Connect Gujarat
Featured

ગીર સોમનાથ : ચીખલી ગામે 100થી વધુ મરઘીઓના બર્ડ ફ્લૂથી મોત, અનેક જીવતા પક્ષીઓની કિલિંગ પ્રકિયા શરૂ

ગીર સોમનાથ : ચીખલી ગામે 100થી વધુ મરઘીઓના બર્ડ ફ્લૂથી મોત, અનેક જીવતા પક્ષીઓની કિલિંગ પ્રકિયા શરૂ
X

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામે થોડા દિવસ અગાઉ 100થી વધુ મરઘાઓના અચાનક મોત થતાં સેમ્પલ લેવામાં આવ્યા હતા, ત્યારે લેબોરેટરીમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા પશુપાલન અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જેમાં પશુપાલન વિભાગ દ્વારા આસપાસના દરેક પોલ્ટ્રી ફાર્મમાંથી સેમ્પલ લેવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. તો સાથે જ અનેક વિસ્તારોમાં પક્ષીઓના કિલિંગની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

રાજ્યભરમાં બર્ડ ફ્લૂ નામના રોગે દસ્તક આપી છે, ત્યારે ઉના તાલુકામાં બર્ડ ફ્લૂના કારણે 100થી વધુ મરઘાના મોત થઈ ચૂક્યા છે, ત્યારે જુનાગઢથી પશુપાલન અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉના ખાતે દોડી આવ્યા હતા. જેમાં જુનાગઢથી ડો. ડી.એમ.પરમાર અને ડો. વઘાસિયાની ટીમ આવી પહોચી વિવિધ ફાર્મના નિરીક્ષણ સાથે ચકાસણી હાથ ધરી હતી. જોકે, તે વખતે બર્ડ ફ્લૂના લક્ષણો ન હોવાનું જણાવ્યું હતું. આમ છત્તાં 4 તંદુરસ્ત અને 3 બિમાર મરઘાના લોહીના નમુના પરીક્ષણ માટે મોકલાયા હતા. જેનું લેબ ટેસ્ટીંગ થતાં તેમાં બર્ડ ફ્લૂના લક્ષણો સાથે રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેમાં કારણે પશુપાલન વિભાગ દોડતું થયું હતું.

જોકે, બર્ડફલુનો રિપોર્ટ આવતા જિલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઉના તાલુકાના ચીખલીની આસપાસ એક કિલોમીટરના વિસ્તરામાં આવેલ દરેક પક્ષીઓની કિલિંગની કામગીરી કરવામાં આવશે. ઉપરાંત દરેક મરઘા ફાર્મ અને આસપાસના વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવશે. આમ ચીખલીમાં બર્ડ ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે, તો બીજી તરફ 1 કિલોમીટરના વિસ્તારમાં આરોગ્યની ટીમોએ અનેક જીવતા પક્ષી અને મરઘાઓનો નાશ કરવાનું શરુ કર્યું છે. અનેક વિસ્તારોમાં જીવતા પક્ષીને કિલિંગ કરવાની પ્રકિયા શરુ કરવામાં આવી છે. જેમાં જેસીબી મશીનથી ખાડા ખોદી આ પક્ષીઓને દાટવામાં આવી રહયા છે. આમ કોરોનાની મહામારી બાદ બર્ડફલુની દસ્તકે ફફડાટ ફેલાવ્યો છે.

Next Story