Connect Gujarat
ગુજરાત

મુખ્યમંત્રીના હસ્તે ખંભાત તાલુકાના ૭૦ હજાર ઉપરાંત લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ

મુખ્યમંત્રીના હસ્તે ખંભાત તાલુકાના ૭૦ હજાર ઉપરાંત લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ
X

રાજ્ય સરકારે જનતાની સુખાકારી માટે ઝડપથી નિર્ણયો લઇ પ્રજાજનોની આશાઓ અને આકાંક્ષાઓ સપનાને સાકાર કર્યો છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે રાજ્ય સરકારે ગુજરાતની સાડા છ કરોડની જનતાની સુખાકારી માટે ઝડપી નિર્ણયો લઇ પ્રજાજનોની આશાઓ અને આકાંક્ષાઓ તેમજ સપનાને સાકાર કર્યો છે.આ સંદર્ભે મુખ્યમંત્રીએ જણાવ્યુ કે પારદર્શીતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને ગતિશીલતાના ચાર આધારસ્તંભો ઉપર રાજ્ય સરકાર સમાજના છેવાડાના માનવીના આર્થિક ઉત્કર્ષ માટે સદાય પ્રતિબદ્ધ છે.

મુખ્યમંત્રી આણંદ જિલ્લાના પ્રભારી અને પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં આજે આણંદ જિલ્લાના ખંભાત ખાતે જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ઘરાયેલ જન વિકાસ ઝુંબેશ અંતર્ગત ૩૦ લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભોનું પ્રતિકાત્મક વિતરણ કર્યુ હતુ. મુખ્યમંત્રીએ ખંભાત નગરપાલિકા દ્વારા રૂ. ૭.૫૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર જનસુવિધા અને જન સુખાકારીના બે વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા રૂ. ૫.૨૭ કરોડના ચાર વિકાસ કામોનું લોકાર્પણ કર્યુ હતુ.

રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરણા અને આણંદ જિલ્લાના કલેક્ટર આર.જી.ગોહિલના સફળ નેતૃત્વમાં ખંભાત તાલુકામાં જન વિકાસ ઝુંબેશ હેઠળ ૭૦ હજારથી વધુ લાભાર્થીઓને ઘરે ઘરે થી શોધી કાઢી રાજ્ય સરકારની પ્રજાકલ્યાણની યોજનાઓના લાભો હાથો હાથ કોઇપણ જાતના વચેટિયા વગર સીધે સીધા તેમના હાથમાં પહોંચાડી ગરીબો,પીડિતો, વંચિતોને આ સરકાર છેવાડાના માનવીની સરકાર છે તેની સંવેદનશીલતાની પ્રતિતિ કરાવી છે.

મુખ્યમંત્રીએ ખંભાતનો વૈભવ વારસો પુનઃપ્રસ્થાપિત થાય તે માટે ખંભાતના બંદરને પુનઃજિવત કરવા સાથે ખંભાતમાં જી.આઇ.ડી.સી.ની સ્થાપના કરવામાં આવશે તેમ પણ આ વેળાએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ તારાપુર અને ખંભાત તાલુકામાં હાથ ધરવામાં આવેલ જનવિકાસ ઝુંબેશ રાજયના અન્ય તાલુકાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે તેવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.

જનવિકાસ ઝુંબેશ હેઠળ ખોટો લાભાર્થી લાભ ન લઇ જાય અને સાચો લાભાર્થી લાભથી વંચિત ન રહી જાય તેની પણ પ્રશાસને ચિંતા કરી છે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ ખંભાત તાલુકાના ૭૦ હજાર ઉપરાંત લાભાર્થીઓને એક છત્ર હેઠળ લાવી સરકારી યોજનાઓના લાભો આપવા બદલ તેમણે તલાટીથી માંડી જિલ્લા પ્રસાશનના ઉચ્ચ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ અવસરે સાસંદ લાલસિંહ વડોદિયા, પૂર્વ સાસંદ દિલીપભાઇ પટેલ, પૂર્વ મંત્રી રોહિતભાઇ પટેલ, પૂર્વમંત્રી સી.ડી.પટેલ, પૂર્વ ધારાસભ્ય અંબાલાલ રોહિત, સંજયભાઇ પટેલ, અગ્રણી મહેશભાઇ પટેલ , સુભાષભાઇ બ્રહ્મભટ્ટ, રમણભાઇ સોલંકી, છત્રસિંહ, મહિલા અગ્રણી શ્રીમતી હંસાકુંવરબા રાજ, આઇ.જી. રેન્જ જાડેજા, કલેકટર આર.જી.ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર , નગરપાલિકા પ્રમુખ યોગેશભાઇ ઉપાધ્યાય, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી જશોદાબેન મકવાણા, તાલુકા જિલ્લા પંચાયત સદસ્યો, નગરસેવકો, પદાધિકારીઓ, સહિત વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ, નાગરિકો તથા શહેરીજનો હાજર રહ્યા હતા.

Next Story