Connect Gujarat
Featured

“ગેંગ્સ ઓફ હનીટ્રેપ” : લોકોને હનીટ્રેપમાં ફસાવતી 11 લોકોની ગેંગ ઝડપાઇ, સાબરકાંઠા પોલીસને મળી મોટી સફળતા

“ગેંગ્સ ઓફ હનીટ્રેપ” : લોકોને હનીટ્રેપમાં ફસાવતી 11 લોકોની ગેંગ ઝડપાઇ, સાબરકાંઠા પોલીસને મળી મોટી સફળતા
X

સોશિયલ મિડીયામાં મિત્રતા બાંધી હનીટ્રેપમાં લોકોને ફસાવતી ગેંગને ઝડપી લેવામાં સાબરકાંઠા જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. ભોગ બનનારની ફરિયાદના આધારે ઇડર પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 11 આરોપીઓની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, ઇડર પોલીસ મથકમાં કલ્પેશ પટેલે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફેસબુક એકાઉન્ટ પર કોઇ રીન્કુ પટેલ નામના યુઝર આઇ.ડી. પરથી યુવતીએ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી અને પોતે ઇડર તાલુકાના ભાણપુર ગામની ગૃહિણી હોવાની ઓળખ આપી મિત્રતા કરી હતી. કલ્પેશે પણ ફેસબુક ફ્રેન્ડ બનેલી આ યુવતી સાથે મેસેજોની આપ-લે કરી હતી. તે દરમ્યાન અચાનક રીન્કુ પટેલ નામના યુઝર આઇ.ડી. પરથી વિડીયો કોલ કરી વિશ્વાસમાં લઇ મળવાનું કહેતા બીજા દિવસે કલ્પેશ પટેલ મળવા ગયો હતો. જયાં રીન્કુ પટેલ અને તેની સાથે બીજી યુવતી કલ્પેશની ગાડીમાં બેસી ગયા હતા. વેરાબર કાકલેશ્વર મહાદેવ રોડ પર ગાડી ઉભી રાખી એકાદ કલાક જેટલી વાતચીત કરીને વિજયનગર ત્રણ રસ્તા પાસે આ બન્ને યુવતી ઉતરી ગઇ હતી.

ત્યારબાદ સાંજે કલ્પેશના મોટાભાઇ પિયુષ પટેલ પર ફોન આવ્યો હતો કે, તમારા ભાઇએ બળાત્કાર કર્યો છે, જેની ફરિયાદ અમે નોંધાવા જઈ રહ્યા છે, તો તમે વહેલી તકે વડાલી આવી જાઓ, ત્યારે તેઓ મળવા જતાં ત્યાં એક ઇસમે પોતાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખાણ આપી હતી.

ઉપરાંત એક મહિલાએ પોતે પ્રેસ રીપોર્ટર હોવાની ઓળખાણ આપી રીન્કુ નામની યુવતી, તેનો પતિ, તેની માતા અને તેની બહેનપણીએ ભેગા મળી કલ્પેશ પટેલ પર બળાત્કાર અંગેની ફરિયાદ વડાલી પોલીસ મથકમાં કરવાની ધમકીઓ આપી હતી, ત્યારે કલ્પેશના પિતાને ગભરાવી તેમની પાસેથી 50 હજાર રૂપિયા લઇ લીધા હતા અને સમાધાન કરવા માટે વધારાના 10 લાખ રૂપિયાની માંગણી કરતાં ઇડર પોલીસ મથકમાં કલ્પેશ પટેલે ફરિયાદ તમામ લોકો નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે છટકું ગોઠવી મુખ્ય ત્રણ આરોપીઓને 10 લાખ રૂપિયા લેવા આવતા ઝડપી લીધા હતા. સાબરકાંઠા જિલ્લા પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી 11 આરોપીઓની ટોળકીને ઝડપી લીધી હતી.

Next Story