Connect Gujarat
ગુજરાત

અમરેલી : રાજ્યકક્ષાના મંત્રીની અધ્યક્ષતામાં ૯૪.૬૬ લાખના ખર્ચે નવનિર્મિત જિલ્લાની ૭ ગ્રામ પંચાયતના મકાનોનું લોકાર્પણ કરાયું

અમરેલી : રાજ્યકક્ષાના મંત્રીની અધ્યક્ષતામાં ૯૪.૬૬ લાખના ખર્ચે નવનિર્મિત જિલ્લાની ૭ ગ્રામ પંચાયતના મકાનોનું લોકાર્પણ કરાયું
X

રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલબિહારી બાજપાઈના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમરેલીના દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે ગુજરાત રાજ્યના અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો .



આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષપદે ઉપસ્થિત રહેલ ગુજરાત રાજ્યના અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને વિકાસના પંથે ગતિશીલ બનાવ્યું અને તબક્કાવાર ગુજરાતના મુખ્યમંત્રીઓએ ગુજરાતની વિકાસની ગતિને વેગ આપ્યો છે. સુશાસનના માધ્યમથી સરકાર આપણા દ્વારે આવી છે. મંત્રીએ ગામડાઓમાં પાણી અને ગટરના કામોને વધુ પ્રાધાન્ય આપવા નવનિયુક્ત સરપંચશ્રીઓને અપીલ કરી હતી. મંત્રીએ તમામ લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા તાકીદ કરી હતી.

ક્રાયક્રમમાં સાંસદ નારણભાઇ કાછડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. અમરેલી જિલ્લાની ૭૪ ગ્રામ પંચાયતો સમરસ થતા રાજ્ય સરકાર દ્વારા ૩.૮૪ કરોડની પ્રોત્સાહક અનુદાન રકમ સ્વરૂપે ગ્રાન્ટની ફાળવવામા આવી છે. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સમરસ થયેલા ગામોના સરપંચઓને આ અનુદાનની રકમ અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.



મહાનુભાવોના હસ્તે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળની પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોના ખાતમુહૂર્તના વર્ક ઓર્ડર, આવાસના બીજા હપ્તાની ચૂકવણીના હુકમો, પ્રતીકરૂપે ચાવીનું વિતરણ કરી આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૯૪.૬૬ લાખના ખર્ચે નવનિર્મિત જિલ્લાની ૭ ગ્રામ પંચાયતના મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામ પંચાયતોમાં ૧૫માં નાણાપંચના ૧૭૮.૭૫ લાખના ૬૮ કામોનું ખાતમુહૂર્ત અને ૩૨૧.૩૭ લાખના ૧૧૮ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ મનરેગા અંતર્ગત કરવામાં આવેલા ૧૫.૪૭ લાખના ૬૪ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત નાયબ જિલ્લા વિકાસ અધિકારી પટ્ટણી તેમજ કાર્યક્રમની આભારવિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારી જે. કે. કાનાણીએ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાત, આરોગ્ય સમિતિના ચેરમેન જીતુભાઈ ડેર, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મુકેશભાઈ બગડા, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ સરપંચઓ તથા બહોળી સંખ્યામા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story