Connect Gujarat
ગુજરાત

ભાવનગર : યુવાનની હત્યાના કેસમાં 2 આરોપીને 7 વર્ષ સખ્ત કેદની સજા ફટકારતી કોર્ટ

ભાવનગર : યુવાનની હત્યાના કેસમાં 2 આરોપીને 7 વર્ષ સખ્ત કેદની સજા ફટકારતી કોર્ટ
X

ભાવનગર શહેરના તિલકનગર-સુભાષનગર પુલ નજીક 2 વર્ષ પૂર્વે અષાઢી બીજ રથયાત્રાના દિવસે બપોરના સુમારે એક સગીર સહિત 3 શખ્સોએ યુવાન ઉપર હુમલો કરતા યુવાનનું મોત નીપજયું હતું. આ અંગેનો કેસ આજરોજ ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા અદાલતે મુખ્ય 2 આરોપી સામે ઇપીકો કલમ 304 પાર્ટ-1, મનુષ્યવધના ગુના સબબ બન્ને આરોપીને તકસીરવાન ઠરાવી 7 વર્ષની સખ્ત કેદની સજા અને બન્ને આરોપીના રૂપિયા એક-એક લાખ લેખે રોકડ રૂ. 2 લાખ વળતર પેટે મૃતકના માતા પિતાને ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.

આ અંગેની ઉપલબ્ધ વિગતો મુજબ શહેરનાં ભરતનગર-કૈલાશનગરમાં રહેતા ફરિયાદી રાજુ ઉર્ફે ભોલો પરમાર તથા અમીત ચૌહાણ અને બાલા રાઠોડ મળી ત્રણેય મિત્રો રિક્ષા લઇને તિલકનગર પુલ પાસેથી પસાર થઇ રહયા હતા, ત્યારે આ કેસના આરોપીઓ કિશન જીતુ ચૌહાણ ઉ.વ. 19, દર્શન ઉર્ફે લચ્છુ પરમાર ઉ.વ. 20, તથા અન્ય એક બાળ આરોપી એમ ત્રણેય શખ્સો પોતાનું મોટર સાયકલ પુલ પર રસ્તામાં આડુ મુકી અંદરો અંદર ઝઘડો કરતા હોય.

આથી ફરીયાદી તેને સમજાવવા જતા ઉક્ત શખ્સો ઝઘડો કરવા લાગ્યા હતા. આથી ફરીયાદીના અન્ય મિત્રો અમીત અને બાલા પણ નીચે ઉતરી સમજાવટ કરવા ગયા હતા. તેવામાં આરોપીઓએ ઝઘડો કરી અને લાકડાના ખોડા વડે હુમલો કરતો ફરિયાદી કિશન તથા તેના મિત્ર અમીત ચૌહાણને માથા અને કાનના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થઇ હતી. આથી 108 મારફતે સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયેલ, જ્યાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ અમીત ચૌહાણ ઉ.વ. 23, રહે. શેરી નં.3, સુભાષનગર, ભાવનગરનું મૃત્યુ નિપજ્યું હતું.

આ અંગેનો કેસ પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકિલ વિપુલ દેવમુરારીની અસરકારક દલીલો મૌખીક પુરાવા-14, દસ્તાવેજી પુરાવા-39 વિગેરે ધ્યાને રાખી આરોપી કિશન ચૌહાણ અને દર્શન ઉર્ફે લચ્છુ પરમારને આરોપીઓ સામે ઇપીકો કલમ-304 પાર્ટ-1, મુજબનો ગુનો સાબીત માની બન્ને આરોપીને તકસીરવાન ઠરાવી 7 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂ. 3 હજારનો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સજા, ઇપીકો કલમ 323 મુજબના ગુના સબબ બન્ને આરોપીઓને 6 માસની સજા અને રોકડા રૂ. 50નો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ પાંચ દિવસની સજા, ઉપરાંત બંન્ને આરોપીઓએ મરણજનારના માતા પિતાને વળતર પેટે રૂ. એક-એક લાખ લેખે રૂ. 2 લાખ ચુકવી આપવા પણ અદાલતે હુકમ કર્યો હતો, જ્યારે અન્ય એક આરોપી જુવેનાઈલ હોય તેનું ચાર્જસીટ અલગથી જુવેનાઈલ કોર્ટમાં મોકલી આપવા અદાલતે હુકમ કર્યો હતો.

Next Story