Connect Gujarat
ગુજરાત

કચ્છ : નેપાલીઓને ઘરઘાટી તરીકે રાખતા પેહલા ચેતજો, વાંચો ગાંધીધામમાં શું બન્યું

કચ્છના ગાંધીધામ શહેરના અપનાનગરમાં નેપાળીઓએ શેઠાણીને બંધક બનાવી ઘરમાંથી દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી

કચ્છ : નેપાલીઓને ઘરઘાટી તરીકે રાખતા પેહલા ચેતજો, વાંચો ગાંધીધામમાં શું બન્યું
X

કચ્છના ગાંધીધામ શહેરના અપનાનગરમાં નેપાળીઓએ શેઠાણીને બંધક બનાવી ઘરમાંથી દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી.જે ચકચારી બનાવમાં અંતે ગાંધીધામ પોલીસને સફળતા મળી છે. લૂંટ ચલાવનારા ત્રણ નેપાળીઓને પોલીસે નખત્રાણા તાલુકાના વિરાણી ગામેથી ઝડપી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કરતા વધુ મુદ્દામાલ રિક્વર કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

અપનાનગરમાં રહેતા અને રેડક્રોસ ચાર રસ્તા પાસે આરઆર રેસ્ટોરેન્ટ ચલાવતા રવિન્દ્ર ધર્મેન્દ્ર દાસના મકાનમાં આ ઘટના બની હતી. ભોગ બનનાર રેસ્ટોરેન્ટના સંચાલકે પોતાની રેસ્ટોરેન્ટમાં કામ કરવા માટે નેપાળી યુવાનોને નોકરીએ રાખ્યા હતા. ઘરે તેમના પિતા મોટી ઉમરના હોઈ સાર સંભાળ માટે એક નેપાળીને ઘરે રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘરે પત્ની અને બિમાર પિતા એકલા હતા ત્યારે તકનો લાભ લઈ મકાનની ઉપરના માળે રહેતા નેપાળીઓએ રેખાબેન દાસના હાથ કપડા વડે બાંધી મોં પર ડુચ્ચો લગાવી ઘરમાં તીજોરીમાં રહેલ રોકડ એક લાખ તેમજ સાત તોલા દાગીનાની ચોરી કરી હતી. જે અંગે પોલીસમાં ફરિયાદ દાખલ થતા જુદી જુદી ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી કે, આરોપીઓ નખત્રાણા તાલુકાના વિરાણી ગામની સીમમાં રોકાયેલા છે. જેથી ગાંધીધામમાંથી પોલીસની બે ટીમ રવાના કરાઈ હતી. આ બે ટીમોને સર્ચ દરમિયાન સફળતા મળી છે. જેમાં મુખ્ય આરોપી ધિરેન્દ્ર ઉર્ફે થીરેન્દ્ર જીત બહાદુર સાહી અને નેત્રબહાદુર ઉર્ફે નિશાંત ચંદ્રબહાદુર સાહીને ઝડપી લેવાયા હતા. આ સાથે નખત્રાણામાં રહેતો દિપેન્દ્ર ઉર્ફે દીપક માના બહાદુર સાહી પણ પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો. આ ત્રણેય આરોપીઓએ અપનાનગરમાં ચલાવેલી લૂંટની કબૂલાત આપી હતી. જે-તે સમયની ફરિયાદમાં બે લાખની કિંમતના ૭ તોલા દાગીના ચોરી થયા હોવાનું જણાવાયું હતું. જોેકે, આ ત્રણેય નેપાળીઓ પાસેથી પ૦ તોલા સોનાનો જથ્થો મળી આવ્યો છે. આરોપીઓ પાસેથી એક લાખની રોકડ તેમજ લૂંટ ગયેલ ૧૦ હજારનો મોબાઈલ મળી કુલ રૂા.16,58,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પોલીસે લોકોને અપીલ કરી કે,ઘરે કે વ્યવસાયના સ્થળોએ પરપ્રાંતીય વ્યક્તિને નોકરીએ રાખવામાં આવે ત્યારે તેના ઓળખપત્ર અને મોબાઈલ સહિતની વિગતો પોતાની પાસે રાખી પોલીસમાં અચૂક નોંધ દાખલ કરાવવી જેથી આવા બનાવો અટકાવી શકાય...

Next Story