Connect Gujarat

ગણેશોત્સવ ઉજવતા પૂર્વે જાણો મહિમા, વ્રત અને પૂજન વિધિ

ગણેશોત્સવ ઉજવતા પૂર્વે જાણો મહિમા, વ્રત અને પૂજન વિધિ
X

આપણે ત્યાં ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથના દિવસે મનાવવામાં આવે છે. એવી માન્યતા છે કે શ્રીગણેશજીનો જન્મ ભાદરવા સુદ ચોથના મધ્યાહન કાળમાં સોમવારે સ્વાતી નક્ષત્ર તેમજ સિંહ લગ્નમાં થયો હતો. એટલા માટે આ ચોથને ગણેશ ચતુર્થી અથવા તો વિનાયક ચોથ કહેવામાં આવે છે. કેટલાંક ક્ષેત્રોમાં આ ચોથ “કલંક ચતુર્થી” તરીકે પણ પ્રસિધ્ધ છે. તો વળી લોક પરંપરાનુસાર આને “ડંડા ચોથ” પણ કહેવામાં આવે છે. ગણેશજીના આ પર્વમાં મધ્યાહન (મધ્યાન્હવ્યાપિની) ચોથ લેવામાં આવે છે. એમાંય ખાસ કરીને જો આ દિવસે રવિવાર કે મંગળવાર હોય તો આ મહાચતુર્થી કહેવાય છે. ભગવાન શ્રીકૃષ્ણ પર સ્યમન્તક મણી ચોરી કરવાનું ખોટું કલંક લાગ્યું હોવાથી અપમાનિત થયા હતા.

નારદજીએ શ્રીકૃષ્ણની દુર્દશા જોઇને કહ્યું પ્રભુ તમે ભુલથી ભારદવા સુદ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કર્યા હોવાથી તમે તિરસ્કૃત થયા છો. નારદજીએ કહ્યું કે પ્રભુ આ દિવસે ગણેશજીએ ચંદ્રમાને શ્રાપ આપેલો છે. જેથી જે કોઇ આ દિવસે ચંદ્રમાના દર્શન કરે છે તે કલંકીત થાય છે. નારદજીની વાત સાંભળી શ્રીકૃષ્‍ણએ ભારદવા સુદ ચતુર્થીના દિવસે શ્રીગણેશજીનું વ્રત અને પૂજન કરતા દોષ મુક્ત થયા હતા. આ દિવસે ગણેશજીની પૂજા અને વ્રત કરવાથી વ્યક્તિને જુઠા આરોપોમાંથી મુક્તિ મળે છે.ગણેશજીને વિઘ્ન વિનાશક, મંગલકારી, રક્ષાકારક, સિદ્ધીદાયક, સમૃદ્ધી, શકિત સન્માન પ્રદાયક માનવામાં આવે છે.

પ્રત્યેક માસમાં વદ પક્ષમાં આવતી ચોથને “સંકટ ચોથ” તરીકે અને સુદ પક્ષમાં આવતી ચોથને “વિનાયકી ગણેશ ચતુર્થી માનવામાં આવે છે. પરંતુ દર વર્ષે ભાદરવા માસના સુદપક્ષમાં આવતી ગણેશ ચતુર્થી ભગવાન ગણેશનો પ્રાગટ્ય દિન હોવાથી ગણેશ ભક્તો આ દિવસે વિશેષ પૂજા વિધી કરી ગણેશોત્સવ મનાવે છે જો મંગળવારે ચોથ આવે તો તેને “અંગારક ચોથ” કહેવાય છે. આ દિવસે ગણેશજીની વિશેષ પૂજા કરવાથી મનુષ્યના અનેક પાપો નાશ થાય છે. અને જો રવિવારે ગણેશ ચતુર્થી આવતી હોય તો તેને ખુબજ શુભ અને શ્રેષ્ઠ ફળદાયી માનવમાં આવે છે.

ખાસ કરીને મહારાષ્ટ્રમાં આ પર્વ ગણેશોત્સવ તરીકે મનાવાય છે. જે સતત દસ દિવસ સુધી ચાલે છે અને અનંત ચતુર્થી (ગણેશ વિસર્જન દિવસ) પર ઉત્સવનું સમાપન કરવામાં આવે છે. આ પર્વમાં વિશેષ ધ્યાન એ રાખવાનું હોય છે કે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રનું દર્શન ના કરવું જોઇએ, નહીં તો કલંકના ભાગીદાર બનવું પડે છે. કદાચ ભુલથી ચંદ્ર દર્શન થઇ જાય તો દોષ નિવારણ માટે નીચે લખેલ મંત્રનો ૨૮, પ૪ કે ૧૦૮ વખત જાપ કરવો જોઇએ. શ્રીમદ ભાગવતના દસમા સ્કંધના પ૭મા અધ્યાયનો પાઠ કરવાથી પણ ચંદ્ર દર્શનનો દોષ સમાપ્ત થઇ જતો હોય છે. ચંદ્ર દર્શન દોષ નિવારણ મંત્ર ( સિંહઃ પ્રસેનમવધીત, સિંહો જામ્બવતા હતઃ । સુકુમારક મા રોદીસ્તવ, હ્યેષ સ્યમન્તકઃ ।। )

  • ગણેશ ચતુર્થી વ્રત અને પૂજન વિધી

વ્રત કરનારે સવારે સ્નાન કરીને તાંબા, સોના કે માટીથી બનેલી ગણેશજીની મૂર્તી લેવી. તાંબાના કળશમાં જળ ભરી કળશના મુખ ઉપર નારાછડીથી લાલ રંગનું કોરૂ વસ્ત્ર બાંધી તેની ઉપર ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવું. ગણેશજીને સિંદુર અને દુર્વા એટલે કે ધરો અર્પણ કરી ૨૧ લાડુનો ભોગ ચડાવવો જોઇએ. એમાંથી પાંચ લાડુ ગણેશજીને અર્પણ કરી બાકીના લાડુ બ્રાહ્મણો વગરેને પ્રસાદ તરીકે વહેંચી દેવા. સાંજના સમયે ગણેશજીનું પૂજન કરવું. ત્યાર બાદ ગણેશ ચતુર્થીની વ્રતકથા, ગણેશ ચાલીસાનો પાઠ અને આરતી વગેરે કરી પોતાની દ્રષ્ટિ નીચે રાખી ચંદ્ર સામે જોયા વગર ચંદન અને પુષ્પ મિશ્રીત જળ ભરેલો કળશ લઇ ચંદ્રને અર્ધ્ય આપવો.

  • ગણેશ ચતુર્થીનું મુહૂર્ત

ગણેશ પૂજન માટે મધ્યાહન મુહૂર્ત બપોરે ૧૧-૨૨ કલાકથી ૧૩-પ૦ કલાક સુધી શુભ છે. તારીખ ૧૨મી સપ્ટેમ્બરે સાંજે ૧૬-૦૮ કલાકથી ૨૦-પ૪ કલાક સુધી ચંદ્ર દર્શન કરવું નહીં. તેમજ તારીખ ૧૩મી સપ્ટેમ્બરે સવારે ૯-૪૬થી સાંજે ૨૧-૩પ કલાક સુધી ચંદ્ર દર્શન કરવું નહીં.

Next Story