Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ભરતનગર શાળાનો અનોખો પ્રયોગ, 1 લાખ સીડબોલના અભિષેકથી ધરા હરિયાળી બનશે

ભાવનગર : ભરતનગર શાળાનો અનોખો પ્રયોગ, 1 લાખ સીડબોલના અભિષેકથી ધરા હરિયાળી બનશે
X

હરિયાળી એ તો ધરતી માતાની શોભા છે. લીલાછમ વૃક્ષો અને વનરાજીથી તો આ ધરતીની શોભા વધે છે. દરેક ચોમાસામાં પ્રથમ વખતના વરસાદ બાદ ધરતી જે લીલી ચૂંદડી ઓઢે છે તે નયનરમ્ય હોય છે. કવિઓને કવિતા સ્ફુરે અને દિલને બાગ બાગ બનાવી દે તેનું નામ હરિયાળી, ત્યારે આવી પ્રકૃતિનો ખોળો હર્યોભર્યો રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ વિશ્વ વન દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીને વધુને વધુ વૃક્ષો વાવીને ધરતીની શોભા અભિવૃધ્ધિ કરવામાં આવે છે. આ રીતે તાજેતરમાં જ તા. 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આવો જ એક નાનકડો પણ મહત્વપૂર્ણ પ્રયાસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, ભાવનગર સંચાલિત ભરતનગરની શાળાએ કર્યો છે.

આ અંગેની વિગતો આપતાં સીડબોલ બનાવનાર ભરતનગર શાળાના આચાર્ય ડો. હરેશ રાજ્યગુરુની નીગરાનીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ સેવાભાવી સંસ્થાના સહકારથી સીડબોલમાં બીલી, પીપળો, રૂખડો, લીમડો જેવાં આયુર્વેદિક વૃક્ષોના બીજ, કરિપાતુ, અશ્વગંધા, ગુગળ જેવાં છોડના બીજ અને તુરીયા અને ગલકા જેવાં શાકભાજી એમ વિવિધ પ્રકારના 93 પ્રકારના બીજનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કાળી માટીમાં વિવિધ આયુર્વેદિક છોડ, વૃક્ષના બીજ મૂકીને સીડબોલ બનાવવામાં આવ્યાં છે. ચાલુ વર્ષ આવા 1 લાખ અને 1 હજાર સીડ બોલ બનાવવામાં આવ્યાં છે. જેને ભાવનગરના ૩૦ કિ.મી. વિસ્તારમાં ફેકવામાં આવશે. આ સીડબોલ જે-જે જગ્યાએ પડશે ત્યાં કુદરતી રીતે જ તે ઉગી જશે. જેને ભાવનગર શહેર અને આસપાસ વિસ્તારના 30 કિલોમીટરના વિસ્તારમાં જુદી જુદી સંસ્થા અને વ્યક્તિઓના સહયોગથી જમીન અને તેમાં થતી વનસ્પતિને ધ્યાને લઇ સીડબોલ ફેકવામાં આવશે.

આ પ્રસંગે ધારાસભ્ય જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ભલે નાનો છે પણ તેનાથી ભવિષ્યમાં બહુ મોટો ફરક પડવાનો છે. ધરતી માતાને સીડબોલ અર્પણ કરવાનો કાર્યક્રમ એક રીતે ધરતી માતા માટેના સમર્પણનો કાર્યક્રમ છે. આ સીડબોલ જ્યાં- જ્યાં પડશે ત્યાં નંદનવનનું નિર્માણ થશે. તેમણે વધુમાં કહ્યું કે, કોઇ વ્યક્તિ સારા કામમાં જોડાય તો શું ફર્ક આવી શકે તે આવા કાર્યક્રમને લીધે સમજાતું હોય છે. વ્યક્તિ માટે તો સૌ કોઇ કાર્ય કરે પરંતુ સમષ્ટી માટે કરે તો તે પરોપકાર કહેવાય. આવા પરોપકારનું કાર્ય ભરતનગરની શાળાના શિક્ષકોએ કર્યું છે. તો સાથે જ ભાવનગરના પદનામિત કલેક્ટર યોગેશ નીરગુડેએ જણાવ્યું હતું કે, તાઉતે વાવાઝોડામાં હજારો વૃક્ષો પડી ગયા છે. આપણે લાખો વૃક્ષો વાવીને તે નુકશાનને સરભર કરવાનું છે. સીડબોલનું આ અભિયાન ચેન્જ દ્વારા સમતોલન જાળવવાનું કાર્ય છે.

આ સીડબોલ જો ઉગી જાય તો આશરે 5 લાખ વૃક્ષોની નવી વનરાજી ભાવનગર ખાતે ઉભી થશે. તેમણે આ માટે વન વિભાગ સહિતના વિભાગોને સાંકળીને ભાવનગરને વધુ હરિયાળું બનાવવાની હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં સીડબોલનું પૂજન કરવામાં આવ્યું હતું. તો મહેમાનોનું સ્વાગત પણ અનોખી રીતે સીડબોલથી કરવામાં આવ્યું હતું. ગૌરીશંકર પ્રાથમિક શાળા નં. 65 ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શાશનાધિકારી યોગેશ ભટ્ટ, શિક્ષણ સમિતિના ચેરમેન નીલેશ રાવલ, હોમગાર્ડ કમાન્ડન્ટ શંભુસિંહ સરવૈયા તથા મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમી અને સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Next Story
Share it