Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ વકીલ મારફતે પત્ની રેશ્મા પટેલને પાઠવી નોટિસ

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ વકીલ મારફતે પત્ની રેશ્મા પટેલને પાઠવી નોટિસ
X

ગુજરાતના કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકીએ પોતાના પત્નીને વકીલ મારફતે નોટિસ પાઠવી છે. નોટિસમાં ભરતસિંહે તેમના પત્ની છેલ્લા ચાર વર્ષથી અલગ રહેતા હોવાનો તેમજ મનસ્વી રીતે વર્તન કરતા હોવાનો દાવો કર્યો છે.

આ સાથે જ તેમણે પત્ની રેશ્મા પટેલ સાથે કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ ન કરવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે નોટિસ મારફતે એવું પણ કહ્યું છે કે, જે કોઈ વ્યક્તિ રેશ્મા પટેલ સાથે લેવડ-દેવડ કરશે તો તેની જવાબદારી તેમની રહેશે નહીં. આ સાથે જ નોટિસમાં એવું પણ લખવામાં આવ્યું છે કે જો રેશ્મા પટેલ તેમના નામનો દુરુપયોગ કરીને કોઈ નાણાકીય લેવડ-દેવડ કરશે અથવા કરાવશે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભરતસિંહ સોલંકીએ જેમને નોટિસ પાઠવી તે રેશ્મા પટેલ તેમના બીજા પત્ની છે. ભરતસિંહ સોલંકીએ તેના પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ રેશ્મા પટેલ સાથે બીજા લગ્ન કર્યાં હતાં. નોટિસ મામલે ભરતસિંહના વકીલ કે.પી. તપોધને જણાવ્યું હતું કે,"અમારી ક્લાયની સૂચના પ્રમાણે આ નોટિસ આપી છે. બંને વચ્ચે ચાર વર્ષથી વિવાદ ચાલે છે. પારિવારિક કેસ હોવાથી આ મામલે હું વિશેષ કંઈ નહીં કહી શકું તેમ નથી. નોટિસમાં જણાવ્યું છે કે મારા અસીલ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એટલે તેમના નામથી તેઓ કોઈ લેવડ દેવડ ન કરે. આગામી સમયમાં મારા ક્લાયન્ટની સૂચના પ્રમાણે કામ કરીશું."

Next Story
Share it