Connect Gujarat
ગુજરાત

ગીરસોમનાથ : વેરાવળના દેદાના યુવાનનો ચકલી પ્રેમ, દુકાનમાં જ બનાવી દીધું ચકલીઘર

ગીરસોમનાથ : વેરાવળના દેદાના યુવાનનો ચકલી પ્રેમ, દુકાનમાં જ બનાવી દીધું ચકલીઘર
X

વેરાવળના દેદાના યુવાનનો ચકલી પ્રેમ, દુકાનમાં જ બનાવી દીધું ચકલીઘર

આપણા આંગણામાં જોવા મળતી અને આપણા પોતીકા પક્ષી સમાન ચકલીઓ લુપ્ત થઇ રહી છે ત્યારે વેરાવળ તાલુકાના દેદા ગામના યુવાનને ચકલીઓને બચાવવા અનોખો પ્રયાસ કર્યો છે.

ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ તાલુકાના દેદા ગામના આહીર યુવક અશ્વિન બારડની દુકાન તમને ચકલીઓના રેનબસેરા સમાન લાગે છે. દુકાનમાં જયાં નજર કરો ત્યાં ચકલીઓના માળા જોવા મળે છે. શહેરી વિસ્તારો કરતાં ગામડાઓમાં ચકલીઓની સંખ્યા વધારે હોય છે ત્યારે અશ્વિન બારડને નાનપણથી જ ચકલીઓ પ્રત્યે લગાવ થઇ ગયો હતો.

આજે તેમની દુકાનમાં ચકલીઓ માટે 70થી વધારે માળા બનાવવામાં આવ્યાં છે અને તેમાં ચકલીઓ નિરાંતથી રહે પણ છે. સવારે અને સાંજે ચકલીઓનો આહલાદક અવાજ સાંભળવા તેમની દુકાને ગામલોકો એકત્ર થતાં હોય છે.

ચકલીઓને નિયમિત ચણ અને પાણી આપી તેમનું જતન કરવામાં આવે છે. અશ્વિન બારડના ચકલીપ્રેમ જોઇને અન્ય લોકો પણ ચકલીઓને બચાવવા માટે આગળ આવી રહયાં છે. ગામના શિક્ષક વાસાભાઇ વાળા જણાવે છે કે, તેઓ શાળાએ જતાં પહેલાં અશ્વિનભાઇની દુકાને આવે છે અને ચકલીઓને ચણ નાંખી પછી બાળકોને અભ્યાસ કરાવવા માટે જાય છે. ગામના વડીલો પણ માની રહયાં છે કે ચકલીઓને બચાવવાની તાતી જરૂરીયાત છે.

સમગ્ર દેશમાંથી ચકલીઓ લુપ્ત થઇ રહી છે ત્યારે આજે વિશ્વ ચકલી દિવસના અવસરે ચકલીઓને બચાવવા માટે આપણે સૌ આગળ આવીએ અને આપણા ઘરની બહાર ચકલીઘર મુકીએ અથવા ધાબા કે અગાસી પર ચકલીઓ માટે ચણ કે પાણીની વ્યવસ્થા કરીએ તો સાચા અર્થમાં ઉજવણી સાર્થક ગણાશે.

Next Story