Connect Gujarat
ગુજરાત

ભાવનગર : 7 શખ્સોને આજીવન કેદની સજા સાથે રૂ. 4.20 લાખનો દંડ ફટકારતી ડિસ્ટ્રિક્ટ કોર્ટ

ભાવનગર : 7 શખ્સોને આજીવન કેદની સજા સાથે રૂ. 4.20 લાખનો દંડ ફટકારતી ડિસ્ટ્રિક્ટ કોર્ટ
X

ભાવનગર શહેરના છેવાડે ઘોઘારોડ, ચકુ તલાવડી પાસે ત્રણેક વર્ષ પૂર્વે કાર લઈ મિત્રો સાથે જમવા ગયેલ યુવાન અને તેના મિત્રો પર 7 શખ્સોએ તલવાર, પાઈપ અને ધોકા સહિતના હથીયારો વડે હુમલો કરી ઈજા કરતા યુવાનને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં લાંબી સારવાર બાદ તેનું મોત થતા બનાવ હત્યામાં પરિણમેલ અને બનાવની તેના મિત્રએ ફરિયાદ નોંધાવતા પોલીસે 7 શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધી તમામની ધરપકડ કરી હતી.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા. 17મે 2018ના રોજ કરશન ઉર્ફે ભાણો સાટીયાને, કિશોર ઉર્ફે કિશોર સોલંકી તથા ભરત ઉર્ફે આપા રાછડ સાથે સામાન્ય બોલાચાલી અને ઝઘડો થયેલ હતો. બાદમાં બીજા દિવસે કરશન સાટીયા પોતાની કાર લઈ તેના મિત્ર અજય ઉર્ફે પીટર મકવાણા સાથે ઘોઘારોડ અકવાડા તરફ જમવા જતા હતા, ત્યારે મોડી રાત્રીના ચકુ તલાવડીથી આગળ પહોચતા કિશોર તથા ભરત સહિત 7 શખ્સોએ તેમની કારને આંતરી કારના કાચ ફોડી તલવાર, પાઈપ અને ધોકા વડે ગંભીર ઈજા પહોચાડેલ, જ્યારે બચાવવા જતા અજયને પણ તલવારનો ઘા ઝીકી ગંભીર ઈજા કરી નાસી છુટેલ હતા, જ્યારે કરશન ઉર્ફે ભાણાને ગંભીર હાલતે અમદાવાદ સારાવાર માટે ખસેડાયેલ જ્યાં અઢી માસની સારવાર બાદ તા. 1 ઓગષ્ટના રોજ તેનું મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો.

આ બનાવ અંગે અજય ઉર્ફે પીટરે કિશોર ઉર્ફે કિશન સોલંકી, ભરત ઉર્ફે આપા રાછડ, સિધ્ધરાજ ઉર્ફે સુર્યા માયડા, સોમા ઉર્ફે ચંપુ રાછડ, કેવલ ઉર્ફે માયા વાઘોસી, હાર્દિક ઉર્ફે ઉમદાન સોનરાજ તથા સતીષ ઉર્ફે બાલા પોસાતર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરૂધ્ધ આઈપીસી કલમ 302, 326 સહિતની કલમો સાથે ગુન્હો નોંધી તમામ ધરપકડ કરી હતી. જોકે, આ બનાવ અંગેનો કેસ ભાવનગરની ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની ધારદાર દલીલો અને સાક્ષી પુરાવાને ગ્રાહ્ય રાખી અદાલતે તમામને કસુરવાર ઠેરવ્યા હતા. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર.ટી.વચ્છાણીએ તમામ આરોપીને આજીવન કેદની સજા તથા રૂ. 4.20 લાખનો દંડ ફટકાર્યો હતો. તો સાથે જ દંડની રકમમાંથી 50 ટકા ભોગ બનનારના પરિવારને આપવાનું જણાવેલ આમ ભાવનગરમાં હત્યા કેસમાં એક સાથે 7 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાતા ચકચાર મચી જવા પામી છે.

Next Story
Share it