Connect Gujarat
ગુજરાત

ગુજરાત બજેટ ૨૦૧૯ : ગુજરાત સ્થાપના દિન બાદ સૌથી મોટું રૂ. ૨ લાખ કરોડથી વધુનું બજેટ

ગુજરાત બજેટ ૨૦૧૯ : ગુજરાત સ્થાપના દિન બાદ સૌથી મોટું રૂ. ૨ લાખ કરોડથી વધુનું બજેટ
X

નાણામંત્રી નીતિન પટેલે ૭મી વાર નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે પૂર્ણ કદનું બજેટ રજૂ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ સૌ પ્રથમવાર રૂપિયા ૨ લાખ કરડથી વધુનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણાંમંત્રીએ ૨,૦૪,૮૧૫ કરોડના બજેટ રાજુઆત દરમિયાન ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રૂ. ૬૦૦૦ની સહાય મુદ્દે પી.એમ. મોદીનો આભાર માન્યો હતો. કૃષિ, રોજગારી અને પાણીના મુદ્દાઓ ઉપર ભાર આપી જાહેરાતો કરવાની શરૂઆત કરી હતી.

હાલ ગુજરાત રાજ્યમાં ૧૨ એરપોર્ટ અને ૫ એરસ્ટ્રીપ કાર્યરત છે. સરદાર સરોવર, શેત્રુંજય ડેમ, સાબરમતી રિવરફ્રન્ટ પર વિમાન ઉતરાણ શરૂ કરવા માટે રૂ. ૫ કરોડના ખર્ચે વોટર એરોડ્રામ બનાવશે. નર્મદા જીલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના એરિયલ વ્યૂ માટે રૂ. ૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં સી-પ્લેન શરૂ કરવા ૫ કરોડના ખર્ચે વોટર એરોડ્રામ પણ બનાવવામાં આવશે.

રાજયમાં પહેલીવાર એક નવી યોજનાનું અમલ પણ કરવા સાથે 'વ્હાલી દીકરી યોજના' અંતર્ગત દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે તેને રૂપિયા ૪૦૦૦ની સહાય, નવમાં ધોરણમાં આવે ત્યારે તેને રૂપિયા ૬૦૦૦ની સહાય તેમજ ૧૮ વર્ષ પૂર્ણ કરે ત્યારે રૂપિયા ૧ લાખની સહાય આપવામાં આવશે. તો આ યોજનામાં કુલ રૂપિયા ૧૩૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ખેડૂત યોજનાના અમલ માટે ૨,૭૭૧ નવી જગ્યાઓ ભરવામાં આવશે. જેના અંતર્ગત આ વર્ષે ૧૧૨૧ જગ્યાઓ ભરવામાં આવશે. ગુજરાતના ખેડૂતોને ૦%ના દરે પાક ધિરાણ માટે ખેડૂત વ્યાજ સહાય આપવા રૂ. ૯૫૨ કરોડની જોગવાઇ કરી હતી. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ૧૮ લાખ ખેડૂતોને આવરી લેવાશે. જે માટે ૧૦૭૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે ૨૯૯ કરોડ, ફાર્મ મિકેનાઇઝેશન માટે ૨૩૫ કરોડ, ફૂડ પ્રોસેસિંગ માટે ૩૪ કરોડની ફાળવણી કરવામાં આવશે. રાસાયણિક ખાતર માટે ૨૫ કરોડ, સેટેલાઇટ ઇમેજ ડ્રોન ફોટોગ્રાફી માટે ૨૫ કરોડ, બાગાયત વિકાસ માટે સેન્ટર ઓફ એકસેલન્સ માટે ૮ કરોડ, ૪૦૦૦ ડેરી ફાર્મ સ્થાપવા ૧૩૪ કરોડની જોગવાઇ, ૪૬૦ ફરતા પશુ દવાખાના માટે ૪૭ કરોડ, મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે ૨૮ કરોડની જોગવાઈ કરી છે. જ્યારે ડેરી વિકાસ અને પશુ પાલકોને સાધન સહાય માટે ૩૬ કરોડ, ગૌ સેવા વિકાસ માટે ૩૮ કરોડ, સહકાર કિસાન કલ્પ વૃક્ષ યોજના માટે ૩૩ કરોડ, ગોડાઉન બાંધકામ માટે ૧૧ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.

આ ઉપરાંત મત્સ્યોદ્યોગના વિકાસ માટે માંગરોળ, નવાબંદર, વેરાવળ, માઢવાડ, પોરબંદર, સૂત્રાપાડા મત્સ્ય બંદર વિકાસ માટે ૨૧૦ કરોડ, ફીશિંગ બોટ ડીઝલ વપરાશ માટે વેટ સહાય આપવા ૧૫૦ કરોડ અને કેરોસિન સહાય માટે ૧૮ કરોડની જોગવાઈ કરી છે. આગામી ૩ વર્ષમા નવા ૬૦ હજાર કર્મચારીઓની ભરતી કરાશે. નવા ૭૦ હજાર સખી મંડળો બનાવી ૭૦૦ કરોડનું ધિરાણ અપાશે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના સહિત વિવિધ રોજગાર યોજનાઓનો ૧૫ લાખ યુવાનોને લાભ અપાશે. જ્યારે આગામી ૩ વર્ષમાં મુદ્રા યોજના હેઠળ ૫૦ લાખ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. 3 કિલોવોટનો પ્લાન્ટ બેસાડનાર પરિવારને ૪૦% સબસિડી, ૩ થી ૧૦ ટકા માટે ૨૦ ટકા સબસિડી માટે રૂ. ૧૦૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેનો ૨ લાખ પરિવારોને લાભ મળશે. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને શુધ્ધ કરી તે પાણી ઉંડા દરિયામા નિકાલ માટે પી.પી.પી. ધોરણે પાઇપલાઇન માટે રૂ. ૨,૨૭૫ કરોડ ખર્ચાશે. જેના માટે આ વર્ષે ૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બે દિવસમાં ૧.૨૫ લાખ ખેડૂતોને વીજ જોડાણ મળશે, યુવાઓની રોજગારી ૩૧,૮૭૭ કરોડની લોન આપવામાં આવશે.

ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ થકી ૧૫ લાખ યુવાઓને રોજગારી મળે તે માટે ૩૧,૮૭૭ કરોડની લોન અપાશે. જેટલા ખેડૂતોએ ખેતીવાડી વીજ જોડાણ માટે અરજી કરી છે તેમાંથી ૧,૨૫,૦૦૦ ખેડૂતોને અષાઢી બીજ(૪ જુલાઈ)ના દિવસે વીજ જોડાણ આપવામાં આવશે. જળ સંચય અભિયાન પાણી બચાવો અભિયાન માટે વોટર ગ્રીડ યોજના 'નલ સે જલ' યોજના હેઠળ વર્ષ ૨૦૨૦ સુધી તમામ વિસ્તારમાં નળ દ્વારા શુધ્ધ પીવાનું પાણી પહોંચાડાશે, જેના માટે રૂ. ૨૦ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેના માટે હાલ ૪૫૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૭૧૧૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ખેડૂતોને ૦%ના દરે લોન મળે તે માટે વ્યાજ સહાય માટે ૯૫૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દરિયાકાંઠામાં ૮ ડીસેલીનેશન પ્લાન્ટ સ્થપાશે, ગંદા પાણીને ટ્રીટ કરીને પુનઃ ઉપયોગ કરવા ૩૦૦ એમ.એલ.ડી.ના પ્રોજેકટની સ્થાપના કરવામાં આવશે. તેની સાથે સાથે માઇક્રો ઈરીગેશન વ્યાપ વધારાશે. જેમાં ૧૮ લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાશે. જેનો ૧૧.૩૪ લાખ ખેડૂતોને લાભ થશે.

ભારત સરકારે રાજ્યના ૨૮ લાખ ખેડૂતોને સહાયના પ્રથમ બે હપ્તા પેટે ૧,૧૩૧ કરોડ ચૂકવ્યા, ભારત સરકારે બે હેક્ટરની મર્યાદા દૂર કરી છે, જેથી રાજ્યના બધા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. માહિતી અને પ્રસારણ માટે ૧૭૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ કાયદા વિભાગ માટે ૧૬૫૩ કરોડની ફાળવણી, શિક્ષણ માટે ૩૦૦૪૫ કરોડની જોગવાઈ અને આદિજાતિ વિકાસ માટે ૨૪૯૮૧ કરોડની જોગવાઈ કરી છે. નર્મદા જીલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે ૨૬૦ કરોડની અને ભરુચ જિલ્લા માટે સૌથી મહત્વનો મુદ્દો ગણાતા નર્મદા યોજના માટે ૬૫૯૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે દવા માટે ૫૦૦ કરોડની અને સૌની યોજના માટે ૧૮૮૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

Next Story