Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : કૌન બનેગા કરોડપતિ શોમાં પહોચી શાળા આચાર્યએ હાંસલ કરી ગૌરવશાળી સિદ્ધિ

સાબરકાંઠા : કૌન બનેગા કરોડપતિ શોમાં પહોચી શાળા આચાર્યએ હાંસલ કરી ગૌરવશાળી સિદ્ધિ
X

ફિલ્મ જગતના સદીના મહાનાયક એવા દિગ્ગજ અભિનેતા બિગ બી' અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ અને સોની ચેનલ પર પ્રસારિત થઈ રહેલ સમગ્ર ભારતમાં આબાલ વૃદ્ધને ઘેલું લગાડનાર શો કૌન બનેગા કરોડપતિની 13મી સિઝન શરૂ થઈ ગઈ છે. મહાનાયક બીગ બી' સાથે મુલાકાત પણ લોકો માટે સ્વપ્નવત છે, ત્યારે કૌન બનેગા કરોડપતિના શોમાં પહોંચવું એ પણ બહુ જ મોટી અને અઘરી સિદ્ધિ છે. જોકે, આ ગૌરવશાળી સિદ્ધિ એક નહીં પણ બબ્બે વાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નાનકડા ગામ હાપાના અને હાપા ગામની જ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા 44 વર્ષીય રાજેન્દ્રસિંહ પરમારે મેળવી છે.

આ વર્ષે સમગ્ર ભારતમાંથી 1.50 થી 2 કરોડ લોકોએ રજીસ્ટ્રેશન કર્યું હતું તેમાંથી રેન્ડમલી 30 લાખ આસપાસ લોકોની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને સિસ્ટમ દ્વારા ત્રણ સવાલો પૂછવામાં આવ્યા હતા જેના જવાબ માત્ર 10 સેકન્ડમાં આપવાના હોય છે. આ પ્રક્રિયા બાદ 20 હજાર લોકોની 20 માર્કસની ઓનલાઇન પરીક્ષા અને ઓનલાઇન વિડીયો અપલોડિંગની પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાંથી પસંદ થયેલા 1200 વ્યક્તિઓને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા.

વર્ષોથી આ સ્વપ્ન સાકાર કરવા તેઓ મથી રહ્યા હતા. 2014માં સુરત ખાતે ઓપનિંગ એપીસોડમાં ઓડિયન્સ સુધી પહોંચ્યા બાદ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ સુધી નહોતા પહોંચી શક્યા. તેમ છતાં તેમણે નિરાશ થયા વગર મહેનત અને પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. આ વર્ષે બીગ બી' સાથે મુલાકાત શક્ય બની હતી. રાજેન્દ્રસિંહ પરમારને દિલ્હી ખાતે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં પેનલ સામે ઇન્ટરવ્યૂ, ઓએમઆર આધારિત પરીક્ષા અને લેખિત પરીક્ષા એમ 3થી 4 કલાકની પરીક્ષા લેવામાં આવી હતી. અંતે 1200 વ્યક્તિઓમાંથી 150 વ્યક્તિઓની ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે પસંદગી થતાં તેમને મુંબઇ શૂટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા.

ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાં નવા ફોર્મેટ મુજબ તેઓ એકવાર હોટસીટની નજીક પહોંચ્યા હતા પરંતુ માત્ર 1 સેકન્ડના નજીવા અંતરથી એક સ્પર્ધકથી પાછળ રહી જતાં તેઓનું હોટસીટ પર પહોંચવાનું સ્વપ્ન સાકાર થતાં રહી ગયું હતું. રાજેન્દ્રસિંહ પરમાર નિરાશ થઈ જતાં બીગ બી' અમિતાભ બચ્ચને તેમના સૌમ્ય સ્વભાવ અને શાલીનતાનો પરિચય આપતાં જોડે ઉભા રહી આશ્વાસન આપતાં કહ્યું હતુ કે, "શ્રીમાન, નિરાશ મત હોઈએ..." આપ હોટ સીટ ઓર નહીં પહોચ સકે તો કયા હુઆ, પર ફાસ્ટેસ્ટ ફિંગર કી સીટ કે લિયે ભી કરોડો લોગ તરસ રહે હૈ, ઔર આપ વહાં તક પહોચે હો યે ભી કોઈ કમ બાત નહીં..." અને બીગ બી'એ રાજેન્દ્રસિંહની દીકરી વાચાએ બીગ બી'ના પેન્સિલ સ્કેચ પોટ્રેટ પર તેમના અમૂલ્ય ઓટોગ્રાફ કરી આપી અને જોડે ઉભા રહી ફોટો પડાવી જીવનભરની યાદગીરી આપી હતી. કમનસીબે રાજેન્દ્રસિંહ પરમાર હોટ સીટ પર તો ન પહોંચી શક્યા પણ તેમની કાબેલિયત અને કિસ્મત જ તેમને હોટ સીટના અંતિમ પડાવ એવી ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટની હોટ સીટ ઉપર લઈ ગયું.

Next Story