Connect Gujarat
ગુજરાત

ભરૂચ : કબીરવડ અને અંગારેશ્વરનો પ્રવાસન ધામનું ખાતમુહૂર્ત 10 વર્ષ પછી પણ માત્ર કાગળ પર...!

ભરૂચ : કબીરવડ અને અંગારેશ્વરનો પ્રવાસન ધામનું ખાતમુહૂર્ત 10 વર્ષ પછી પણ માત્ર કાગળ પર...!
X

અંગારેશ્વર પંચાયતે મુખ્યમંત્રીને પત્ર લખી વિકાસ કાર્ય શરૂ કરવાની માંગ ઉઠાવી

ઉત્કર્ષ પહેલમાં ભરૂચ જિલ્લો સમગ્ર દેશમાં અગ્રેસર રહેતા રાજ્યના મુખ્યમંત્રી ખાસ ઉત્કર્ષ ઉત્સવમાં જોડવાના છે. અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી જોડવાના છે તેવા સમયે અંગારેશ્વર ગ્રામ પંચાયતે પ્રવાસન ધામ તરીકે શુકલતીર્થ, કબીરવડ અને અંગરેશ્વરના વિકાસને લાગેલા ગ્રહણનો મુદ્દો ઉઠાવ્યો છે. પ્રવાસન ધામ વિકાસનું ખાતમુહૂર્ત કર્યાનો દસ વર્ષ થયાં હોવા છતાં કોઈ કામગીરી થઈ ન હોવાની ફરિયાદ અંગરેશ્વરના સરપંચ શકુબેન વસાવા અને ડે. સરપંચ મહેશભાઈ વણકરે ઉઠાવી મુખ્યમંત્રીને પત્ર લખતા પ્રવાસન ધામનો પ્રશ્ન ચર્ચાની એરણે ચડયો છે.

શુકલતીર્થ, કબીરવડ અને અંગારેશ્વર ભરૂચ જિલ્લામાં એક માત્ર ફરવા લાયક ધાર્મિક સ્થળ છે. ગુજરાત ઉપરાંત સમગ્ર દેશમાંથી પ્રવાસી અને યાત્રાળુઓ આ ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે. સરકારે આ સ્થળોનું ધાર્મિક અને ભૌગોલિક મહત્વ સમજી તેનો પ્રવાસનધામમાં સમાવેશ કર્યો હતો. પ્રવાસનધામ તરીકે વિકાસ કરવા કેન્દ્ર અને ગુજરાત સરકારે વર્ષ 2011-12 માં રૂપિયા 50 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. આ જ વર્ષમાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી સુબોધકાન્ત સહાયના હસ્તે પ્રવાસનધામ વિકાસ માટે ખાત મુહૂર્ત કરાયું હતું. જોકે ખાત મુહૂર્ત કર્યા બાદ કાર્ય આગળ વધ્યું ન હતું. પ્રવાસન ધામ વિકાસના ઘોડા માત્ર બજેટના સમયે કાગળ પર દોડતા રહ્યા. સ્થળ પર વિકાસના નામે એક ઈંટ પણ ન મુકાતા આ પંથકના લોકોમાં રોષ ઉભો થયો હતો. લોકોએ અનેક વખત દેખાવો અને આંદોલન કરી તંત્ર અને સરકારમાં લેખિત રજૂઆતો કરી હતી. આમ છતાં પ્રવાસનધામ વિકાસની ફાઇલ પર ચઢેલી ધૂળ સાફ થઈ ન હતી. જેના પગલે રૂપિયા 50 કરોડની શુકલતીર્થ, કબીરવડ અને અંગારેશ્વરનો પ્રવાસનધામ તરીકે વિકાસ કરવાની યોજનાને ગ્રહણ લાગ્યું હતું. પ્રવાસન ધામ વિકાસ ખાતમુહૂર્તને 10 વર્ષ થઈ ગયા પણ ખરેખર વિકાસની કામગીરી થઈ ન હતી.

તાજેતરમાં ઉત્કર્ષ પહેલમાં ભરૂચ સમગ્ર ભારતમાં અગ્રેસર રહેતા ગર્વ અનુભવી રહ્યું છે. જેનો ઉત્સવ મનાવાઈ રહયો છે. રાજ્યના મુખ્યમંત્રી સદેહે અને દેશના વડાપ્રધાન વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેવાના છે તેવા સમયે અંગારેશ્વર સરપંચે પ્રવાસનધામ વિકાસનો મુદ્દો ઉઠાવ્યો છે. સરપંચ શકુબેન વસાવા અને ડેપ્યુટી સરપંચ મહેશભાઈ વણકરે તત્કાલીન ધોરણે શુકલતીર્થ, કબીરવડ અને અંગારેશ્વરનો પ્રવાસનધામ તરીકે વિકાસના કાર્ય શરૂ કરવાની માંગ ઉઠાવી છે.

Next Story