પંચાયતો અને પાલિકામાં ભાજપનું ધમાકેદાર કમબેક, ભાજપના સુનામીમાં કોંગ્રેસ નામશેષ

0

ભાજપનું આવે છે ત્યારે સુનામી જ આવે છે… ગુજરાતમાં મહાનગરો બાદ પંચાયતો અને નગરપાલિકાઓમાં ભાજપે કોંગ્રેસ તથા અન્ય પક્ષોનો કલીનસ્વીપ કર્યો છે. ભાજપના સુનામીમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કોંગ્રેસનું ધોવાણ થયું છે.

રાજયમાં મહાનગર પાલિકાઓ બાદ પંચાયતો અને પાલિકાઓમાં ભગવો લહેરાયો છે. ભાજપની સુનામીમાં કોંગ્રેસના અનેક દિગ્ગજો અને પરિવારજનોને મતદારોએ ઘરે બેસાડી દીધાં છે. ગુજરાતમાં રવિવારના રોજ 31 જિલ્લા પંચાયતો, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થયું હતું. મંગળવારે સવારે 9 વાગ્યાથી મત ગણતરીનો પ્રારંભ થયો હતો. મત ગણતરીની સાથે જ ભાજપે લીડ મેળવી હતી અને જે અંત સુધી યથાવત રહી હતી. ગત ટર્મમાં ભાજપને પાટીદાર અનામત આંદોલન નડી ગયું હતું.

આંદોલનના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપે જનાદેશ ગુમાવ્યો હતો પણ આ વખતે ભાજપે જોરદાર કમબેક કર્યું છે. રાજયની મોટાભાગની જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ભગવો લહેરાય ચુકયો છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપના સુનામી સામે કોંગ્રેસ સહિત અન્ય પક્ષોનું રીતસરનું ધોવાણ થઇ ગયું છે. ગુજરાતના મતદારો ભાજપ સાથે અડીખમ જોવા મળ્યાં હતાં. અમુક નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસને સમ ખાવા પુરતી પણ બેઠકો મળી નથી. સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપના નકકર આયોજન સામે કોંગ્રેસ ઠોઠ સાબિત થઇ છે. ચુંટણીઓમાં જે પ્રકારે ધોવાણ થયું છે તે જોતાં કોંગ્રેસને બેઠી થતાં વર્ષો લાગી જશે. ભાજપે પ્રચંડ વિજયને ઉમેદવારો અને કાર્યકરોએ ફટાકડા અને ઢોલનગારા સાથે વધાવી લીધો હતો. રાજયભરમાં ભાજપના વિજય સરઘસો નીકળ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here