Connect Gujarat
ગુજરાત

ભાવનગર : મોટી રાજસ્થળી ગામે 1008 પીપળાનું રોપણ, પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરાઈ

ભાવનગર : મોટી રાજસ્થળી ગામે 1008 પીપળાનું રોપણ, પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરાઈ
X

'અષાઢી બીજ' એ હિન્દુ સંસ્કૃતિમાં શુભ કાર્યો શરૂ કરવાં માટે અગત્યનો તહેવાય કહેવાય છે. લોકો આ દિવસે પોતાના અગત્યના કાર્યોની શરૂઆત કરતાં હોય છે. આ સિવાય એક ઉક્તિ છે કે, ' પૂનમ પછીની પડવે, અમાસ પછીની બીજ, વગર જોયું મુહૂર્ત તેરસ અને ત્રીજ' આ ઉક્તિ અષાઢી બીજ એવો તહેવાર છે કે તેમાં કોઇ શુભ કાર્ય કરવાં માટે મુહૂર્ત જોવાની જરૂરત નથી. ભગવાન જગન્નાથ સામેથી ભક્તોને દર્શન આપવાં જાય છે તેવાં પવિત્ર દિવસે ભાવનગરના મોટી રાજસ્થળી ગામે કોઇને બહું ધ્યાનમાં ન આવે પણ ખરાં અર્થમાં ચિરંતન પ્રકારનું કાર્ય થયું છે. આ દિવસે મોટી રાજસ્થલી ગામે ૧૦૦૮ પીપળાના છોડનું અહીંના તલાવડા કાંઠે રોપણ કરીને 'પ્રાણવાયુના સરોવર' નું નિર્માણ કરવાં ગ્રામજનોએ ભગીરથ પ્રયાસ હાથ ધર્યો છે.

આ અભિયાન વિશે જાણીને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ર પાઠવી ગામના અગ્રણી નાનુભાઇ અને ગામના આ અભિયાનને બિરદાવી પત્ર પાઠવી અભિનંદન પાઠવ્યાં છે. મુખ્યમંત્રીએ અભિનંદન આપતાં તેમનાં પત્રમાં જણાવ્યું છે કે, વૃક્ષો એ મનુષ્યોના શ્રેષ્ઠ અને પરોપકારી મિત્રો છે. આપણા શાસ્ત્રોમાં પીપળાના ગવાયેલાં મહિમાને યાદ કરીને પીપળો ૨૪ કલાક ઓક્સિજન આપતું વૃક્ષ છે તેમ જણાવી સમાજ ઉપયોગી આ પગલું ભરવાં માટે ધન્યવાદ પાઠવ્યાં છે. વધતી જતી વસતિ અને પ્રદૂષણને કારણે પર્યાવરણની સમતુલા ખોરવાય છે તેમ જણાવી મુખ્યમંત્રીએ પર્યાવરણનું જતન સમગ્ર પૃ્થ્વીના જતન માટે ખૂબ જ મહત્વનું છે તેમ તેમના પત્રમાં જણાવ્યું છે. પર્યાવરણ પ્રત્યેના પ્રેમ અને તેના સંરક્ષણની જાગૃતિથી સંસારની સુંદરતાની સંભાળ રાખી શકાય છે તેમ જણાવી તેમણે ધાર્મિક ઉપરાંત વૈજ્ઞાનિક કારણોસર પણ પ્રકૃતિનું માનવજીવન માટે અદકેરું મહત્વ છે તેમ તેમના પત્રમાં મુખ્યમંત્રીએ જણાવ્યું છે.

પ્રાણવાયુ અને પર્યાવરણ બાબતે સર્વત્ર ઉભી થયેલી કપરી પરિસ્થિતિમાં મોટી રાજસ્થળીના વતની અને અગ્રણી નાનુ ડાંખરાના સંકલ્પ અનુસાર 'પ્રકૃતિ ઋણ સમર્પણ અભિયાન' અંતર્ગત હરિહરાનંદજી સ્વામી, રમેશ શુક્લ, મૂકેશબાપુ સાથે ધારાસભ્ય ભીખા બારૈયા, ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ઉપપ્રમુખ ઘનશ્યામ શિહોરા, જિલ્લા ભા.જ.પ. અધ્યક્ષ મુકેશ લંગાળિયા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પીપળાનું સરોવર કાંઠે રોપણ કરવામાં આવ્યું હતું. આ અભિયાન સંદર્ભે નાનુ ડાંખરાએ જણાવ્યું કે, અત્યારના કોરોના કાળમાં આપણને ઓક્સિજનની જરૂરિયાતની ખબર પડી છે. મનુષ્યના જીવનમાં ઓક્સિજન એ અગત્યનું પરિબળ છે તેથી જ તેને પ્રાણવાયુ કહેવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં પીપળાને આરાધ્ય તુલ્ય અને પૂજનીય ગણવામાં આવ્યો છે કારણ કે તે પૃથ્વી પરનું કદાચ એકમાત્ર વૃક્ષ છે જે ચોવીસ કલાક ઓક્સિજન આપે છે. વળી, તેની આવરદા પણ લાંબી હોવાથી અને સરોવરને કાંઠે ૧૧૦૦ પીપળાના વૃક્ષ વાવવાનું નક્કી કર્યું હતું.

અત્યારે ચોમાસાની સીઝન ચાલે છે તેથી રોપેલાં પીપળાના વૃક્ષો ઝડપથી ઉગી શકશે. તેને કૃદરતી રીતે પાણી પણ મળી રહેશે અને તે મોટા થતાં અહીં આપોઆપ ઓક્સિજન પાર્ક બની જશે તેમ તેમણે ઉમેર્યું હતું. લીલોતરી એ તો ધરતીનો શણગાર છે. ચોમાસામાં આપણે લીલોતરી જોઇએ, ત્યારે લાગે કે ધરતી માં એ જાણે લીલી ચાદર ઓઢી છે. આપણે પ્રકૃતિનું જે પ્રમાણે દોહન કરી રહ્યાં છીએ તે જોતાં તો આગામી સમયમાં પૃથ્વી રસાતાળ થઇ જાય ત્યારે તેને ફરીથી હરીભરી બનાવવાં માટે આપણે વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવું પડશે તે સમયનો તકાજો છે. આ અગાઉ ભાવનગરમાં સીડબોલ દ્વારા પણ વધુ વૃક્ષો ઉગે તે માટેના પ્રયત્નો થયાં છે. પરંતુ નક્કર રીતે ધરાતલ પર કામ થાય અને વાવેલાં વૃક્ષો ઉગે તે માટે અમે રાજસ્થલી ખાતે પીપળાના વૃક્ષોનું વાવેતર કરવાનું નક્કી કર્યું છે તેમ નાનુ ડાંખરાએ ઉમેર્યું હતું.

આ અગાઉ પણ વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સહભાગી થતાં રહ્યાં છે. પ્રકૃતિએ તેમને મન પૂજા છે. આ પ્રકૃતિને સુંદર કરવાં માટે વૃક્ષોથી સજાવવી જરૂરી છે તેમ તેઓ દ્રઢપણે માને છે. પ્રકૃતિને સજાવવાના અને નવપલ્લવિત કરવાનાં પ્રયત્નો આગામી દિવસોમાં મ્હોરી ઉઠશે અને પ્રકૃતિ સાથે વનચેતના જાગૃત થવાં સાથે તેની આસપાસનું માનવજીવન પણ ચેતનવંતુ બનશે તેવાં વિશ્વાસથી તેઓ વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિઓમાં સક્રિય છે. નવી પેઢી પણ પ્રકૃતિના જતન, ઉછેર અને સંવર્ધનની પ્રવૃત્તિમાં જોડાય અને જેથી તેમાંથી પ્રેરણા લે તેથી આ કાર્યમાં સહભાગી થનાર યુવાનોનું સન્માનપત્ર આપી યથોચિત સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ અભિયાન માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને સાંસદ ડો. ભારતી શિયાળે શુભકામના પાઠવી વૃક્ષોના આ અભિયાનને બિરદાવ્યું હતું. તેમની આ પ્રવૃત્તિમાં ગામની ગ્રામ પંચાયત, વન વિભાગ, શાળા પરિવારના સંકલનમાં ગામની બહાર વસતાં દાતાઓ- ઉદ્યોગપતિઓનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.

Next Story
Share it