ભરૂચ સબજેલ નજીક આવેલ નગર રચના યોજનાવાળી જમીન પ૨ જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવા સ્થાનિકોના મકાનો તોડવા માટે ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે રહીશોએ કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.
ભરૂચ શહેરના સંતોષી વસાહત નજીક સબજેલ પાસે આવેલ નગર રચના યોજના ભરૂચ નં. ૩ના અંતિમખંડને 94-95 વાળી જમીન પ૨ જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવા સ્થાનિકોના મકાનો તોડવા માટે ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે રહીશોએ જિલ્લા કલેકટર કચેરીએ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, તા. 20 જૂન 2024ના રોજ બપોરે 12 વાગ્યાના સુમારે જેલ પ્રશાસન તરફથી પોલીસ બંદોબસ્ત સાથે ભરૂચ નગર રચના યોજના નં ૩ના અંતિમખંડ નંબર 94-95 ઉપર દિવાલ બનાવવા માટે લાઈનદોરી કરવા આવ્યા હતા. તેઓએ મકાન નં. 154/2થી 95/1 સુધીના મકાનો માટે એવી ધમકી આપીને ગયા છે કે, તમારા મકાનનો અમુક હિસ્સો 3 દિવસમાં તોડવા માટે આવીશુ, જેથી તમારા મકાનો ખાલી કરી દેજો.
અચાનક મળેલી આવી ધમકીથી સ્થાનિકો ડરી ગયા છે, અને મકાનોનું શું થશે તેવી ચિતામાં મુકાયા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અમને અગાઉ કોઈપણ નોટીસ આપવામાં આવેલ નથી. તેમ છતાં વગર નોટીસે અમારા મકાનો તોડવાની ધમકી આપી છે. અમારા મકાનોના સપુર્ણ કાગળો અમારી પાસે છે. જો આ જમીન હાલમાં પણ બેઉડાની માલીકીની છે. તો જેલ પ્રશાસન દ્વારા અનઅધિકૃત રીતે દીવાલ બનાવી કેમ કબ્જો કરવામાં આવી રહ્યો છે તેવા સવાલો સાથે સ્થાનિકોએ તંત્રના દરવાજા ખખડાવ્યા હતા.