Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : ગુજરાત ફ્લોરો કંપનીની દુર્ઘટનામાં પર્યાવરણને ગંભીર નુકશાન, GPCB દ્વારા રૂ. 1 કરોડનો દંડ ફટકારાયો...

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપનીની ભયાવહ દુર્ઘટનામાં ૭ કર્મચારીઓના મોત

પંચમહાલ : ગુજરાત ફ્લોરો કંપનીની દુર્ઘટનામાં પર્યાવરણને ગંભીર નુકશાન, GPCB દ્વારા રૂ. 1 કરોડનો દંડ ફટકારાયો...
X

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપનીની ભયાવહ દુર્ઘટનામાં ૭ કર્મચારીઓના મોત અને ૨૫ જેટલા કર્મચારીઓની ગંભીર ઈજાઓ સામે તપાસકર્તા પોલીસ ટીમે કંપની માલીકો સામે કાયદેસર ગુન્હો દાખલ કરવામાં ભલે વિલંબ કરતા હોય, પરંતુ ગાંધીનગર સ્થિત જી.પી.સી.બી.ના સત્તાધીશોએ ગુજરાત ફ્લોરો કંપનીના આ રીએક્ટર બ્લાસ્ટની દુર્ઘટના સંદર્ભમાં એન્વાર્યમેન્ટ ડેમેજ કંપનસેશન્સ (E.D.C.) માટે કંપની સત્તાધીશોને ૧ કરોડ રૂપિયાનો દંડ ફટકારતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. જોકે, ગુજરાત ફ્લોરો કંપનીમાં એમ.પી.પી.-૨ ના પ્લાન્ટમાં રીએક્ટર બ્લાસ્ટની જે દુર્ઘટના સર્જાઈ છે. આ પ્લાન્ટની સક્ષમ સત્તાધીશો તરફથી કાયદેસર મંજૂરીઓ લેવામાં આવી હતી કે, પછી દિલ્હીમાં બેઠેલા વગદાર કંપની માલીકોએ મંજૂરી વગર જ પ્લાન્ટ કાર્યરત કર્યો હતો. આ સંદર્ભમાં તપાસો ચાલુ છે. પરંતુ સત્તાવાર બોલવા કોઈ તૈયાર નહીં હોવાનું જાણવા મળ્યું છે.



ઘોઘંબા તાલુકાના રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરો કંપનીમાં ગત તા. ૧૬મીના રોજ એમ.પી.પી.-૨ પ્લાન્ટમાં પ્રચંડ ધડાકા સાથે રીએક્ટર બ્લાસ્ટની આ ભયંકર દુર્ઘટનાની અગન જ્વાળાઓએ સમગ્ર વિસ્તારને ધ્રુજાવી દીધો હતો. આ દુર્ઘટનામાં ૭ કર્મચારીઓના મોત સાથે ૨૫ કર્મચારીઓ ગંભીર ઈજાગ્રસ્ત બન્યા હતા. આ ઘટના સ્થળે દોડી ગયેલા ગોધરા સ્થિત ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીના ઈન્ચાર્જ અધિકારી આર.બી.ત્રિવેદીએ દુર્ઘટના સંદર્ભમાં ઝીણવટ પૂર્વકની તપાસનો અહેવાલ ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની મુખ્ય કચેરીને સુપ્રત કરવામાં આવતા સૌપ્રથમ જી.પી.સી.બી. દ્વારા ગુજરાત ફ્લોરો કંપનીને ગત તા. ૨૦મીના રોજ હવા અધિનિયમ ૧૯૮૧ની જોગવાઈ હેઠળ એક્સીડેન્ટલ કેસમાં કંપની દ્વારા કરવામાં આવેલ એન્વાયરમેન્ટલ નુકશાન બદલ સખ્ત સૂચનાઓ "ક્લોઝર નોટીસ" ફટકારી હતી. ત્યારબાદ આ દુર્ઘટના સંદર્ભમાં હાથ ધરવામાં આવેલ કાયદેસર કાર્યવાહીઓમાં ગુજરાત ફ્લોરો કંપનીના ભયંકર આગ સાથે રીએક્ટર બ્લાસ્ટની આ દુર્ઘટનાના પગલે કંપનીએ પર્યાવરણને ભારે નુકશાન પહોચાડ્યું હોવાના અભ્યાસુ અહેવાલના પગલે ગુજરાત ફ્લોરો કંપનીના સત્તાધીશોને E.D.C.(એનવાયરમેન્ટ ડેમેજ કંપનસેશન્સ) પેટે ૧ કરોડ રૂપિયાનો આકરો દંડ ફટકારતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.

Next Story