Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : સુરવાડી ઓવરબ્રિજ પર બાઇકને નડયો અકસ્માત, શું બ્રિજ બનશે અકસ્માત ઝોન ?

અંકલેશ્વરના સુરવાડી ફાટક પર બનેલાં અને 10 દિવસ પહેલાં ખુલ્લા મુકવામાં આવેલાં ફલાયઓવર બ્રિજ પર ગમખ્વાર અકસ્માત થયો

X

અંકલેશ્વરના સુરવાડી ફાટક પર બનેલાં અને 10 દિવસ પહેલાં ખુલ્લા મુકવામાં આવેલાં ફલાયઓવર બ્રિજ પર ગમખ્વાર અકસ્માત થયો છે. બાઇક ડીવાઇડર સાથે અથડાયા બાદ બાઇક પરથી ત્રણ વર્ષનું બાળક નીચે ફંગોળાતાં તેનું મોત થયું હતું.

અંકલેશ્વરના સુરવાડી ફાટક ખાતે સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ફલાયઓવર બનાવવામાં આવ્યો છે. ભરૂચ- અંકલેશ્વર રોડ પર બનેલા ફલાયઓવરની એક તરફની કામગીરી હજી બાકી હોવા છતાં એક ભાગનું લોકાર્પણ કરી દેવાયું છે. આ ફલાયઓવર બ્રિજ શરૂઆતથી જ વિવાદમાં રહયો છે. છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતી કામગીરી હજી પુર્ણ થઇ નથી. અંકલેશ્વર શહેરમાં આવવા તથા જવા માટે બ્રિજના એક ભાગને 10 દીવસ પહેલાં જ ખુલ્લો મુકાયો હતો. નવનિર્મિત બ્રિજ પર ગઇકાલે રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. બ્રિજના સુરવાડી ગામ તરફના ભાગ પાસે બાઇકના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં બાઇક ડીવાઇડર સાથે અથડાઇ હતી. જેના કારણે બાઇક પર બેઠેલી મહિલાના હાથમાંથી ત્રણ વર્ષનું બાળક ઉછળીને બ્રિજને નીચે પડયું હતું. ઇજાગ્રસ્ત બાળકને દવાખાને સારવાર માટે લઇ જવાય તે પહેલાં તેનું મોત થઇ ગયું હતું. બાળકની માતાના આક્રંદે વાતાવરણને ગમગીન બનાવી દીધું હતું.

સુરવાડી ફાટક પર બ્રિજના એક ભાગને ખુલ્લો મુકી દેવાયા બાદ લોકોએ તેને પિકનીક પોઇન્ટ બનાવી દીધો છે. આ બ્રિજ પર લોકોને ચાલવા માટે ફુટપાથ પણ બનાવવામાં આવી નથી. બ્રિજ પર અડીંગો જમાવી દેતા લોકોના કારણે વાહનોને અવરજવરમાં તકલીફ થઇ રહી હોવાની બુમો ઉઠી છે. બ્રિજની સાઇડ પર વાહનો પાર્ક કરી દેવામાં આવતાં હોવાથી આવા વાહનચાલકો સામે પોલીસ કાર્યવાહી કરે તે જરૂરી છે.

સુરવાડી ફાટક પર બનેલા નવા ફલાયઓવરબ્રિજનો આકાર અંગ્રેજી મુળાક્ષર ટી જેવો છે. અંકલેશ્વર શહેરમાં જવા ન માંગતા હોય તેવા વાહનો બ્રિજના એક છેડા પરથી સીધા બીજા છેડા પર નીકળી જશે પણ અંકલેશ્વર શહેરમાંથી આવતાં તથા જતાં વાહનોએ બ્રિજ પરથી ટર્ન લેવો પડશે. આ ઉપરાંત અંદાડા કે ગડખોલ જવાવાળા વાહનોએ બ્રિજના છેડા પરથી ટર્ન લેવાનો રહેશે. હાલ તો બ્રિજના એક તરફના છેડાની કામગીરી ચાલતી હોવાથી બ્રિજ પરથી માત્ર અંકલેશ્વર શહેરમાં આવતા અને જતા વાહનોની અવરજવર છે પણ આખા બ્રિજને ખુલ્લો મુકાશે ત્યારે બ્રિજ પર વાહનોની સંખ્યા વધશે જે અકસ્માતોનું નિમિત્ત બની શકે છે. આ બ્રિજને અકસ્માત ઝોન બનતો અટકાવવા તંત્ર પાણી પહેલાં પાળ બાંધે તે જરૂરી છે...

Next Story