Connect Gujarat
ગુજરાત

શું તમે જાણો છો, હિટવેવના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો..! વાંચો વધુ...

રાજ્યભરમાં ઉનાળાનો મુખ્ય ગણાતો વૈશાખ માસ ચાલી રહ્યો છે, ત્યારે હાલ 40થી વધુ ડિગ્રી ગરમીના કારણે રાજ્યભરમાં હિટવેવની અસર જોવા મળી છે.

શું તમે જાણો છો, હિટવેવના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો..! વાંચો વધુ...
X

રાજ્યભરમાં ઉનાળાનો મુખ્ય ગણાતો વૈશાખ માસ ચાલી રહ્યો છે, ત્યારે હાલ 40થી વધુ ડિગ્રી ગરમીના કારણે રાજ્યભરમાં હિટવેવની અસર જોવા મળી છે. હિટવેવથી બચવું જરૂરી છે અને તેમાં પહેલા તો હિટવેવના લક્ષણો ઓળખવા પણ વધુ આવશ્યક છે.

હવે તમને જણાવી દઈએ, હિટવેવના લક્ષણો... હિટવેવના કારણે વ્યક્તિમાં માથું દુખવું, પગની પિંડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, શરીરમાં પાણી ઓછું થઈ જવું, ઉલ્ટી થવી, ઊબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી જેવી અસરો શરીરમાં જોવા મળે છે. જોકે, હવે હિટવેવથી બચવા માટે લોકોએ બહાર નિકલવાનું ટાળવું જોઈએ. આખું શરીર અને માથું ઢકાઇ રહે તે રીતે સફેદ સુતરાઉ ખૂલતાં કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો તથા અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી, સીધા સૂર્ય પ્રકાશથી બચો, ભીના કપડાથી માથું ઢાંકીને રાખો, અવાર નવાર ભીના કપડાથી શરીર લુછો, વારંવાર ઠંડુ પાણી પીવો, લીંબુ સરબત, મોળી છાશ અને નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ, ઑ.આર.એસ. વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવા, બાળકો માટે કેસૂદના ફૂલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો, ગરમીમાં બહારથી ઘેર આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવે, ત્યારબાદ જ નહાવું. શક્ય હોય તો ઘરના બારી અને બારણાં સાથે ખસની ટટ્ટી, પાણી છાંટી, બાંધી રાખવી, દિવસ દરમ્યાન ઝાડ નીચે ઠંડક અને છાયામાં રહેવું.

ઉપરાંત બજારોમાં મળતો ખુલ્લો અને વાસી ખોરાક ખાવો નહીં તેમજ બજારમાં મળતા બરફનો ઉપયોગ ટાળવો જોઈએ. લગ્નપ્રસંગે દૂધ અને માવાની આઈટમ ચકાસ્યા બાદ જ ખાવી. ગરમીમાં ઉપવાસ કરવાનું પણ ટાળવું. સવારનું ભોજન 12 વાગ્યા સુધીમાં લઈ લેવું, ચા-કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે. તેથી તેનું પણ સેવન ટાળવું વગેરે જેવી બાબતોનુ ધ્યાન રાખવું આવશ્યક છે. આ સાથે જ વરિયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું સરબત લઈ શકાય, રાત્રે 10 નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી, તરબૂચનો ઉપયોગ સવારે અને બપોરે કરવો. જેથી હિટ વેવની અસર શરીર પર ઓછી થાય. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલનો તાત્કાલિક સંપર્ક કરવો.

Next Story