Connect Gujarat
ગુજરાત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પહેલી વાર એપ તૈયાર કરવામાં આવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પહેલી વાર એપ તૈયાર કરવામાં આવી
X

ગુજરાતમાં આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષાને લઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સર્વપ્રથમવાર પ્રશ્ન પેપર માટેની એપ તૈયાર કરવામાં આવી છે.ગઇકાલે જીલ્લા શિક્ષણાધિકારીએ શહેરના બોર્ડ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં યોજાનારી ધોરણ 10 અને 12 સાયન્સ અને 12 કોમર્સની જાહેર પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. આ દરમિયાન પરીક્ષાના પ્રારંભના આગલા દિવસે એટલે કે 4 માર્ચના બુધવારે બપોરના 2.30 થી 5.00 દરમિયાન પરીક્ષાર્થીઓ બેઠક વ્યવસ્થા નિહાળી શકે તેવું આયોજન શાળાઓએ કર્યું હતું. આ દરમિયાન રાજ્ય સ્તરની આ જાહેર પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં તટસ્થ અને નિષ્પક્ષ રીતે યોજાય તે રીતે માધ્યમિક શિક્ષણ બોર્ડ છેલ્લી તૈયારીઓ પૂરી કરી હતી.

પરીક્ષાના સુચારૂ સંચાલન માટે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલના અદ્યક્ષપદે તેમજ જિલ્લા શિક્ષણાધીકારી ડો. યુ.એમ.રાઠોડના સચિવપદે સમાજના વિવિધ ક્ષેત્રોના તજજ્ઞોની બનેલી 21 સભ્યોના પરીક્ષા સમિતિની રચના કરી છે. આ સમિતિ સમગ્ર પરીક્ષા વ્યવસ્થા ઉપર દેખરેખ રાખશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને વાલીઓ છેલ્લી ઘડીએ ઉદ્ભવતી પરીક્ષાલક્ષી કોઈ મૂંઝવણ ટાણે મૂશ્કેલીમાં ન મૂકાય તે માટે જિલ્લા શિક્ષણાધીકારીની કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

પરીક્ષા શરૂ થવાના ગુરૂવારના સવારે 8.00 થી સાંજના 8.00 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓ આ કંટ્રોલ રૂમનો 0265 - 241703 નંબર ઉપર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે. કંટ્રોલ રૂમ પરીક્ષા પૂરી થવા સુધી કાર્યરત રહેશે. બીજી બાજુ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ આપવા ધસારો પણ યથાવત રહ્યો હતો.

ગઇકાલે વડોદરા જીલ્લા શિક્ષણાધિકારી ડો. યુ.એમ. રાઠોડે શહેરની શાળાઓમાં બોર્ડના પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ સી.સી.ટીવી કેમેરા સહિતનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું..કે, પ્રથમવાર બોર્ડના પ્રશ્ન પેપર માટેની એપ તૈયાર કરી છે. ઝોન ઉપરથી જ્યારે પ્રશ્ન પેપર રવાના થાય ત્યારે એજ સમયે તેનો ફોટોગ્રાફ પાડી એ એપની અંદર અપલોડ કરવાનો રહેશે. પરીક્ષા સ્થળ પર જ્યારે સરકારી પ્રતિનિધિ પહોંચે ત્યારે પણ એના ફોટોગ્રાફ્સ લઈ એને એપ ઉપર અપલોડ કરવાના છે.એ પેકેટ જ્યારે તોડવામાં આવે અને પેકેટમાંથી બીજા સીલ બંધ પેકેટ્સ નીકળે દરેક બ્લોકના તો એ આખી પ્રક્રિયાને પણ ફોટોગ્રાફ્સ જેતે વખતે લાઈવ ફોટોગ્રાફી કરી અને એ એપની અંદર અપલોડ કરવામાં આવશે.આ કરવાથી કોઈપણ જગ્યાએ પેપર લીક થવાના કોઈ ચાન્સીસ ન રહે. કઈ સ્કૂલની અંદર કયા સમયે બોક્ષ ખોલવામાં આવે છે. એ પણ એ એપની અંદર સમય સાથેનું બધું આવી જવાનું છે. એટલે ગેરરીતિની કોઈપણ જગ્યાએ કોઈ અવકાશ ન રહે એ માટે પણ આ એપ બોર્ડ દ્વારા સર્વપ્રથમવાર લોન્ચ કરી છે.

Next Story