Connect Gujarat
ગુજરાત

રક્ષાબંધનના દિવસે ગુજરાતનાં આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરીથી ચોમાસું સક્રિય થયું છે. ચોમાસું સક્રિય ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે

રક્ષાબંધનના દિવસે ગુજરાતનાં આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
X

રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરીથી ચોમાસું સક્રિય થયું છે. ચોમાસું સક્રિય ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે રક્ષાબંધનના દિવસે રાજ્યનાં 6 જિલ્લાઓમાં છૂટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વરસાદની વાત કરીએ તો, શુક્રવારે 85 તાલુકામાં વરસાદ નોંધાયો હતો ત્યારે શનિવારે પણ 70થી વધુ તાલુકામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે રક્ષાબંધન પર ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મધ્ય ગુજરાતમાં મહીસાગર, દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ તથા દીવ-દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે આગામી 26 તારીખ સુધી રાજ્યભરમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 22થી 23 ઓગસ્ટ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. 23થી 24 ઓગસ્ટ તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારી તથા દમણ અને દાદરા નગર હવેલી, અરવલ્લી, સાબરકાંઠા અને મહિસાગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ તથા દીવમાં વરસાદની સંભાવના છે. જ્યારે 24થી 25 ઓગસ્ટ વલસાડ, નવસારી, દમણ તથા દાદરા નગર હવેલી, કચ્છ, પોરબંદર, દ્વારકામાં વરસાદની સંભાવના છે.

રાજ્યમાં હાલ ખરીફ સિઝન પર જોખમ તોળાઈ રહ્યું છે. કારણ કે, ભૂગર્ભ જળ ખૂટી પડ્યાં છે તો ડેમમાં પણ અપૂરતા વરસાદના કારણે પાણી નથી. રાજ્યમાં હજુ પણ 47 ટકા જેટલો ઓછો વરસાદ થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 40.6 ટકા વરસાદ થયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 49.6 ટકા, મધ્ય ગુજરાતમાં 37.7 ટકા, સૌરાષ્ટ્રમાં 35.6 ટકા, કચ્છમાં 31.7 ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 31.5 ટકા વરસાદ થયો છે.

નોંધનીય છે કે,વલસાડ જિલ્લામાં સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા અને વલસાડમાં નોધાયો હતો. ધરમપુરમાં સાંજે જાણે આભ ફાટયું હોય તેમ 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ચાર કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ધરમપુર શહેરમાં 4 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે ધરમપુર શહેરના નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા.

ધરમપુર બસ ડેપો રોડ પર અને સ્ટેટ હોસ્પિટલની સામે જાહેર રસ્તા પર ઢીચણ સુધી પાણી ભરાઈ ગયા હતા. વલસાડ શહેરમાં પણ 6:00થી 8:00 વાગ્યા સુધીમાં માત્ર બે કલાકમાં જ 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં થોડા સમય સુધી રસ્તા પર પાણી ભરાઇ ગયા હતા.

Next Story