Connect Gujarat
ગુજરાત

ડાંગ : સહ્યાદ્રિની ગોદમાં, પ્રકૃત્તિની નિરવ શાંતિનો અહેસાસ કરાવતું ઇકો ટુરિઝમ પ્લેસ.

મદમસ્ત વરસાદી માહોલમા ડાંગની વનરાઈઓમા ઠેર ઠેર નાના મોટા ઝરણાઓનુ સંગીત ગુંજી ઉઠે છે.

ડાંગ : સહ્યાદ્રિની ગોદમાં, પ્રકૃત્તિની નિરવ શાંતિનો અહેસાસ કરાવતું ઇકો ટુરિઝમ પ્લેસ.
X

સહ્યાદ્રિની ગોદમાં પ્રકૃતિની નિરવ શાંતિ ઝંખતા હો, તો આપના માટે ડાંગ જિલ્લાના ઇકો ટુરિઝમનો અહેસાસ ન ભૂતો, ન ભવિષ્યતિ સાબિત થઈ શકે છે. ખાસ કરીને ચોમાસાની ભીની ભીની ઋતુ, અને શિયાળાની ઠંડી ઠંડી મોસમમા ડાંગ જિલ્લાની વનરાજી જ્યારે નવપલ્લવિત થઈ જાય છે ત્યારે, ડાંગની એ લીલીછમ્મ પ્રકૃતિને મન ભરીને માણવાનો અવસર પણ ખડો થઈ જતો હોય છે.

મદમસ્ત વરસાદી માહોલમા ડાંગની વનરાઈઓમા ઠેર ઠેર નાના મોટા ઝરણાઓનુ સંગીત ગુંજી ઉઠે છે. પર્વતોની ટોચેથી નીચે ખાબકતા, અને રૌદ્ર રમ્ય અહેસાસ કરાવતા શ્વેત દુગ્ધધારા જેવા જળપ્રપાત, પર્વતોની ટોચને હળવેકથી આલિંગન આપતી શ્વેત શ્યામ વાદલડીઓ, ધૂમ્રસેર સમી ભાસતી અને જાણે કે પોતાના પ્રિયતમને વનરાજીમા શોધતી એકલી અટુલી અટવાતી એ વાદલડીઓ જેહનને અનોખી શાંતતા પ્રદાન કરે છે. આવા મનમોહક દ્રશ્યો અહીં છેક આથમતા શિયાળા સુધી નજરે પડતા હોય છે. ખળખળ વહેતા નદીનાળા, ચોમાસામાં ગાંડીતુર અને શિયાળામાં અતિ શાંત બનીને વહેતી લોકમાતા અંબિકા, ખાપરી, ગીરા, અને પૂર્ણાં સમગ્ર પ્રદેશને ભીનો ભીનો માહોલ પ્રદાન કરે છે.

પ્રકૃતિના આ અનમોલ નજારાને માણવો હોય તો તમારે ડાંગના ડુંગરા ખૂંદવા પડે, અહીં નિરાંતે રાતવાસો કરવો પડે. પૃથ્વી પરના સ્વર્ગસમાં કાશ્મીર કે, ગોડ્સ ઓન કન્ટ્રી તરીકે ઓળખાતા કેરાલાની ગરજ સારતા ડાંગ પ્રદેશને નજીકથી નિહાળવા માટે, હંમેશને માટે પ્રકૃતિપ્રેમીઓની કતાર લાગતી હોય છે, ત્યારે પર્યટકો તેમના આ પ્રવાસને જીવનભરનુ સંભારણું બનાવી શકે તે માટે, સ્થાનિક વન વિભાગ તેમની વ્હારે આવ્યુ છે. સ્થાનિક રોજગારીના સર્જન સાથે પર્યટકોને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાની તક ઉપલબ્ધ કરાવવાના હેતુસર ડાંગ વન વિભાગે અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં આવેલી તેની ત્રણ ઇકો કેમ્પ સાઈટને નવા વાઘા પહેરાવી પ્રવાસીઓની સેવામાં પ્રસ્તુત કરી છે.

Next Story
Share it