઇપણ હિસાબે ચલાવી લેવાશે નહી.

  • એનડીપીએસના કિસ્સામાં મોટાભાગે પોલીસ અધિકારીઓ દૂર ભાગે છે

માદકપદાર્થોનું વેચાણ હેઠળ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ થાય છે. જેમાં દસ વર્ષ કેદ સુધીની સજાની જોગવાઇ છે. પરંતુ અત્યાર સુધીનો પોલીસનો ઇતિહાસ જોઇએ તો તેઓ માદકપદાર્થોનો મોટા પ્રમાણમાં જથ્થો હોય તો જ તેમાં પડવાનું મુનાસીબ માને છે. નાના જથ્થામાં કાર્યવાહી કરવામાં તેઓ દુર ભાગે છે. શૈક્ષણિક સંસ્થાઓ પાસે જે માદકપદાર્થો વેચાઇ રહ્યા છે.

તેનું મોટાભાગે પાંચ દસ ગ્રામની પડીકીઓમાં વેચાણ થઇ રહ્યુ છે. આટલો નાનો જથ્થો હોવાના કારણે અને તેની પાછળ કરવી પડતી કાર્યવાહી લાંબી હોવાના કારણે કેટલાક કિસ્સાઓમાં પોલીસ પણ આ બાબતને નજરઅંદાજ કરતી હોય છે.

સામાન્ય ગુનાની માફક જે કાર્યવાહી કરવામાં આવે છે તેનાથી આ કિસ્સામાં અલગ જ કાર્યવાહી હોય છે. માદકપદાર્થોના વેચાણની બાતમી મળે ત્યારથી જ પોલીસને પંચનામાની કાર્યવાહી કરવી પડે છે. પોલીસ મથકમાં જ બે પંચો બોલાવીને તેમની સહિઓ લેવામાં આવે છે. ત્યારબાદ વજન કાંટાવાળાને બોલાવવામાં આવે છે તેની પણ પંચનામામાં સહિ લઇ વજન કાંટા સાથે સ્થળ પર દરોડો પાડવાનો હોય છે. દરોડા પાડતા પુર્વે ડીવાયએસપી કક્ષાના અધિકારીની લેખિત મંજુરી પણ લેવામાં આવે છે.

પોલીસની ભાષામા આ અધુરુ પંચનામું ગણાય છે. જો, સ્થળ પરથી માદકપદાર્થ મળે તો ત્યારબાદ ત્યાંથી અધુરુ પંચનામુ આગળ વધે છે. આ મામલે એફએસએલને બોલાવવામાં આવે છે. અને ત્યાં પણ પંચોની હાજરીમાં જથ્થો સીલ કરવાનો રહે છે. ત્યારબાદ એફઆઇઆર દાખલ કરવામાં આવે છે. અહિથી જ કામ અટકતુ નથી.

પોલીસને આ પ્રકારના કેસમાં ન્યાયાલયમાં પણ જ્યાં સુધી કેસ પુર્ણ થાય નહી ત્યાં સુધી એલર્ટ રહેવુ પડે છે. જેના કારણે આ પ્રકારની કાર્યવાહીથી બને ત્યાં સુધી પોલીસ અધિકારીઓ દુર ભાગે છે.

Next Story