Connect Gujarat
ગુજરાત

ડાંગ : પ્રજાજનોની આરોગ્યલક્ષી સેવાઓમાં ઉમેરાયું વધુ એક મોરપીંછ, ICU ઓન વ્હીલનું કરાયું લોકાર્પણ

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે ડાંગના પ્રજાજનોને વધુ બહેતર આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી

ડાંગ : પ્રજાજનોની આરોગ્યલક્ષી સેવાઓમાં ઉમેરાયું વધુ એક મોરપીંછ, ICU ઓન વ્હીલનું કરાયું લોકાર્પણ
X

છેક અમેરિકાના બોસ્ટનથી ગુજરાતના છેવાડે આવેલા દુર્ગમ પ્રદેશ એવા ડાંગ જિલ્લામાં સેવાની ધૂણી ધખાવનારા વનબંધુ આરોગ્ય ધામની સેવાઓમાં આઈ.સી.યુ. ઓન વ્હીલના નામે વધુ એક મોરપીંછ ઉમેરાવા પામ્યુ છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે ડાંગના પ્રજાજનોને વધુ બહેતર આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય, અને સાથે સાથે ડાંગ જેવા દુર્ગમ પ્રદેશમાં આધુનિક આરોગ્ય સુવિધાઓના સ્વપ્ન દ્રસ્ટા સ્વર્ગસ્થ ડો. અશોક પટેલના સ્વપ્નને ધીમે ધીમે સાકાર સ્વરૂપ આપી શકાય, સાથે જરૂરિયાતમંદ પ્રજાજનો, અને દાતાઓની આશા અપેક્ષાઓની પણ પૂર્તિ કરી શકાય તે માટે વચનબદ્ધ સંસ્થાની શાસનનધુરા સાંભળનારા ટ્રસ્ટી અને ડૉ. અશોક પટેલના સુપુત્રી ડો. નિરાલી પટેલે વનબંધુ આરોગ્ય ધામની આ પ્રતિબદ્ધતા છે, તેમ જણાવ્યુ હતું. જોગાનુજોગ ડો. અશોક પટેલના બીજા સુપુત્રી અને સંસ્થાના ટ્રસ્ટી ડો. નતાશા પટેલનો જન્મદિવસ હોવાથી આ સુવિધા પ્રજાર્પણ કરીને જન્મદિનની પ્રેરણાત્મક ઉજવણી પણ કરવામાં આવી હતી.

આઈ.સી.યુ. ઓન વ્હીલની તકનીકી જાણકારી આપતા સંસ્થાના ડો. નિર્મલ પટેલે આધુનિક સાધન સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સમાં સમાવિષ્ટ ઉપકરણો અને તેની જરૂરિયાત તથા ઉપયોગો અંગેની જાણકારી પુરી પાડી હતી. સંસ્થાના સલાહકાર એવા કર્મયોગી વિમલ દેસાઈએ સંસ્થાની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓની વિગતો પુરી પાડી કાર્યક્રમની ધૂરા સાંભળી હતી. એમ્બ્યુલન્સને રીબીન કાપીને પ્રસ્થાન કરાવતા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીતે સંસ્થાના પ્રયાસોની સરાહના કરી હતી. આ અવસરે સંબંધિત સ્વયંસેવકો અને સેવાભાવી સંસ્થાઓ જનસેવા ગ્રુપ તથા સાયબર ગ્રુપના કાર્યકરો વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

Next Story