Connect Gujarat
ગુજરાત

દાહોદ : પડતર માંગોને લઈ વડાપ્રધાનના કાર્યક્રમનો વિરોધ કરવા તાલુકા કોંગ્રેસની ચીમકી...

આગામી દિવસોમાં તમામ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો જીલ્લામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમનો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

દાહોદ : પડતર માંગોને લઈ વડાપ્રધાનના કાર્યક્રમનો વિરોધ કરવા તાલુકા કોંગ્રેસની ચીમકી...
X

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતીએ વિવિધ માંગણીઓની રજૂઆતો સાથે ઝાલોદ પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં તમામ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો જીલ્લામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમનો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તાર એવા ઝાલોદ તાલુકામાં આદિવાસી સમાજના પડતર પ્રશ્નોનો આજદિન સુધી કોઈ નિકાલ ન થતા તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા ઝાલોદ પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદન પત્ર પાઠવી રજુઆત કરાઇ હતી.

ઝાલોદ તાલુકાના 14 ગામોમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ નેશનલ હાઇવે કોરીડોરમાં સરકાર દ્વારા અમારા આદિવાસી ખેડૂત ખાતેદારો પાસેથી સસ્તા ભાવે જમીન સંપાદન કરી ગરીબ ખેડૂતોને જમીન અને ઘર વિહોણા કરી વિકાસના નામે જમીન પડાવી પાડવા માટે અભણ આદિવાસીઓને ડરાવી, ધમકાવી વળતર સ્વીકારી લેવા દબાણો કરવામાં આવે છે. સાથે જ વળતર નહી સ્વીકારો તો જમીનના રૂપિયા સરકારમાં જમા કરાવી દેવામાં આવશે, સાથે જ પોલીસ અને એસઆરપી મૂકીને જમીન ખાલી કરાવી લેવામાં આવશે તેવી ધાક ધમકીઓ આપી તંત્રના અધિકારીઓ દ્વારા અભણ આદિવાસીઓને ડરાવવા તેમજ ધમકાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ થયા છે


જ્યારે આ કેસ હાઇકોર્ટમાં ચાલતો હોવાના કારણે અને આ કેસનું જ્યા સુધી જજમેન્ટ ન આવે ત્યાં સુધી 14 ગામના ખેડૂત ખાતેદારોને સરકાર પાસેથી વળતર આપવામાં આવ્યું નથી. તમામ ખેડૂતોને જંત્રી મુજબ નહીં પણ દાહોદના બજાર માર્કેટના ભાવ મુજબ જમીન, મકાન, કુવા, બોર અને ઝાડનું વળતર સરકાર દ્વારા ચૂકવવામાં નહી આવે ત્યાં સુધી ખેડૂતોની જમીનમાં હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં ન આવે તેવી માંગ કરાય હતી. સાથે સાથે ઝાલોદ તાલુકાના વરોડ ટોલ બુથ ઉપર હાલમાં જ જે 10 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે, તે ભાવ વધારો પાછો ખેંચવામાં આવે.

કારણ કે, આ વિસ્તાર આદિવાસી બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે, અને સિડ્યુલ 5 મુજબ અહી કોઈપણ પ્રકારનો ટેક્સ ઉઘરાવી શકાય નહી. ટોલમાં ભાવ વધારાના કારણે બસોના ભાડા વધતા આ વિસ્તારના ગરીબ આદિવાસીઓને પોસાઈ તેમ નથી, તેથી લોકલ એસટી બસો, શાળાના વાહનોને જે તે સમયે ટોલ મુક્ત કરવામાં આવ્યા હતા તેમ હમણાં પણ ટોલ મુક્ત થાય, દૂધ સંજીવની વાહનોને પણ ટોલ મુક્ત કરવામાં આવે તેમજ ઝાલોદ ઓક્ટ્રોયથી કાળી તળાઈ સુધીનો રસ્તો ખખડધજ અને બિસ્માર હાલતમાં છે,

તેના કારણે અનેક અકસ્માતો થયાં છે જેમાં કેટલાક લોકોએ પોતાના જીવ ખોયા છે. વારંવાર મીરાં ખેડી રોડ ઉપર સ્ટ્રીટ લાઈટો નાખવા માટે રજૂઆતો કરી છે, તેમ છતાં હજુ સુધી સ્ટ્રીટ લાઈટો નવી નાખી નથી, તેવી માંગ સાથે ઝાલોદ પ્રાંત અધિકારીને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન આપી ચીમકીઓ ઉચ્ચારવામાં આવી હતી. સાથે જ આગામી દિવસોમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમનો વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story