Connect Gujarat
Featured

રાજયની છ મહાનગરપાલિકાઓમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત, સુરતમાં ભાજપને "આપ" નડી

રાજયની છ મહાનગરપાલિકાઓમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત, સુરતમાં ભાજપને આપ નડી
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ભાજપે ગુજરાતમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં તમામ રેકોર્ડ તોડી નાંખ્યાં છે. છ મહા નગરપાલિકાની 576માંથી ભાજપે 450 કરતાં વધારે બેઠકો પર વિજય હાંસલ કર્યો છે.

ગુજરાતના છ મહાનગરપાલિકાઓમાં ભાજપનો જયજયકાર થયો છે. અત્યાર સુધીની ચૂંટણીઓના તમામ રેકોર્ડ તોડી ભાજપે નવો વિક્રમ રચ્યો છે. રવિવારે છ મહાનગરપાલિકાની 576 બેઠકો માટે મતદાન થયું હતું. છ મહાનગરપાલિકામાં સરેરાશ 50 ટકા મતદાન થયું હતું. ઓછા મતદાન વચ્ચે પણ ભાજપે બેઠકો મેળવવામાં વિક્રમ રચ્યો છે. છ મહાનગરપાલિકામાં 450 કરતાં વધારે બેઠકો પર ભગવો લહેરાયો છે. એક માત્ર સુરતમાં આમ આદમી પાર્ટી ભાજપને નડી હતી તેમ છતાં સત્તા મેળવવામાં ભાજપ સફળ રહયું છે.

વિધાનસભાની ચૂંટણી પહેલાં સ્વાયતની સંસ્થાઓની ચૂંટણી લીટમસ ટેસ્ટ સમાન હતી પણ તેમાં ભાજપ બાજી મારી ગયું છે. હવે 28મી થનારી નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો તથા તાલુકા પંચાયતોની ચૂંટણી પર સૌની નજર મંડરાય છે. ભાજપના આગેવાનો અને કાર્યકરો જશ્ન મનાવી રહયાં છે તો બીજી તરફ કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરુ થઇ ગયો છે. સુરતમાં પાસ સાથે વિવાદ થયાં બાદ પાટીદાર સમાજની બહુલ વસતી ધરાવતાં વિસ્તારોમાં કોંગ્રેસના મત આમ આદમી પાર્ટીના ફાળે ગયાં હતાં.

હવે સ્થિત એવી બની છે કે સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને સ્થાન મળશે. કોંગ્રેસ સુરતમાં ખાતુ પણ ખોલાવી શકી નથી. રાજયની છ મહાનગરપાલિકામાં ભાજપની રેકોર્ડબ્રેક જીતે એક વાત તો સાબિત કરી છે કે ગુજરાતમાં હજી મતદારો ભાજપ સાથે અડીખમ છે…. ભાજપની નજર હવે ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવા ઉપર છે.

Next Story