Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં ગગડ્યો ઠંડીનો પારો, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી

કચ્છના નલિયામાં તાપમાનો પારો ગગડી 8.8 ડીગ્રીએ પહોંચી જતાં રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર નોંધાયું હતું

રાજ્યમાં ગગડ્યો ઠંડીનો પારો, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી
X

સમગ્ર ગુજરાતમાં શિયાળાની સીઝને હજુ સુધી રફ્તાર પકડી નથી. બરોબર ઠંડીની શરૂઆત થાય એવામાં વાતાવરણમાં પલટો આવતાં વરસાદી માહોલ અને પછી ઉનાળા જેવી ગરમીનો એક મહિનામાં બે-બે વખત અનુભવ થયો છે. જોકે, હજુ અમદાવાદ શહેરમાં રાત્રિનું લઘુતમ તાપમાન 4.1 ડીગ્રી વધુ નોંધાતાં ગાત્રો થીજવતી ઠંડી શરૂ થઈ નથી, જ્યારે દિવસનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં દોઢ ડીગ્રી ઓછું નોંધાતાં મોડી સાંજે સામાન્ય કરતાં વધુ ઠંડી અનુભવાઈ હતી. જેથી શહેરમાં ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા નહિવત્ છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ, કચ્છના નલિયામાં તાપમાનો પારો ગગડી 8.8 ડીગ્રીએ પહોંચી જતાં રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર નોંધાયું હતું. આ સિવાય ડીસામાં પણ પારો ગગડી 13.8 ડીગ્રી અને ભુજમાં 14 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતાએ બે દિવસ કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં હજુ ઠંડીનું જોર શરૂ થયું નથી. વરસાદી માહોલ બાદ બફારો અને ઉકળાટ રહેતાં ઠંડી શરૂ થઈ નથી. અમદાવાદમાં ગુરુવારે લઘુતમ તાપમાન 17.8 ડીગ્રી નોંધાયું હતું.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડીનું જોર વધુ રહે છે. ડિસેમ્બરનું એક સપ્તાહ વીતી ગયું છે તેમ છતાં પણ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં કોલ્ડવેવ શરૂ થશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટશે, જેથી આગામી બેથી ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે.

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી ધીમે ધીમે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. 4 દિવસમાં 5 ડીગ્રીથી વધુ લઘુતમ તાપમાન ઘટ્યું છે, જે અંતર્ગત ગુરુવારે મોડાસા સિવાયનાં 4 શહેરોમાં ઠંડી દોઢ ડીગ્રી સુધી વધી હતી, જ્યારે મોડાસા શહેરમાં 1 ડીગ્રીનો વધારો જોવા મળ્યો હતો. તાપમાન 15 ડીગ્રીથી નીચે આવતાં 4 જિલ્લા રીતસરના ઠંડીથી ઠૂઠવાયા હતા. બીજી બાજુ, દિવસનું તાપમાન 1 ડીગ્રી જેટલું ઊંચકાતાં મુખ્ય 5 શહેરમાં ગરમીનો પારો 28.8 થી 30 ડીગ્રીની વચ્ચે નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસમાં લઘુતમ તાપમાનમાં 3 ડીગ્રી સુધીનો ઘટાડો આવવાની શક્યતા છે, એટલે કે આગામી 3 દિવસમાં ઉ.ગુ.માં ઠંડી 11 ડીગ્રીએ પહોંચી શકે છે.

Next Story