Connect Gujarat
ગુજરાત

ભાવનગર : પ્રજાની સુખ સગવડમાં વધારો કરી આકાંક્ષાઓની પૂર્તિ કરવા શિક્ષણ મંત્રીએ કર્યું તંત્રને આહવાન

જીતુ વાઘાણીએ નવા થતાં કામોમાં ઝડપ લાવવાં માટે એગ્રીમેન્ટને બદલે એફિડેવીટ લેવાનો આગ્રહ ઉપસ્થિત અધિકારીઓને કહ્યું

ભાવનગર : પ્રજાની સુખ સગવડમાં વધારો કરી આકાંક્ષાઓની પૂર્તિ કરવા શિક્ષણ મંત્રીએ કર્યું તંત્રને આહવાન
X

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રગતિમાં રહેલ અને ભાવી આયોજનોની તલસ્પર્શી સમીક્ષા બેઠકનું આયોજન ભાવનગર મ્યુનિસપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમીટીના હોલમાં કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, નગરપાલિકા સારું કાર્ય કરી રહી છે, પરંતુ તેમાં ગતિ-પ્રગતિ લાવીને લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓની પૂર્તિ કરવાં તેને પ્રાથમિકતા આપીને કાર્ય પધ્ધિતિ વિકસીત કરવી જરૂરી છે.

આ સંદર્ભમાં શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે પીવાના પાણી, નવાં સંપ, નવી પાણીની ટાંકી વગેરેના કામોને પ્રાધાન્ય આપવું જોઇએ. આ ઉપરાંત ગટરના સીવેઝ પાણીના નિકાલ સહિતની વ્યવસ્થાઓ સુદ્ઢ કરવી જોઇએ. લોકો માટે નવાં બાગ બગીચાના નિર્માણ, બોર તળાવના નવીનીકરણ, ટી.પી. અને ડી.પી. ના પ્રશ્નો, શહેરના ઓવરબ્રિજ, આર.સી.સી. રોડ સહીતની બાબતોની તલસ્પર્શી સમીક્ષા તેમણે કરી હતી.

મંત્રીએ નવા થતાં કામોમાં ઝડપ લાવવાં માટે એગ્રીમેન્ટને બદલે એફિડેવીટ લેવાનો આગ્રહ ઉપસ્થિત અધિકારીઓને કરતાં કહ્યું કે, તેનાથી કોન્ટ્રાક્ટરને સમયસર કામ કરવા માટેની ફરજ પડશે અને નિર્ધારિત કામ તેની સમયમર્યાદામાં પૂર્ણ થઇ શકશે. તેમણે ભાવનગરના મેયર સ્વચ્છતા પર ભાર મૂકે છે, ત્યારે સમાનની સેવાભાવી સંસ્થાઓને જોડીને દર અઠવાડિયે શહેરના કોઇ એક વિસ્તારમાં સફાઇ થાય અને તેમાં જનભાગીદારીને પ્રેરિત કરવાં પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં મેયર કિર્તી દાણીધારીયા, ડે.મેયર કૃણાલકુમાર શાહ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ધીરૂ ધામેલીયા, શહેર ભા.જ.પા. પ્રમુખ રાજીવ પંડ્યા, ઇન્ચાર્જ કમિશનર યોગેશ નિરગુડે, ડે મ્યુનિસિપલ કમિશનર વી.એમ.રાજપૂત સહિતના કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story