Connect Gujarat
દેશ

મહાકવિ તરીકે પ્રખ્યાત ગીતકાર ગોપાલદાસ નીરજનું 93 વર્ષની વયે નિધન

મહાકવિ તરીકે પ્રખ્યાત ગીતકાર ગોપાલદાસ નીરજનું 93 વર્ષની વયે નિધન
X

1991માં પદ્મશ્રી અને 2007માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પદ્મભૂષણથી સન્માનિત ગીતકાર ગોપાલદાસ નીરજનું 93 વર્ષની વયે ગુરુવારે સાંજે નિધન થયું હતું. તેમને મહાકવિ પણ કહેવામાં આવતા હતા. સોમવારે તેમની પુત્રીને મળવા માટે આગ્રા ખાતે ગયા હતા. પછીના દિવસે તેમની તબિયત બગડી હતી. તેમને આગ્રાથી દિલ્હી લાવી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનોના કહેવા પ્રમાણે તેઓ લાંબા સમયથી બીમાર હતા.

નીરજને 1991માં પદ્મશ્રી અને 2007માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉત્તરપ્રદેશની સરકારે તેમનું યશ ભારતી સન્માનથી બહુમાન કર્યું હતું. ફિલ્મોમાં સર્વશ્રેષ્ઠ ગીત લેખન માટે તેમને સતત ત્રણવાર ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા હતા. 1970માં ફિલ્મ ચંદા ઓર બીજલીના ગીત'કાલના પહિયા ઘૂમે રે ભઇયા', 1971માં પહચાનના ગીત 'બસ યહી અપરાધ મેં હર બાર કરતા હૂં' અને 1972માં ફિલ્મ મેરા નામ જોકરના ગીત 'એ ભાઇ, જરા દેખ કે ચલો' માટે તેમને પુરસ્કાર મળ્યા હતા.

ગોપાલદાલ નીરજનો જન્મ 4 જાન્યુઆરી 1925ના રોજ ઉત્તરપ્રદેશના ઇટાવા જિલ્લાના પુરાવલી ગામમાં થયો હતો. છ વર્ષની ઉંમર હતી ત્યારે જ તેમના પિતા બાબુ બ્રજકિશોર સક્સેનાનું અવસાન થઇ ગયું હતું. શાળાના અભ્યાસ પછી નીરજે ઇટાવાની કચેરીમાં થોડો સમય ટાઇપિસ્ટનું કામ કર્યું હતું. પછીથી તેમણે દિલ્હીમાં પણ જુદી જુદી જગ્યાઓએ ટાઇપિસ્ટ કે ક્લાર્કની નોકરી કરી હતી. નોકરીની સાથે સાથે તેમણે હિન્દી સાહિત્યમાં સ્નાતકોત્તર સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. બાદમાં મેરઠ કોલેજમાં હિન્દીના વ્યાખ્યાતા બન્યા હતા. ત્યાર પછી અલીગઢની ધર્મ સમાજ કોલેજમાં હિન્દી વિભાગમાં ભણાવવા લાગ્યા. તે દરમિયાન તેમની કાવ્ય પ્રતિભાની લોકપ્રિયતા મુંબઇ સુધી પહોંચી ગઇ. તેમણે વરસો સુધી ફિલ્મોમાં ગીતો લખ્યા. મેરા નામ જોકર, શર્મીલી અને પ્રેમ પુજારી જેવી જાણીતી ફિલ્મોના ગીતો ખૂબ જાણીતા થયા હતા.

Next Story