Connect Gujarat
ગુજરાત

ખેડા : વિધાનસભાના મુખ્‍ય દંડકની અધ્યક્ષતામાં રસીકરણ અંગે એનજીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ

ખેડા : વિધાનસભાના મુખ્‍ય દંડકની અધ્યક્ષતામાં રસીકરણ અંગે એનજીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ
X

ખેડા જિલ્‍લા કલેકટર કચેરી ખાતે આજે વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજ દેસાઇની અધ્યક્ષતામાં જિલ્‍લાની એનજીઓની એક બેઠક રસીકરણના કાર્યક્રમને વેગ આપવા માટે યોજાઇ હતી. આ બેઠકમાં ૫૦થી વધુ એનજીઓના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહયા હતા.

આ બેઠકને સંબોધતા વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજ દેસાઇએ જણાવ્‍યું હતું કે, કેન્‍દ્ર સરકાર દ્વારા ૧૮થી વધુ વર્ષની દરેક વ્‍યક્તિને કોરોનાની રસી મફત આપવામાં આવી રહિ છે. આ રસીકરણના કાર્યક્રમને વેગ આપવા ગત તા. ૨૧મીએ સમગ્ર દેશમાં રસીકરણ માટે મહાઅભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતુ અને સમગ્ર દેશમાં અંદાજે ૮૪ લાખથી વધુ નાગરિકોએ રસીકરણ કરાવી તેમની અને તેમના કુટુંબની કોરોના સામેની સુરક્ષામાં વધારો કર્યો હતો. ગુજરાતમાં અને ખાસ કરીને આપણા જિલ્‍લા ખેડામાં પણ તે દિવસે આ કાર્યક્રમ અન્‍વયે ૧૫૦થી વધુ રસીકરણ કેન્‍દ્ર કાર્યરત કરવામાં આવ્‍યા હતા અને ત્‍યાં તે દિવસે પણ અંદાજે ૧૫ હજારથી વધુ નાગરિકોએ રસીકરણ કરાવ્‍યું હતું. તેમ છતા આ કાર્યક્રમમાં આપણા જિલ્‍લાના દરેક નાગરિકો જોડાય અને ૧૦૦ ટકા નાગરિકો રસીકરણ લે તે માટે કેન્‍દ્ર અને રાજય સરકાર સતત પ્રયત્‍ન કરી રહિ છે અને તેમના માર્ગદર્શન અન્‍વયે જિલ્‍લા વહિવટી તંત્રની સાથે સાથે જિલ્‍લાના પદાધિકારીઓ પણ સતત રસીકરણ અંગે લોકોમાં જાગૃતતા આવે અને તેઓ રસી લે માટે પ્રયત્‍નશીલ છે. પરંતુ આ કામમાં જો ધાર્મિક, સામાજિક અને વ્‍યવસાયીક સંસ્‍થાઓ જોડાઇ તો આ કામ સરળતાથી અને ઝડપથી પૂર્ણ થાય અને ખેડા જિલ્લાના તમામ નાગરિકોને રસી મળી જાય તો સંભવિત આવનારી ત્રીજી લહેરમાં જિલ્‍લાના નાગરિકોની સુખાકારી જળવાઇ રહે તેમ હોવાથી તેઓએ તમામ એનજીઓના પ્રતિનિધિઓને આમા સહયોગ આપવા જાહેર અપીલ કરી હતી.

સાંસદ દેવુસિંહ ચૌહાણએ જણાવ્‍યું હતું કે, જિલ્‍લાની એનજીઓએ ભૂતકાળમાં પણ સરકારની પ્રજાલક્ષી યોજનાઓમાં સરળ યોગદાન આપેલ છે. ત્‍યારે વડાપ્રઘાન નરેન્‍દ્ર મોદીના સૂત્ર તમામને રસી, મફત રસીને સાર્થક કરીએ તો તેઓનું કુટુંબ તો આ મહામારીમાંથી બચશે સાથે સાથે સમાજ, રાષ્‍ટ્રને પણ ફાયદો થશે અને અમૂલ્‍ય માનવ જીંદગીઓને બચાવી શકાશે. આવનારા ડિસેમ્બર માસ સુધીમાં તમામને પુરતા પ્રમાણમાં રસી મળી રહે તે માટેનો કાર્યક્રમ અને રસીનું ઉત્‍પાદન પણ કેન્‍દ્ર સરકારની રાહબરી નીચે સરસ રીતે ચાલી રહયું છે, ત્યારે તમામ નાગરિકોને તેઓએ રસી લઇ કુટુંબ, સમાજ અને રાષ્‍ટ્ર પ્રત્‍યેની પોતાની ફરજ અદા કરવા જણાવ્‍યું હતું. રસીકરણ અંગેની ખોટી અફવાઓ ના કારણે પણ ઘણી વ્‍યક્તિઓ તેનાથી દૂર રહે છે ત્યારે આવી બે બુનિયાદ અફવાઓ થી ગેરમાર્ગે દોરાયા વગર ઉમદા કાર્યમાં સહયોગી બનીએ. આ કામમાં સરકારી તંત્રની સાથે સાથે આવી એનજીઓની કામગીરી પણ ખૂબ જ સહાયરૂપ થાય તેમ છે.


ખેડા જિલ્‍લા કલેટકર કે.એલ.બચાણીએ જણાવ્‍યું હતું કે, રસીકરણએ વ્‍યક્તિની પોતાની તેમજ તેના કુટુંબની સુરક્ષા માટે ખૂબ જ અગત્‍યની છે અને તે કાર્ય સમજદારી, જવાબદારી અને રાષ્‍ટ્ર પ્રત્‍યેની ફરજના ભાગરૂપે પણ બજાવવા સૌ નાગરિકોને અપીલ કરી હતી તેમજ તેમાં એનજીઓને મદદગારીની અપેક્ષા વ્‍યકત કરી હતી. જિલ્‍લા આરોગ્‍ય અધિકારી પી.આર.સુથારે જણાવ્‍યું હતું કે, ખેડા જિલ્‍લામાં તા. ૨૧મી જૂનથી આ મહાઅભિયાનાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં આજદિન સુધીમાં અંદાજે ૫,૩૬,૧૩૦ લાભાર્થીઓને પ્રથમ ડોઝ તથા ૧,૭૪,૨૮૮ લાભાર્થીઓને બંન્ને ડોઝ દ્વારા રસીકરણ કરવામાં આવેલ છે. તા. ૪થી જૂનથી ૧૮થી લઇ ૪૪ વર્ષની વય સુધીના લાભાર્થીઓની રસીકરણની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત ૧,૦૪,૨૯૦ લાભાર્થીઓએ પ્રથમ ડોઝ લઇ લીધો છે.

વડાપ્રધાનશ્રી દ્વારા તા.૨૧મી જૂનથી તા.૩૦મી જૂન સુધી કોવિડ રસીકરણ મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે. જે અંતર્ગત ૧૮થી વધુ વયના તમામ લાભાર્થીઓનું નિઃશુલ્‍ક રસીકરણ તેમના રહેઠાણથી નજીકના ડિસ્‍ટ્રીકટ હોસ્‍પિટલ, સબ ડિસ્‍ટ્રીકટ હોસ્‍પિટલ, સા.આ.કેન્‍દ્ર, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, પેટા આરોગ્‍ય કેન્‍દ્ર તેમજ વિવિધ મતદાન મથકો અને અન્‍ય મોટા કોમ્‍યુનિટી હોલ તેમજ વાડિઓ ખાતે કરવામાં આવી રહયું છે. તમામ લાભાર્થીઓ સ્‍થળ પર જઇ રજીસ્‍ટ્રેશન કરાવી રસીકરણનો લાભ લઇ શકે તે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. લાભાર્થી આધારકાર્ડ કે અન્‍ય ઓળખના પુરાવાથી રસીકરણ સ્‍થળ પર જઇ રસીકરણ કરાવી શકે છે. કાયમી ઓળખનો પુરાવો ના હોય તો પણ જે તે સંસ્‍થા દ્વારા આપવામાં આવેલ પુરાવાના આધારે રસીકરણ કરાવી શકે છે.

સંસ્‍થા, કંપની, સહકારી મંડળીના કામદારોનું રસીકરણ પણ સભાસદોની સંખ્‍યાના આધારે જે તે સ્‍થળ પર રસીકરણનું આયોજન કરવામાં આવે છે. ઇનચાર્જ નિવાસી અધિક કલેકટરશ્રી આર.ટી.ઝાલાએ સૌનુ સ્‍વાગત કરી આ બેઠકની રૂપરેખા આપી હતી. જિલ્‍લાની અગ્રણી એનજીઓના પ્રતિનિધિઓ દ્વારા તેઓના સૂચનો રજુ કરવામાં આવ્‍યા હતા. તેનો હકારાત્‍મક અને શકય તેટલો સ્‍વીકાર કરવામાં આવશે તેમ દંડક પંકજ દેસાઇએ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારી મેહુલ દવે, જિલ્‍લા આરોગ્‍ય વિભાગના અધિકારીઓ, ડિઝાસ્‍ટર મામલતદાર રાઠોડ સહિત જિલ્‍લાની અગ્રણી એનજીઓના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહયા હતા.

Next Story
Share it