Connect Gujarat
Featured

રાજ્યભરમાં આવતીકાલે યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન, EVMની કરાઇ ફાળવણી

રાજ્યભરમાં આવતીકાલે યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન, EVMની કરાઇ ફાળવણી
X

રાજ્યભરમાં આવતીકાલે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવનાર તમામ અધિકારીઓને ઈવીએમ સુપ્રત કરવામાં આવ્યા હતા.

વલસાડ જિલ્લા પંચાયતની 37 બેઠક અને તાલુકા પંચાયતની 152 બેઠકો માટે આવતીકાલે મતદારો મતદાન કરવા જઈ રહ્યા છે, ત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર ખાતે પણ તમામ કામગીરીની આખરી ઓપ આપવામાં આવ્યો હતો. શહેરની બાઈ આવા બાઈ હાઈસ્કૂલ ખાતેથી EVM ડીસ્પેચની કામગીરી હાથ ધરાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVMને મતદાન મથક સુધી પહોચાડવામાં આવ્યા હતા, ત્યારે હવે આવતીકાલે જિલ્લાના 9.72 લાખ મતદારો 513 ઉમેદવારોનું ભાવી નક્કી કરશે.

આ જ પ્રમાણે તાપી જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં વ્યારાની કોલેજ ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરાયું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વિવિધ મતદાન કેન્દ્રો માટેના EVM ફાળવવામાં આવ્યા હતા. તો સાથે જ સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય તે માટે તંત્ર પણ સાબદું બન્યું છે.

નવસારી જિલ્લાની 6 તાલુકા પંચાયત, 2 નગરપાલિકાઓ અને એક જિલ્લા પંચાયત માટે મતદાન થવાનું છે, જેને લઇને તૈયારીઓ કરવામાં વહીવટી તંત્ર વ્યસ્ત બન્યું છે. જીલ્લામાં 133 જેટલા મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. તો સાથે જ 55 જેટલા સંવેદનશીલ મતદાન મથકો પર કુલ 300 જેટલા પોલીસકર્મી, એસઆરપી અને હોમગાર્ડના જવાનો બંદોબસ્તમાં જોડાશે, ત્યારે જિલ્લાભરના મતદારો પોતાની ફરજ અદા કરે તેવી વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

વાત કરીએ સુરત જિલ્લાની તો, આવતીકાલે સુરત જિલ્લા અને તાલુકા પંચાયતોની 36 બેઠકો પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે. જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે, ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવનાર અધિકારીઓને EVM સુપ્રત કરવામાં આવ્યા હતા. તો સાથે જ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકોના મતદાનને લઈ વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે.

આંણદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નગરપાલિકાની ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં કુલ 199 બુથ માટે રિઝર્વ મશીન સહીત 213 EVM પહોચાડવામાં આવ્યા હતા. તો સાથે જ એક બુથ માટે 5 કર્મચારીઓ પ્રમાણેના 995 જેટલો સ્ટાફ અને 15 ઓબઝર્વર કાર્યરત કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પ્રક્રિયા સંપન્ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Next Story