Connect Gujarat
ગુજરાત

અમરેલી : શું આ છે ગુજરાત મોડલ ? મૃતદેહને સાયકલ રીકશામાં લઇ જવાયો

મૃતદેહ લઇ જવા શબવાહિની પણ ન આપી શકયું તંત્ર અધિકારીઓની હાજરીમાં જ બનેલી શરમજનક ઘટના વિડીયો થઇ રહયો છે વાયરલ

X

દેશભરમાં ભલે ગુજરાત મોડલના ગુણગાન ગવાતા હોય પણ ગુજરાતની આબરૂની ધુણધાણી કરતો કિસ્સો અમરેલીમાં સામે આવ્યો છે. અમરેલી જિલ્લાના વડિયાના સુરવો નદીમાં વિકલાંગ યુવાને મોતની છલાંગ લગાવી હતી. વિકલાંગ યુવાનનો કૃત્રિમ પગ કિનારા પર હોવાથી યુવાને નદીમાં ઝંપલાવ્યું હોવાની જાણ થઇ હતી. ભારે શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના મૃતદેહ માટે તંત્ર શબવાહિની પણ ન ફાળવી શકયું હતું.

ગરીબ પરિવાર પાસે શબવાહીની ભાડે કરી શકે તેટલા રૂપિયા પણ ન હતાં તેથી તેમણે મૃતદેહને સાયકલ રીકશામાં મુકી દીધો. ગુજરાત મોડલના મોટા મોટા દાવાઓ કરતી ભાજપ સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રની આબરૂના ધજાગરા ઉડાવતી સાયકલ રીકશા શહેરના બજારોમાં ફરી હતી. સાયકલ રીકશામાં મૃતદેહને લઇ જવાતો જોઇ લોકોના કાળજા કંપી ગયા પણ તંત્રના પેટને પાણી ન હાલ્યું... મામલતદાર તથા પોલીસ અધિકારીઓની હાજરીમાં મૃતદેહ સાયકલ રીકશામાં મુકવામાં આવ્યો હતો તેમ છતાં તેઓ શબવાહિનીની વ્યવસ્થા ન કરી શકયાં તે શરમજનક બાબત કહી શકાય..

થોડા સમય પહેલાં અંકલેશ્વરમાં પણ આવી જ ઘટના બની હતી. એક ભિક્ષુક લારી ખેંચતો ખેંચતો પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ જઇ રહયો હતો. રાહદારીઓ તથા વાહનચાલકોને એમ લાગ્યું કે લારીમાં તેનો સામાન હશે પણ લારીમાં સામાન ન હતો. લારીમાં હતો તેની માતાનો મૃતદેહ.. મુકબધિર યુવાન અને તેની માતા અંકલેશ્વરમાં ભિક્ષા માંગી જીવનનો ગુજારો કરતાં હતાં. અચાનક તેની માતાનું નિધન થયું અને તે મૃતદેહ લઇને સ્મશાનની વાટે નીકળી પડયો હતો. આમ મોતનો મલાજો ન જળવાતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતાં રહે છે.

Next Story