ભરૂચ જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા પોલીસતંત્ર માટે પડકારજનક બની,વાહન ચાલકોએ પણ સહયોગ આપવો જરૂરી

ભરૂચ જિલ્લામાં વાહન ચાલકોનો અમૂલ્ય સમય માર્ગ પર ટ્રાફિકમાં જ  પસાર થઇ રહ્યો છે, સવાર અને સાંજના પીક અવર્સમાં ઠેર ઠેર ચક્કાજામથી વાહનોની લાંબી કતારો લાગી જાય છે

New Update

ભરૂચ જિલ્લામાં વાહન ચાલકોનો અમૂલ્ય સમય માર્ગ પર ટ્રાફિકમાં જ  પસાર થઇ રહ્યો છેસવાર અને સાંજના પીક અવર્સમાં ઠેર ઠેર ચક્કાજામથી વાહનોની લાંબી કતારો લાગી જાય છે,પોલીસતંત્ર માટે પણ ટ્રાફિકનો પ્રશ્ન પડકારજનક બની ગયો છે. 

ભરૂચમાં સવાર પડતાની સાથે જ લોકો પોતાના કામકાજમાં જોતરાવા માટે ઘરેથી નીકળતા હોય છે ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં કામ અર્થે નીકળતા લોકોએ ટ્રાફિકને ભેદીને પોતાના નિશ્ચિત સ્થળે સમયસર પહોંચવું પડે છે, ભરૂચ શહેરની વાત કરીએ તો શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન ઝાડેશ્વર ચોકડીનર્મદા ચોકડી, ABC ચોકડી,શ્રવણ ચોકડી તેમજ શહેરી વિસ્તારમાં મહમદપુરા રોડ સહિતના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાઓ દિન પ્રતિદિન શિરદર્દ બની રહી છે. ટ્રાફિક ઝોનના માર્ગ પર જોઈએ તો પોલીસ પણ આ કોયડો ઉકેલવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે,પરંતુ પોલીસ માટે પણ ટ્રાફિક પડકારજનક બની રહ્યો છે. 

બીજી તરફ અંકલેશ્વરમાં પણ મહાવીર ટર્નીંગ,રાજપીપળા ચોકડી,વાલિયા ચોકડી તેમજ શહેર વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક પેચીદો બની રહ્યો છે.મોટા ભાગના વિસ્તારમાં ટ્રાફિકનું મૂળ કારણ રસ્તા ખરાબ હોવાના કારણે સમસ્યા સર્જાતી હોવાનું કહેવાય છે. 

ભરૂચની નર્મદા ચોકડી થી દહેજ તરફ જવાના માર્ગ પર માલવાહક વાહનોથી રસ્તો ધમધમતો રહે છે,જેના કારણે ટ્રાફિક સર્જાતો રહે છે,જ્યારે ABC ચોકડી પર પણ બંને તરફથી આવતા વાહનોના ભારણને કારણે વાહનોના પૈંડા થંભી જાય છે,વધુમાં નજીકમાં જ આવેલ મઢુલી ચોકડી પર પણ દહેજના ઉદ્યોગોની ખાનગી બસ સહિત સ્કૂલ વાહનોના કારણે ટ્રાફિક સર્જાતો હોવાનું કહેવાય છે. દહેજ થી પરત ભરૂચ તરફ આવતા માર્ગ પર શ્રવણ ચોકડી પાસે બ્રિજની કામગીરીને પરિણામે ટ્રાફિકનું નિર્માણ થઈ રહ્યું છે. ભરૂચ શહેર વિસ્તરમાં મહમદપુરા પાસે સાંકડો બ્રિજ ટ્રાફિકનું કારણ બન્યો છે.તેમજ શહેરના મુખ્ય રસ્તાને અડીને આવેલા કોમ્પલેક્ષમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી વાહનચાલકો પોતાના વાહન માર્ગની બાજુમાં જ  પાર્ક કરીને ખરીદી અર્થે જતા હોય છે,અને રાહદારીઓ માટે પણ ચાલતા જવું મુશ્કેલરૂપ બની જાય છે.

આ ઉપરાંત અંકલેશ્વર રાજપીપળા ચોકડી થી જીઆઇડીસીમાં જતો માર્ગ પણ નવો બની રહ્યો છે,તેથી ઘણા સમયથી બંધ છે જેના કારણે પ્રતિન ચોકડી તરફ વાહનોની રફ્તાર વધતા પીક અવર્સમાં ટ્રાફિકનું ભારણ વધી જાય છે.જ્યારે અંકલેશ્વરથી સુરત જતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર વાલિયા ચોકડી નજીક આમલાખાડી બ્રિજ કે જે ટુ લેન બ્રિજ છે,અને બ્રિજ પરનો માર્ગ ખરાબ હોવાના કારણે ટ્રાફિક સર્જાતા અંદાજિત પાંચ કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી જાય છે. અંકલેશ્વર તેમજ પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પણ આ અંગે રજૂઆત કરી છે પરંતુ હજી સુધી આ બ્રિજ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે માત્ર ખરાબ રસ્તા જ ટ્રાફિક માટે જવાબદાર હોય તેમ નથી પરંતુ વાહન ચાલકોની ઉતાવળ અને ટ્રાફિક માંથી જલ્દી નીકળવાની જલ્દબાજી પણ ટ્રાફિક સર્જી દે છે,ટ્રાફિક પોલીસ તંત્ર ટ્રાફિકનો વિકટ પ્રશ્ન ઉકેલવા માટે વરસાદ દરમિયાન પણ ખડે પગે સેવા આપતા હોય છે ત્યારે વાહન ચાલકો પણ પોલીસને સહયોગ આપે તો મહદંશે ટ્રાફિકનું નિરાકરણ ખુબ જ સરળતાથી મળી શકે છે.              

   

#Ankleshwar #Traffic #Traffic jam #CGNews #heavy traffic #Bharuch
Here are a few more articles:
Read the Next Article