Connect Gujarat
Featured

ગાંધીનગર: રાજય સરકારનો મહત્વનો નિર્ણય, જુઓ કયારથી શરૂ થશે ધોરણ – 10 અને 12ના વર્ગો

ગાંધીનગર: રાજય સરકારનો મહત્વનો નિર્ણય, જુઓ કયારથી શરૂ થશે ધોરણ – 10 અને 12ના વર્ગો
X

કોરોના મહામારીમાં છેલ્લા 9 મહિનાથી બંધ રાજ્યની સ્કૂલોમાં હવે ફરીથી વિદ્યાર્થીઓનો કોલાહલ જોવા મળશે. 11 જાન્યુઆરીથી રાજ્યમાં ધોરણ 10 અને 12 ની સ્કૂલો ખોલવા સરકારે નિર્ણય લીધો છે. કોરોનાની ગાઇડલાઇન મુજબ શાળાઓ ખોલી શકાશે તો પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગ પણ શરૂ કરવા કેબીનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. રાજય સરકારના નિર્ણય સામે કોંગ્રેસે વિરોધ કર્યો છે.

માર્ચ મહિનાથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યાં બાદ શાળા તથા કોલેજો બંધ કરી દેવામાં આવી છે. કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહયું હોવાથી રાજય સરકારે હવે ધોરણ -10 અને 12ના વર્ગો ચાલુ કરવા શાળાઓને મંજુરી આપી છે. શિક્ષામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે શાળાઓ ખોલ્યા બાદ વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત નથી અને વાલીઓની સમંતિ પણ ફરજીયાત નથી. હાલમાં રાજ્યમાં ધોરણ 1 થી 8માં કોઈ માસ પ્રમોશન આપવામાં આવશે નહિ તો રાજ્યમાં પરીક્ષા માટે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તે પછીથી જાહેર કરવામાં આવશે પરંતુ જેટલો અભ્યાસ ચાલ્યો છે એટલા જ અભ્યાસક્રમની પરીક્ષા શાળા લઇ શકશે. ઉપરાંત દરેક શાળામાં ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવશે. કેન્દ્ર સરકારની SOP મુજબ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે, સ્કૂલોએ થર્મલ ગન અને સાબુની વ્યવસ્થા કરવાની રહેશે.

છેલ્લા 9 મહિના બંધ થયેલ શાળાઓ શરૂ કરવા સરકારે નિર્ણય કર્યો છે ત્યારે બીજી તરફ શાળાઓ શરૂ કરવા અંગે કોંગ્રેસ દ્વારા આ નિર્ણય નો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યુ કે, એક તરફ કોરોના નું સંક્રમણ અટક્યું નથી તેવી સરકારે સ્પષ્ટતા કરી નથી ત્યારે ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ કરવાથી વિધ્યાર્થીઓ અને વાલીઓના સ્વાસ્થયનું જોખમ ઊભું થશે. શાળાઓમાં વ્યવસ્થાનો અભાવ હોવા છ્તાં વાહ વાહી લૂંટવા સરકાર શાળાઓ શરૂ કરાવી રહી છે. સાથે જ સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોમાં શિક્ષણ વિભાગ ખાનગી શાળાઓના દબાળ થી નિર્ણય લીધો હોવાના આક્ષેપો પણ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા છે.

Next Story