Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ભાણગઢમાં એક જ દિવસમાં 90 ટકા કોવિડ રસીકરણ કરવાની સિદ્ધિ

ભાવનગર : ભાણગઢમાં એક જ દિવસમાં 90 ટકા કોવિડ રસીકરણ કરવાની સિદ્ધિ
X

કોરોનાના ત્રીજા વેવની ગંભીરતાને ધ્યાનમાં લઇ સાવચેતીના પગલારૂપે ભાવનગર જિલ્લામાં અને કોરોના રસીકરણની કામગીરી ઝુંબેશ રૂપે ચાલી રહી છે. કોરોનાના પ્રથમ બે તબક્કાઓમાં આપણે કોરોનાની બીમારી શું કરી શકે અને તેના શું ગંભીર પરિણામો આવે તેને પ્રત્યક્ષ નિહાળી ચૂક્યાં છીએ. ત્યારે આવાં જાનલેવા વાયરસથી અગાઉથી જ સાવધાની એ જ સાવચેતીના ન્યાયે જિલ્લાના તમામ લોકો રસીકરણ લઈ લે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્રે કમર કસી છે.

ભાવનગર જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જીલાણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે.તાવિયાડ, આર.સી.એચ.ઓ. ડો. પી.વી.રેવરના માર્ગદર્શનમાં જિલ્લાના જે ગામોમાં ઓછું રસીકરણ થયું છે, તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જિલ્લા તંત્રના આવાં પ્રયાસોને કારણે જ સિહોર તાલુકાના ભાણગઢ ગામમાં એક જ દિવસમાં ૯૦% રસીકરણની સિદ્ધિ હાંસલ કરી શકાઇ છે. આ માટે તાલુકા હેલ્થ ઓફિસરનું મોનીટરીંગ, તાલુકા હેલ્થ સુપરવાઇઝરનું આરોગ્ય શિક્ષણનું કામ, મેડિકલ ઓફિસર, આર.બી.એસ.કે. ટીમની ઘેર- ઘેર મુલાકાત, સમજાવટ કારગત સાબિત થઈ છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉસરડ હેઠળના ભાણગઢ ગામ કે જે ખૂબ જ અંતરિયાળ ગામ છે. જ્યાં ખૂબ જ ઓછું રસીકરણ થયું હતું. તેને ધ્યાનમાં રાખીને આ અગાઉ રાત્રી સભા, રાત્રી રસીકરણ અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલ પંડિત, આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસર ડો. સંજય ખીમાણી, મેડિકલ ઓફિસર ડો. દર્શન ઢેઢી દ્વારા માઈકિંગ, ઘેર-ઘેર મુલાકાત, રસીકરણના કેમ્પને લીધે ગામ લોકોમાં રસીકરણ માટેની એક પ્રકારની જાગૃતિ આવી હતી. આચાર્ય રાજુ સોલંકી, ગ્રામ સંજીવની સમિતિના કાળુ બારૈયાના લોક સહયોગ માટેના પ્રયત્નો તેમજ આર.બી.એસ.કે. ડો. રૂપલ વૈષ્ણવ, આરોગ્ય કર્મચારી રાહુલ સોલંકી, આરતી મકવાણા, સુપરવાઇઝર રામદેવસિંહ ચુડાસમા, આશા ફેસી મીના આંચલ, આશાની ટીમ દ્વારા એક જ દિવસમાં ૯૦ ટકા લોકોને કોરોનાની રસીથી સંરક્ષિત કરવામાં આવ્યા હતાં. રસીકરણને પ્રોત્સાહન આપવા માટે રસી લેનાર દરેક વ્યક્તિને યુવા અનસ્ટોપેબલ અને પ્લાન ઇન્ડિયા સંસ્થા દ્વારા એક લીટર તેલ ભેટ આપવામાં આવ્યું હતું.

Next Story