Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હિંમતનગર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તલાટીઓએ ખોટી માહિતી આપ્યાનો આક્ષેપ

સામાન્ય સભામાં આગિયોલ અને દલપુરનુ વિભાજન કરી દલપુરને રેવન્યુ વિલેજની માન્યતા અપાયાની જાહેરાત કરાઇ હતી.

સાબરકાંઠા : હિંમતનગર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તલાટીઓએ ખોટી માહિતી આપ્યાનો આક્ષેપ
X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તા.પં.ની સોમવારે યોજાયેલી સામાન્ય સભામાં સત્તાપક્ષ ભાજપના સદસ્યે જ માંગેલ માહિતી સવગઢ અને પરબડા તલાટીએ ખોટી અને ગેરમાર્ગે દોરનાર હોવાનો સીધો આક્ષેપ કરી કાર્યવાહીની માંગ કરતાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, ટીડીઓએ રેકર્ડની ચકાસણી કરી ગુણદોષને આધારે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપતાં મામલો થાળે પડ્યો હતો. સામાન્ય સભામાં આગિયોલ અને દલપુરનુ વિભાજન કરી દલપુરને રેવન્યુ વિલેજની માન્યતા અપાયાની જાહેરાત કરાઇ હતી.

પં.ના સભાખંડમાં ભાજપ - કોંગ્રેસના સદસ્યો, ટીડીઓની હાજરીમાં યોજાયેલી સામાન્ય સભામાં શાસક પક્ષ ભાજપના સદસ્ય રવિન્દ્રસિંહ ચાવડાએ પરબડા ગ્રા.પં. સેજા હેઠળ આવતી ધાણધા જીઆઇડીસીમાં કેટલી ફેક્ટરી છે, કેટલો ટેક્સ ઉઘરાવ્યો, ચાર વર્ષમાં 14 અને 15 મા નાણાપંચની ગ્રાન્ટોમાંથી ધાણધા ગામ અને જીઆઇડીસીમાં કયા વિકાસના કામ માટે ફાળવ્યા તથા સવગઢ ગ્રા.પં. વિસ્તારમાં પણ કેટલી ફેક્ટરી, કેટલો વાર્ષિક ટેક્સ ઉઘરાવાય છે, કેટલા વિકાસના કામ કર્યા અને નથી કર્યા તો કેમ નથી કર્યા અંગે માંગેલ માહિતી અપૂરતી, ખોટી અને ગેરમાર્ગે દોરનાર હોવાના સીધા આક્ષેપ સાથે આક્રોશ ઠાલવ્યો હતો કે બંને પંચાયતો દ્વારા બિલ્ડરોને સાચવવા બીજી જગ્યાએ નાણાં વપરાય છે.

જો આવું જ ચાલ્યા કરશે તો હિન્દુ - મુસ્લિમ બંને કોમના મિલકત ધારકોને સુવિધાના અભાવે પલાયન કરવું પડશે અને ભવિષ્યમાં ધાણધા ફાઇલ્સ બનશે.તેમણે જણાવ્યુ કે બંને તલાટી હાજર રહ્યા નથી અને પરબડાનું રૂ.3 લાખ અને સવગઢનું રૂ.32 હજાર સ્વભંડોળ હોવાનો જવાબ આપી બંને તલાટી હાજર રહ્યા નથી. જોગવાઇ મુજબ વ્યક્તિ દીઠ રૂ.28 જેટલી રકમ 15 મા નાણાંપંચમાંથી વિકાસ કાર્યો માટે ફાળવવાની હોય છે. 1500 જેટલી વસ્તી છે પરંતુ લોકો પ્રાથમિક સુવિધા મેળવવા વળખા મારી રહ્યા છે. ખોટી અને ગેરમાર્ગે દોરતી અપૂરતી માહીતી આપવા બદલ બંનેને નોટિસ આપી દંડનીય કાર્યવાહી માટે માંગ કરી હતી. હિંમતનગર ટીડીઓ મિલિન્દ દવેએ જણાવ્યું કે ખોટી માહિતી આપી હોવા અંગે સદસ્યે રજૂઆત કરી છે રેકર્ડની ચકાસણી બાદ ગુણદોષને આધારે નિર્ણય લેવાશે.

Next Story