Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : વેરાવળમાં રમતી વેળા 3 બાળકો પર જર્જરિત મકાનનો કાટમાળ પડ્યો, દબાઈ જતાં એક બાળકનું મોત

3 બાળકો પર જર્જરિત મકાનનો કાટમાળ તૂટી પડતા બાળકો દબાયા હતા, જેમાથી 1 બાળકનું કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ થયું

ગીર સોમનાથ : વેરાવળમાં રમતી વેળા 3 બાળકો પર જર્જરિત મકાનનો કાટમાળ પડ્યો, દબાઈ જતાં એક બાળકનું મોત
X

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બપોરના સમયે ભીડીયા વિસ્તારમાં રમી રહેલા 3 બાળકો પર જર્જરિત મકાનનો કાટમાળ તૂટી પડતા બાળકો દબાયા હતા, ત્યારે કાટમાળ નીચે દબાઈ જવાથી એક બાળકનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય 2 બાળકોને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, વેરાવળ શહેરના ભીડીયા વિસ્તારમાં બપોરના સમયે રમી રહેલા બાળકો પર એકાએક જર્જરિત મકાન તૂટી પડતા કોલાહલ મચી જવા પામ્યો હતો. પુરાણા મકાનના કાટમાળ નીચે 2 સગા ભાઇઓ સહિત 3 ફૂલ જેવી જિંદગી દબાઈ હતી. જેમાં કાટમાળ નીચે દબાઈ જતાં 12 વર્ષીય બાળક ધનંજય આંજણીનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે દીક્ષિત આંજણી અને હેમેશ ગોહેલ નામના 2 બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ થતાં જ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફંડી હોસ્પિટલ ખાતે પહોંચી બાળકોના પરિજનોને સાંત્વના આપી હતી. સાથે જ શહેરના જર્જરિત બાંધકામોને વહેલી તકે ઉતારી લેવા માટે નગરપાલિકામાં પણ ટકોર કરી હતી. તો ઘટનાનો ભોગ બનેલા બાળકોના પરિવારને બનતી તમામ મદદ કરવા પણ નગરપાલિકાના પ્રમુખે તૈયારી દર્શાવી હતી.

Next Story