Connect Gujarat
ગુજરાત

ખેડા : ભાનેરની શાળામાં નિર્માણ પામેલ ઔષધિય વનને જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે ખુલ્લુ મુકાયું

ખેડા : ભાનેરની શાળામાં નિર્માણ પામેલ ઔષધિય વનને જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે ખુલ્લુ મુકાયું
X

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકા ભાનેર ગામે આવેલ ડૉ. કે.આર.શાહ માધ્યમિક શાળા ખાતે નિર્માણ પામેલ ઔષધિય વનને જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ સાથે જ શાળાઓમાં રોપવામાં આવેલ છોડનુ સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટે તેને બારકોડ સ્ટીકર લગાવી વેબ સાઈટ પર દરેક શાળા અપલોડ કરે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે.

માણસથી લઇને સમગ્ર જીવસૃષ્ટિ કુદરતને, પ્રકૃતિને આભારી છે. આ જીવસૃષ્ટિને ટકાવી રાખવા માટે ઋતુચક્ર, આબોહવા, પર્યાવરણ, નદીઓ, તળાવો, સમુદ્રો, જંગલો, વનસ્પતિઓ, ફૂલો, ખનીજ પેદાશો, પહાડો, વાતાવરણ વગેરે પાયાના પરિબળો છે, ત્યારે પ્રકૃત્તિના સંરક્ષણ અને સંવર્ધન માટે ખેડા જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પા પટેલના માર્ગદર્શન હેઠળ ડૉ. કે.આર.શાહ માધ્યમિક શાળા ભાનેરના આચાર્ય બ્રિજેશ પટેલના ઉત્કૃષ્ટ નવીનતમ પ્રયોગ "ટ્રેક માય ટ્રી" વેબ સાઈટને કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવી હતી. શાળામાં ઔષધિય વનને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ખેડા જિલ્લાની તમામ શાળાઓમાં રોપવામાં આવેલ છોડનુ સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટે તેને બારકોડ સ્ટીકર લગાવી વેબ સાઈટ ઉપર દરેક શાળા અપલોડ કરશે. જેથી કરી સમયે સમયે તે વૃક્ષની સ્થિતિ જાણી શકાય. આ પ્રયોગથી ખેડામાં જ નહિ પરંતુ સમગ્ર દેશમાં પર્યાવરણીય ક્રાંતિનું નિર્માણ થશે. ઔષધિય અને ફળાઉ વૃક્ષો થકી "મારી શાળા, મારું ઉપવન" નિર્માણ પામશે. ફક્ત છોડ રોપીને સંતોષ નહિ પરંતુ "એક બાળ, એક વૃક્ષ"ની જેમ તેનું સવર્ધન કરવામાં આવશે. આ કાર્યક્રમમા ખેડા જિલ્લા શિક્ષણાધકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક તેજેન્દ્રસિંહ સોલંકી, સુનિલ પારગી, મદદનીશ શિક્ષણ નિરીક્ષક, ખેડા જિલ્લા શાળા વિકાસ સંકુલના કન્વીનર તથા વિવિધ શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.

Next Story