Connect Gujarat
ગુજરાત

ડાંગ : મહેનતકશ યુવાન મજૂરમાંથી બન્યો માલિક, તરબૂચની ખેતી કરી મેળવ્યો 80 દિવસમાં રૂ. 8 લાખનો નફો...

ખેડૂતો ખેતીથી વિમુખ થતા જાય છે, જ્યારે કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ, આધુનિક ખેત ઉત્પાદન ખેડૂતોને ફરીથી ખેતી તરફ વળી રહ્યા છે.

ડાંગ : મહેનતકશ યુવાન મજૂરમાંથી બન્યો માલિક, તરબૂચની ખેતી કરી મેળવ્યો 80 દિવસમાં રૂ. 8 લાખનો નફો...
X

મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના મલીન ગામનો યુવાન, દ્રાક્ષ અને ડુંગળીની વાડીમાં ખેતમજૂર તરીકે મહારાષ્ટ્રના ખેતરો ખુંદતો હતો. જ્યા મર્યાદિત જમીનમાં તેણે ઓછા પાણીએ આધુનિક ખેત પદ્ધતિના પરિણામે સફળતા મેળવતા ખેડૂતોને જોઈને, મનમાં જ મજૂરમાંથી માલિક બનવાનો સંકલ્પ કર્યો, અને તેને સાકાર કરવા માટે ફરી એકવાર વતનની વાત પકડી હતી.

મલીન ગામના યુવા ખેડૂત યોગેશ ભિવસેને 4 હેક્ટરમા માત્ર 80 દિવસમાં તડબુચની ખેતી કરીને, બધો ખર્ચ કાઢતા અંદાજિત રૂપિયા 8 લાખનો નફો રળીને ખેતી-બાગાયત વિભાગના અધિકારીઓ, કૃષિ કેન્દ્રોના તજજ્ઞો, અને અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે. આધુનિક ખેતીને સમર્થન આપતા આ યુવા ખેડૂતો એક મુલાકાતમાં જણાવ્યુ હતું કે, પરંપરાગત ખેત પદ્ધતિમાં વધુ મહેનતે પણ, જોઈએ એવુ વળતર નહીં મળવાને કારણે, ખેડૂતો ખેતીથી વિમુખ થતા જાય છે, જ્યારે કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ, આધુનિક ખેત ઉત્પાદન ખેડૂતોને ફરીથી ખેતી તરફ વળી રહ્યા છે.

મલીન ગામે બાપદાદાની ખડકાવ, ડુંગરાળ જમીનમાં માત્ર ઘાસ થતુ હતું. પરંતુ યોગેશે મહારાષ્ટની દ્રાક્ષ અને ડુંગળીની વાડીમાં 5-7 વર્ષ, 1500-200 રૂપિયાની મજૂરી કરતા કરતા અનુભવ્યુ, કે જો તેની બાપિકી જમીનને સુધારીને પરસેવો પાડવામાં આવે, તો મજૂરમાંથી માલિક બની શકાય છે, અને આ વિચાર સાથે તેણે તેના મહારાષ્ટ્રીયન શેઠ પાસેથી 10 હજાર રૂપિયા ઉધાર ઉછીના લઈ, મલીનની વાટ પકડી. શરૂઆતમા જમીન સુધારણા સાથે એક ગાય લઈ પશુપાલનને પણ સાથે રાખી, રાત-દિવસ પરિવારજનો સાથે કાળી મજૂરી કરીને, તેણે 1માંથી 7 ગાયો કરી.

પોતાની જમીનમા ડાંગર, ચણા, અને રીંગણાની પરંપરાગત ખેતીને સ્થાને પ્લાસ્ટિક મલ્ચિંગ, ડ્રીપ ઇરીગેશન જેવા નવા આયામો ઉમેરી, ઓછા પાણીએ ચાર હેક્ટરમાં તરબૂચની ખેતી કરીને, સફળતાના બીજનું વાવેતર કર્યુ. આહવાની ખેતીવાડી અને બાગાયત કચેરી સાથે, વઘઇના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞોના માર્ગદર્શનને કારણે, તેણે મલીનમાં 4 હેક્ટર જમીનમાં તરબૂચની ખેતી કરીને માત્ર 80 દિવસમાં જ 120 ટનથી વધુ તરબૂચનો પાક લણી લીધો, જેને 11 હજાર રૂપિયાના ભાવે વેપારીઓ દ્વારા ખેતર બેઠા ખરીદી લેવાયા. આજે યોગેશ પોતે તો તરબૂચની ખેતી કરે જ છે, પણ સાથે આસપાસના ગામોના ખેડૂતોને પણ આ માટે તૈયાર કરી, રોકડીયા પાકથી પ્રગતિ તરફ વાળી રહ્યો છે.

Next Story